(એક વરસ પછી..)
પર્વ ઊંડી ચિંતામાં ડૂબેલો હતો અને એકલો કોલેજના કંપાઉન્ડમાં બેઠો હતો. તેને જોઈને શ્રીયા તેની પાસે ગઈ.
“હેલ્લો, મિસ્ટર..”
કોઇ જવાબ નહિ..
“હેલ્લો..”
કોઇ જવાબ નહિ..
“એલા ઓય.. સાંભળે છે કે ?”
“અરે, મેમ.. તમે! આવો આવો કેમ છે? ”
“મજામાં.. તું કેમ મુંજાઈને બેઠો છે? કોઇ છોકરીનું ચક્કર છે કે શું ? અને ક્યાં ગયો તારો પાક્કો મિત્ર ?”
“બસ બસ મેમ.. આટલા બધા સવાલ એક સાથે.. શ્વાસ તો લ્યો.”
“હા, પણ તું આ મેમ મેમ કહેવાનું બંધ કર.”
“ઓકે. પાર્થ આજે નથી આવ્યો. એ ઘરે ગયો છે.”
“અચ્છા. બીજા બે સવાલોનો જવાબ શું ?”
“અરે એ તો એમ જ શાંતિથી બેઠો છું. ખુદના વિચારોમાં…”
“બસ બસ રોતલું ના બન હવે. મને બોલ શું થયું ?”
“કંઈ નહિ, તમે કહો.. ઘરે બધા કેમ છે ?”
“એય.. તું વાત ફેરવ મા, સાચું સાચું કે શું થયું ?”
“ભૂતકાળની યાદો છે થોડી ઘણી..”
“હા, પણ એ તો વિતી ગયું બધું હવે શું એને યાદ કર્યા કરવાનું અને આમ ઉદાસ બનીને બેસવાનું !”
“ભૂતકાળની ખીણમાંથી બહાર નીકળી શકાય તો બીજું જોઈએ શું?”
“એ દેવદાસ.. શું છે આ બધું.. દર વખતે લાઈન મારતો હોય અને આજે આ બધું.. આટલો બદલાવ કેમ? શું થયું બોલ તો..”
પર્વ તેનું ભૂતકાળ વર્ણવે છે..
“હું જ્યારે ૧૦મામાં હતો ત્યારે મારા ક્લાસમાં એક નવી છોકરીએ એડમિશન લીધું. હું ભણવામાં ખૂબ હોંશિયાર હતો પણ અચાનક શું થયું ખબર ના પડી. ધીમે ધીમે અમે ફ્રેન્ડ બન્યા અને એ પછી મારા ટ્યુશશમાં પણ આવતી. અમારી દોસ્તી દિવસે ને દિવસે મજબૂત થતી ગઈ. સ્કૂલમાં પણ સાથે અને ટ્યુશનમાં પણ.. એક સાથે સ્ટડી કરતા અને એક સાથે મસ્તી પણ કરતા. એક દિવસ થયું એવું કે મારા મિત્રએ મને ગેરમાર્ગે ચડાવ્યો કે પર્વ તું રોશની સાથે હવે એક ડગલું આગળ વધ. મેં કીધું શું? યોગેશે મને કીધું કે યાર મિત્ર રહેવાથી શું ફાયદો? હવે તમે બંને એક ડગલું આગળ વધો. બંને એકબીજાને સરખી રીતે ઓળખો પણ છો અને સમજો પણ છો. તો તમે બંને રિલેશનમાં આવી જાઓ. મે યોગેશને કીધું, ના ભાઈ.. તું રહેવા દે. હજુ ૧૦માંમાજ આપણે છીએ. અત્યારે એવું કાઇ ના હોય. યોગેશે પર્વની વાત ઉપર ના દર્શાવતા કહ્યું, પર્વ તું સમજતો નથી, ૧૦ પછી એ કોઈ બીજી જગ્યાએ ભણવા ચાલી જશે તો? એના કરતાં તું અત્યારે એને બધું પૂછી લે એટલે તમે બંને એક થઈ જાઓ પછી કોઈ વાંધો નહિ. યોગેશની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. અને મને થયું યોગેશ સાચું જ બોલે છે.”
