(બે દિવસ પછી..)
“હેય, યુ!” શ્રીયા પર્વને જોઈને બૂમ પાડી ઉઠી.
પર્વએ પાછળ ફરીને જવાબ આપ્યો, “કોણ હું?”
“હા.. બે દિવસ પહેલા મિટિંગમાં તે કંઇક પ્રશ્ન પૂછ્યો હતો! શું હતો એ પ્રશ્ન?”
“સોરી, એ એમ જ મોંમાંથી નીકળી ગયું હતું.”
“ના ના.. તે પ્રશ્ન તો પૂછ્યો પણ પાછો ઊભો થઈને રૂમમાંથી નીકળી પણ ગયો.”
“સોરી, હું મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો પણ અચાનક જોરથી બોલાય ગયું.”
“ઓકે.”
(શ્રીયા સાથે આ રીતે વાત થઈ અને પર્વ હરખપદુડો બની ગયો.)
પાર્થે પર્વને કહ્યું કે, “પર્વ, તું ધ્યાન રાખજે. એ શ્રીયા આપણી સિનિયર છે અને કોલેજ ટોપર પણ. એની પાછળ તારા પ્રેમી પંખીડા ના ઉડાડતો.”
“અરે પાર્થ, પ્રેમ તો લાગણીથી થાય. પહેલી નજરમાં જોઈએ ત્યાં કોઈ આપણું લાગવા માંડે એટલે પ્રેમ.”
“બસ બસ, ભાઈ તું રહેવા દે. આ બધું આકર્ષણ છે.”
“પાર્થીયા, તું તો રહેવા જ દે. તને અને પ્રેમને કંઈ લાગુ ના પડે. એટલે તને આ બધું ના સમજાય.”
(થોડોક સમય વીત્યો અને પ્રોફેસરે સિનિયર પાસેથી નોટ્સ લેવાનું કહ્યું.)
પર્વ આ વાત ઉપર બોલી ઉઠ્યો કે, પાર્થ, આ સરસ મોકો છે, શ્રીયા પાસે જવાનો.”
“ના ભાઈ, તારે જાવું હોય તો જા. મારે નથી આવવું.”
“અરે, એમ થોડું ચાલે. તું તો મારો પાક્કો મિત્ર. અને આજે તું આમ સાથ છોડી દે.”
“ચાલ, ભાઈ તારા જેવું કોણ થાય. હું આવીશ બસ. પણ દૂર ઊભો રઈશ.”
__
શ્રીયાને લાયબ્રેરીમાં જોઈને પર્વ એની પાસે ગયો.
“હેલ્લો મેમ..”
શ્રીયા પર્વ સામે ફરીને બોલી.. સ…. ચૂપ. તને આટલી ખબર નથી પડતી આ લાયબ્રેરી છે. ધીમે બોલ. શું કામ છે?”
“મેમ પ્રોફેસરે કહ્યું કે સિનિયર પાસેથી મટીરીયલ લેવાનું છે.”
“અચ્છા એટલે તું મારી પાસે આવ્યો એમ! તને બીજું કોઈ સિનિયર ના મળ્યું.”
“ના મેમ, એવું નથી. તને ખૂબ હોશિયાર છો અને કોલેજ ટોપર પણ.”
“બસ બસ માખણ ના લગાવ મને. તું એમ કર મને શાંતિથી મળ.”
“ઓકે મેમ.”
(પર્વ લાયબ્રેરીના દરવાજા પાસે પહોંચ્યો અને પાછો વળ્યો..)
અને શ્રીયા પાસે જઈને બોલ્યો.. “મેમ, ક્યારે મળું?”
શ્રીયાએ પર્વની આંખોમા ઝાંખીને કીધું, “એ ઉતાવળા.. તારે આટલી બધી શું ઉતાવળ છે? મટીરીયલ જ જોઈએ છે ને! આપી દઈશ.”
પણ પર્વ ફરીથી અધૂરપભર્યા અવાજે બોલ્યો. “ઓકે. પણ ક્યારે એ કહી દીધું હોત તો મને ખબર પડત.”
“એમ કર. બે કલાક પછી કેન્ટીનમાં મળજે.”
“ઓકે. થેંક યું મેમ.”
(પર્વ ખુશીથી ઉછળતો જુમતો પાર્થ પાસે ગયો અને પાર્થને બધું કહ્યું.)
