“તું આવી ગયો એમ ને. શું કીધું એ શ્રીયાએ? મટીરીયલ આપ્યું કે પછી ગાળો આપી?” – પર્વ રૂમ ઉપર પહોંચ્યો કે પાર્થે ટોણો માર્યો.
પર્વએ પાર્થની સામે પ્રેમભરી નજરે જોયું અને કહ્યું, “ના ભાઈ.. એ તો બહુ સારી છે.”
“એ તો મને ખબર જ છે. તને એ બહુ ગમે છે. હરખપદુડો, છોકરી જોઈને મલકાય જાય.” પાર્થે પર્વને ફરી એક ટોણો માર્યો.
“ગમવાની વાત અલગ છે ભૈલા, આ શ્રીયા તો ખરેખર અદભૂત ચરિત્ર છે.” પર્વએ પાર્થને ફરીવાર પ્રેમથી જવાબ આપ્યો.
“હા હા.. પ્રેમી પંખીડો.. થોડા દિવસ જવા દે. પછી મને કહેજે તારી આ પ્રેમ ભરી સફર કેટલી લાંબી ચાલે.”
“અરે યાર સાચે.. એ ખૂબ અલગ જ મિજાજનું વ્યક્તિત્વ છે, એના પિતા મજૂરી કરે છે.. એ નોકરી.. “(પર્વએ પાર્થને બધી વાતો કરી.)
હ”શે લે.. તો શું તારે આની સાથે પણ તારો સમય બગાડવો છે? ખબર છે ને ૧૦ મામાં તું શા માટે ફેઇલ થયો હતો !”, આવું બોલીને પાર્થે પર્વને બહુ ઊંડો સદમાભર્યો ટોણો માર્યો.
“યાર એ યાદ ના કર.. એ બધું ખૂબ જૂનું અને વિતી ગયેલું છે. અને એ ખૂબ ખરાબ ક્ષણ હતી. એ બધું આજે યાદ ના કર ભાઈ.” પર્વએ ઉદાસી ભર્યા ચહેરે પાર્થને કહ્યું.
પાર્થ થોડો કંઈ બંધ બેસે એમ હતો. એણે તો પોતાની વાણીના તીરો પર્વ ઉપર છોડવાના ચાલુ જ રાખ્યા અને ફરી બોલ્યો કે, “યાદ કરવું જરૂરી છે ભૈલા.. હું તો ઠોઠ છું એટલે ફેઇલ થયેલો પણ તું.. આ બધા આકર્ષણમાં પડીને !”
“યાર, તું મને વધારે ના બોલાવ.. આકર્ષણ નથી આ અને ૧૦મામાં જે હતું એ પણ આકર્ષણ ના હતું. મેં ત્યારે મારી રીતે પૂરી મહેનત કરેલી પણ એ..” આટલું બોલીને પર્વ બંધ થઈ ગયો.
“તું સમજે છે કે એ પ્રેમ હતો, પણ ખરેખર તો આ પ્રેમ બ્રેમ બધું ભવાઈ જ છે.” પાર્થે પર્વને કહ્યું.
“તું નહિ સમજી શકે પાર્થ આ બધું.. રહેવા દે.. પ્રેમ તો લાગણીઓનું ઝરણું છે. જે કંઈ પણ કહ્યા વગર વિચાર્યું ના હોય એટલું કહી જાય. જીવનભર હરેક પળ સાથ આપી જાય. અને જીવનના અંતિમ શ્વાસ સુધી ડગલે ને પગલે સાથે ચાલે. પ્રેમ નથી તો દુનિયામાં કંઈ પણ નથી. પ્રેમ વગર તો દુનિયા સાવ નકામી અને ખાલીખમ છે. પ્રેમ તો દુનિયાનું ઘરેણું છે. જો એને પહેરવામાં આવે તો દુનિયા ખૂબ જ સુંદર દેખાવા લાગે.”
“બસ બસ લે.. હવે બહુ ભાષણ ના આપ. અને તારે ફરીથી આમાં જ આગળ વધવું હોય તો વધ. પણ બહુ ઊંડો નહિ પડતો. જોજે તારું ભણવાનું ના બગડે. પ્રેમી પંખીડા ભલે બને તું, પણ બહુ દૂર ના ઉડી જતો. ભૂતકાળના અનુભવો પણ યાદ રાખજે હો..” પાર્થે પોતાની આટલી નાની વાણીથી પર્વનું ભાષણ બંધ કરાવ્યું.
“તું જે સમજે એ.. મે તો તને હકીકત વર્ણવી.” એક હાથ ઊંચો કરીને પર્વએ પાર્થને કહ્યું.
“હા.. હા.. હવે.. પણ આ વખતે જે પણ કરે એ સમજી વિચારીને કરજે. કારણ કે, આ કંઈ બાળપણ નથી, હવે આપણે મોટા થઈ ગયા અને કોલેજ પૂરી થશે એટલે ઘરની જવાબદારીઓ પણ આપણા માથે આવશે. એટલે ભણવાનું ના ભૂલી હતો, ભલે એ શ્રીયા સાથે તારે ગાઢ સંબંધ બંધાય અને તારા હૃદયના ઊંડાણે લાગણીઓનાં મોજા ગોથા ખાતા હોય.”પર્વ સામે જોઈને પાર્થે બોલવાનું શરૂ જ રાખ્યું.
પર્વએ પાર્થ સામે બે હાથ જોડીને કીધું, “ભાઈ હવે તો બંધ થા. એક તો તું છે ડરપોક ! અને એમાં આજે મને સલાહ દેવા બેસ્યો છે.”
(પાર્થ અને પર્વ વચ્ચે ઝીણો એવો ઝઘડો થયો.)
(ક્રમશઃ)
દીપ ગુર્જર