“મેં સારો મોકો શોધીને રોશની સાથે આ બાબતે વાત કરી અને એ ખૂબ ખુશ થઈ ગઈ. અને અમે બંને રીલેશનમાં આવી ગયા. હા, ખબર તો છે કે સમય બહુ ઓછો થયો પણ આટલા ઓછા સમયમાં અમે એક થઈ ગયા. થોડો સમય વીત્યો કે પરીક્ષા આવી ગઈ. અને આ બધી વસ્તુઓની ખરાબ અસર અમારા ભણતર ઉપર પડી. પરીક્ષા માથે આવી ગઈ અને અમે કંઈ ભણ્યું જ ના હતું. આખરે થયું એવું કે અમે બંને પરીક્ષામાં ફેઇલ થયા, હું બે વિષયમાં અને રોશની એક વિષયમાં.”
“આ બાબતની બહુ ખરાબ અસર તો અમારા બંનેના ઘરે થઈ. એ લોકોને અમારી વાતની ખબર ન હતી, પણ રોશનીને ભણતી ઉઠાવી લીધી. અને મે તો મારા ઘરે બધાને મુશ્કેલીથી સમજાવ્યા એટલે મને એક મોકો મળ્યો. બાળપણ હતું એટલે કંઇ વધારે ખબર ના પડતી એટલે આ બધું થઈ ગયું અને પરિણામ પણ બહુ ખરાબ આવ્યું.”
“મારે તો ૧૦મું ફરીવાર શરૂ થઈ ગયું પણ રોશનીને તો ભણતર જ સાવ બંધ હતું. રોશનીએ તેના પિતાને ખૂબ સમજાવ્યા પણ એ ના માન્યા અને ઊલટું એમણે રોશનીની સગાઈ નક્કી કરી. હું ખૂબ મુંઝવણમાં હતો અને મે મારું ૧૦મું પૂરું કર્યું. ૧૦માનું પરિણામ પણ આવી ગયું અને હું સારા માર્કસથી પાસ પણ થઈ ગયો પણ બે દિવસ પછી રોશનીની સગાઈ હતી એ વાતનું મને બહુ દુઃખ હતું. મે આખા વર્ષ દરમિયાન રોશની સાથે વાત કરવાની બહુ કોશિશો કરેલી પણ એને એક પણ કોશિશ ના કરી. હું અને પાર્થ બંને રોશનીની સગાઈમાં પણ ગયા, પણ દૂર ઊભા હતા. રોશનીને જોઈને મને રડવું આવી ગયું કે યાર આને આટલો પ્રેમ કર્યો મેં, પણ અંતે તો આજે એ બીજા કોઈની બને છે. મેં વિચારેલું કે રોશની સાથે વાત કરીશ અને એને બધું સમજાવીશ કે આમ કહેજે તેમ કહેજે એટલે તારા પપ્પા માની જશે. પણ એણે મારી સાથે વાત જ ના કરી. અને અંતે એની સગાઈમાં ઊભો ઊભો હું એને જોઈ રહ્યો હતો. મને દુઃખ એ વાતનું હતું કે આટલો સમય આટલી લાગણીથી અમે બંને સાથે રહ્યા અને એક ઝટકામાં જ એણે બધું પૂરું કરી દીધું. અને અત્યારે એના મોઢા સામે જોઈએ તો એવું લાગતું હતું કે એને જરા પણ મારાથી છૂટા પડ્યાનો અફસોસ નથી. આ બધું જોઈને હું સાવ ભાંગી પડ્યો. અમે બંને ૧૦માની પરીક્ષામાં હારી ગયા હતા, પણ મેં એને જીતવા માટે પૂરી કોશિશ કરી. હું સમજી શકું કે એના પરિવારમાં મારા પરિવાર જેવું નહિ હોય એટલે બીજો મોકો ના મળ્યો. પણ મારી સાથે એકવાર વાત તો કરી શકાય ને ! પછી મે આ બધું છોડીને આગળ ભણવામાં ધ્યાન આપ્યું પણ દિવસે ને દિવસે આગળ વધવું મારા માટે મુશ્કેલ બનતું હતું. એવામાં થયું એવું કે, મારા પપ્પાનો એક મિત્ર મારા ઘરે આવ્યો, એ ખૂબ અમીર છે. એને જોઈને મને થયું મારે આવું જ બનવું છે. એ બહુ મોટો કોન્ટ્રાકટર છે. એટલે મે નક્કી કર્યું કે ગમે તે થાય મારે આર્કિટેક્ટ એન્જિનિયર બનવું છે. અને એ રીતે મે મહેનત શરૂ કરી દીધી. અને જો શ્રીયા, આજે હું તારી સામે બેસ્યો છું.”