“બસ બસ હવે હરખપદુડો ના બન બૌ. અને એની પાસે જાય ત્યારે બધું વિચારીને બોલજે. આમ જ નઈ બાફી દેતો.” પાર્થે પર્વને શિખામણો આપી.
“હા ભાઈ. તું શિખામણ જ આપ્યા કર મને.”
___
“હાય.. – શ્રીયાએ પર્વ જે ટેબલ ઉપર બેસ્યો હતો ત્યાં જઈને કહ્યું.
શ્રીયાને જોઈ કે પર્વ તરત ઊભો થઈ ગયો.
“બેસ બેસ અલ્યા. બૌ માન ના આપ.”
પર્વ બેસી જાય છે.
શ્રીયા પર્વને પૂછી બેસે છે કે, “શું છે તારું નામ?”
“પર્વ..”
“ઓકે. મને તો ઓળખતો જ હઈશ !”
“હા, તમને તો કોણ ના ઓળખે.”
“કટાક્ષમાં કહે છે કે?”
“ના ના મેમ.”
“તો ભલે.. હવે કંઇક ઓર્ડર પણ કરીશ કે પછી મટીરીયલ માગવા જ આવ્યો છે !”
“અરે સોરી, હું કરું.”
કોફી પીતા પીતા શ્રીયાએ પૂછ્યું. “તો શું કરે છે બાજુમાં કોઈ કામ કે પછી ખાલી કોલેજ જ ?”
“ના ના. ફક્ત કોલેજ જ કરું છું.”
“અચ્છા.”
“તમે?”
“હા, હું તો રાત્રે હોસ્પિટલમાં જાઉં છું.”
“ઓહ્.. તમે થાકી ના જાવ ?”
“ના રે.. એમાં શું થાકવાનું !”
“હા.. તમે ખરેખર બહુ મહેનત કરો છો. કોલેજ ટોપર પણ છો અને સાથે સાથે જોબ પણ કરો છો.”
“હા.. બીજું કે.. જલ્દી બોલજે, બાકી બીજી કોફી મગાવી પડશે તારે..” (શ્રીયાએ હસતા હસતા પર્વને કહ્યું)
“અરે, એમાં શું! તમે તો તમારું મટીરીયલ મને આપો છો અને તમારો આટલો બધો સમય મને આપ્યો. તો હું શું એક ૧૦ રૂપિયાની કોફી ના પીવડાવી શકું !”
“બેટા, તને ખબર નથી આ ૧૦ રૂપિયા તું જેમ સહેલાઈથી બોલે છે, એ કેવી મુશ્કેલીથી ખિસ્સામાં આવે છે. સાચેક તારા પપ્પા શું કરે છે?”
“બિઝનેસમેન છે. અને અમારે ૫૦ વીઘા જમીન પણ છે.
“અચ્છા.”
“અને તમારા પપ્પા?”
“મજૂરી કરે છે. અને હું જોબ પર એટલે જ જાવ છું કે મારો ખુદનો ખર્ચ હું કાઢી શકું.”
“ઓકે. ખરેખર તને મહાન આત્મા છો.” (વ્યંગ કરીને પર્વએ હસતા હસતા બે હાથ જોડયા.)
“સરસ લે. હવે હું જાઉં. મારે બીજા કામ પણ છે.”
“હા, થેંક યુ સો મચ મેમ.”
“એ.. બસ કર હવે.. મેમ મેમ ના કર. તું મને શ્રીયા કહીને પણ બોલાવી શકે.”
“ના ના, તમે મારા સિનિયર છો.”
“અચ્છા તું મને સિનિયર માને છે તો પછી પેલા દિવસે કેમ જોરથી બૂમ પાડી હતી !”
“અરે એ તો એમ જ.”
“ચાલ ચાલ હવે.. એનો જવાબ આપ તો..” (શ્રીયા પાછી ખુરશી ઉપર બેસી ગઈ.)
“કંઈ નહિ, તમને જોયા કે એવું લાગ્યું જાણે તમે કોઈ ઓળખીતા હોય.”
“અચ્છા, એવું.. લાઈન મારે છે કે શું મારા ઉપર? ” (શ્રીયાએ એક નેણ ઊંચું કરતા પૂછ્યું)
“ના ના.. એવું કંઈ નથી.”
“હશે લે હવે.. હું જાઉં.”
“હા.”
(ક્રમશઃ)
દીપ ગુર્જર