“આજે તો સિનિયર મીટીંગ છે.” – કંટાળી ગયેલા અવાજે પાર્થ બોલ્યો.
“જે હોય તે આપણે થોડા કંઈ ડરીએ છીએ. સિનિયર લોકોનું તો કામ જ આ છે. આપણી જેવા જુનીયરને હેરાન કરવાનું. કંઈ જ ડરવાનું નહિ.”, પાર્થને દિલ્લાસો આપવા પર્વ બોલી ઉઠ્યો.
પાર્થ પર્વની આવી વાત સાંભળીને પર્વ સામે ઝીણી નજરથી જોવા લાગ્યો અને બોલ્યો, “અલ્યા થોડું તો ડર! આજે તો આપણો વારો જ પડવાનો છે. પહેલા દિવસે જ પાણીના કૂલર પાસે આપણે લકચક થઈ ગઈ પેલા બે સિનિયર સાથે. એટલે આજે એ લોકો આપણો વારો કાઢશે.”
“ના ના ભાઈ, કંઈ નહિ થાય. ચાલ હવે જલ્દી કર, મોડું થઈ જશે તો પાછા એ બધા વધારે બોલશે” આવું બોલીને પર્વ ખભે બેગ ચડાવી રૂમની બહાર નીકળ્યો.
(કોલેજ પર પહોંચીને..)
“પાર્થ, જો તો પેલી છોકરીને મેં પેલા કંઇક જોયેલી છે, એવું મને પ્રતીત થાય છે. તું એને ઓળખે છે?”
“ના, પર્વ.. મેં તો એને પેલા કોઇ પણ જગ્યાએ નથી જોઈ. તું પણ ને પર્વ.. તને કોઈ પણ છોકરી જાણીતી જ લાગતી હોય.” ( પાર્થ પર્વની મજાક કરતો કરતો બોલ્યો.)
“ના.. અલ્યા.. એ ઓળખીતી લાગે છે. ઘણા વર્ષોથી હું એને ઓળખતો હોય અને અમારા બંને વચ્ચે કંઇક ગાઢ સંબંધ હોય એવું લાગે છે.”
“તું રહેવા દે ભાઈ.. આ બધું આંખોનું અંજવાળું છે. થોડાક દિવસ પ્રકાશિત રહે. પછી કોઈક બીજા ઉપર પ્રકાશ ફેંકે. આ ઉંમર જ એવી છે, કે કોઈ પ્રત્યે આકર્ષણ ઉત્ત્પન્ન થાય. તું કંઇક આ આકર્ષણનો ભોગ ના બનતો હો.”
“ના, પાર્થ આ આકર્ષણ નથી. મેં એને જોઈ કે તરત મને મારું કોઈ ખૂબ નજીકનું સંબંધી લાગ્યું.”
“ચાલ, જે હોય એ.. હવે આપણે એક બાજુ બેસી જઈએ. મિટિંગ શરૂ થવાનો સમય થઈ ગયો છે.”
(બંને પોતપોતાની સીટ લઈને બેસી જાય છે.)
“હેલ્લો, ફ્રેન્ડ્સ. હું શ્રીયા. તમે લોકો હમણાં નવા નવા જ આ કોલેજમાં દાખલ થયા છો. આપણી કોલેજના કેટલાક નિયમો છે. જેમની તમને ખાસ્સી જાણ પણ નહિ હોય અને ઘણા લોકોએ આ નિયમો તોડ્યા પણ છે તો આજે આ મિટિંગ દ્વારા તમને સૌને બધા નિયમો જણાવી દેવામાં આવશે. અને હવે પછીથી કોઈ નિયમ તૂટશે તો એને હલકામાં નહિ લેવામાં આવે.”
બધા લોકો શાંત બેસીને સામે ઉભેલા ૧૫-૨૦ સિનિયર લોકો સામે જોતા હતા.
શ્રીયા બધાને નિયમો સમજાવતી રહી અને પર્વ એને ટગર ટગર જોતો રહ્યો. આજુબાજુનું વાતાવરણ જાણે સાવ મંદ થઈ ગયું હોય અને પોતે એકલો જ શ્રીયાને સાંભળતો હોય એવું પર્વને પ્રતીત થતું હતું.
શ્રીયાએ પોતાની બધી વાતો પૂર્ણ કરી અને પૂછ્યું “કોઈને કંઈ પ્રશ્ન ?”
પર્વ વિના વિચાર્યે જ જોરથી બરાડી ઉઠ્યો.. “તમે કંઇક ઓળખીતા લાગો છો.”
આજુબાજુના બધા લોકો પર્વ સામે ઘુરીઘુરીને જોવા લાગ્યા. ત્યાં ઉપસ્થિત ૧૫-૨૦ સિનિયર લોકો પર્વ સામે ગુસ્સાની નજર ફેંકી રહ્યા હતા. પાર્થ સમજી ગયો કે હવે તો સાવ મર્યા છીએ. આ પર્વ કોઇ જગ્યાએ સરખો બેસે જ નહિ. ભણવામાં તો હોંશિયાર પણ બીજી બધી પ્રવૃત્તિમાં પણ મોંઘો દાટ. કોને ખબર હવે શું થાય !
(૭૦ લોકોની એ મેદનીમાં પર્વ આ વાક્ય બોલી તો ગયો પણ હવે કરવું શું? બધા પર્વ સામે ઘુરી ઘુરીને જોવા લાગ્યા. અને પર્વ શરમથી નીચું જોઈને બહાર નીકળી ગયો.)
(ક્રમશ:)
દીપ ગુર્જર