“દરરોજ જીવનમાં તો સફળ થઈ રહ્યો છું, પણ આજે બન્યું કંઇક એવું કે.. હું કોલેજે આવતો હતો ત્યારે મે એક દંપતી જોયું. તેની સામે જોયું એટલે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું ત્યાં ને ત્યાં પૂરેપૂરો ચોંટી ગયો. જરા પણ હાલી ચાલી ના શક્યો. એ બીજું કોઈ ના હતું, એ રોશની અને એનો પતિ હતો. બંનેને આમ જોઈને આજે મારા શરીરમાં મારા ભૂતકાળે એક કૂદકો માર્યો અને હું સવારથી અહી જ બેસી ગયો છું. આજે મને એવું લાગે છે કે જીવનમાં હું સફળ તો બહુ થયો પણ અંદરથી પૂરેપૂરો નાપાસ છું.”
(આ બધું બોલતા બોલતા પર્વ રડી પડે છે.)
શ્રીયા પર્વની આંખોમા આંખો પોરવીને પર્વને હિંમત આપતા કહે છે.. “પર્વ, હવે તું આ બધું ભૂલી જા. હું, પાર્થ અને બીજા પણ તારા કેટલાં બધા ફ્રેન્ડ છે. અત્યારે આપણે બધા સાથે છીએ તો આ પળને મહેસૂસ કર, આ પળને માણ, ખુશી ખુશી થી આપણે સાથે રહીએ. અને તને કોઈ તકલીફ થતી હોય તો અમને જણાવ. અને મેં તો તને પહેલા દિવસે જોયો જ્યારે તે બૂમ પાડી હતી, ત્યારે જ ખબર પડી ગઈ ‘તી કે તું દેખાય ભલે તોફાની પણ અંદરથી કંઇક તો એકલો છે. હું તારી સિનિયર છું, તું અને તારી સાથે ભણતા સૌ મને મેમ કહીને બોલાવે છે. પણ હું આજે તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે હું તારા માટે એક અંગત વ્યક્તિ છું, તું મને ગમે ત્યારે ગમે તે કહી શકે. અને આમ દેવદાસ બનીને ના બેસ, કંઇક મસ્તી કર, થોડીક વાતો કર. અને કંઈ ના કરવું હોય તો ચલ મને કોફી પીવડાવ. કંજૂસ ના બનતો.”
“સારું, ચલો કેન્ટીનમાં..” (પર્વ શ્રીયાને ઉભુ થવાનું કહે છે.)
“‘તું’ કહીને બોલાવ, ‘તમે’ શબ્દ આપણી મિત્રતાને ભાર આપે છે.” (એક હાથથી હળવો ધક્કો મારતાં શ્રીયા પર્વને કહે છે.)
“સારું સારું.. મેડમ જી.. હવે ‘તમે’ શબ્દ કેન્સલ બસ !”
“હા.. એમ..”
(ક્રમશઃ)
દીપ ગુર્જર