“હેલ્લો, શ્રીયા..”
“હા.. બોલ પર્વ.”
“આવતીકાલે ફાઇનલ પરીક્ષા છે. મને થોડું નથી સમજાતું. શું તું ફ્રી છે ?”
“અરે એમાં થોડું કંઈ પૂછવાનું હોય ગાંડા. તું એમ કર, આજે બપોર પછી કોલેજના ગ્રાઉન્ડમાં મને મળ હું ત્યાં તને શીખવાડી દઈશ.”
“ઓકે, ચલ એવું કરીએ.”
——
(બે કલાક પછી..)
“હાય પર્વ”
“હાય શ્રીયા, આહા.. તું તો આજે ખૂબ સુંદર દેખાય છે !”
“બસ બસ.. લાઈન ના માર દોસ્ત ઉપર! જે કરવા આવ્યો છે એ કર.”
“અરે ના યાર. હું ક્યાં એટલો કાબિલ કે તને પટાવું !”
“એય શું બોલે છે તું આ બધું ?” શ્રીયા પર્વ ઉપર ગુસ્સે થઈ ગઈ.
“શ્રીયા, ગુસ્સો ના કર. હું તો મજાક કરું છું. ચાલ હવે જે વાત છે એ કહું તને.”
“અરે, આમાં તો કંઈ નથી. સાવ સહેલો ટોપિક છે. આ મળવા માટેનું બહાનું તો નથી ને પર્વ ?”
“ના યાર. મને સાચે નથી આવડતું એટલે તો તને પૂછ્યું.”
“ઓકે. તો ભલે.”
——
(પરીક્ષા પૂર્ણ થયાના ૨૦ દિવસો બાદ..)
“પર્વ, હવે તો આપણી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ અને પરીક્ષા પછી આવતી ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. કેમ કોલેજના ૪વર્ષ વિતી ગયા ખબર જ ના પડી. તું પહેલી વખત આવ્યો હતો અને જોરથી બૂમ પાડી હતી, કે તમે કંઇક ઓળખીતા લાગો છો !” આવું બોલીને શ્રીયા પર્વને ભેટી પડે છે.
“શ્રીયા યાર, તું મને રડાવીશ. આવું બધું ના બોલ. આપણે સાથે હતા, છીએ અને હંમેશા રહીશું.”
“હા” શ્રીયા આંખોમાંથી નીકળતા આંસુ લૂછતી લૂછતી બોલે છે.
કોલેજમાં થતી ફેરવેલ પાર્ટીમાં બધાએ પોતપોતાના અનુભવો, અભિપ્રાયો શેર કર્યા. ઘણા લોકો તો રડવા પણ લાગ્યા. શ્રીયા, પર્વ અને પાર્થ પણ આજે છૂટા પડવાના હતા. શ્રીયા અને પર્વ, જાણે અંદરથી એકબીજા સાથે એકદમ નજીક આવી ગયા હોય પરંતુ બહાર એકબીજાને બોલી શકતા ન હતા.
પાર્થ પર્વને ધીમેકથી ધક્કો દઈને કહે છે. “તું શું આમ ઊભો છે. આજે જ સારો મોકો છે. શ્રીયાને પોતાના દિલની વાત કહી દે. જો આજે તે કંઈ ના કીધું તો હવે પછી તું ક્યારેય કંઈ નહિ બોલી શકે.”
“પાર્થ, તું કંઈ સમજતો નથી. શ્રીયાના ઘરની હાલત પ્રમાણે હું એને આ બધું ના કહી શકું. જો શ્રીયા પોતાના પરિવારથી વિરૂદ્ધ કોઇ સાથે લગ્ન કરશે તો તેના મમ્મી પપ્પા સાવ ભાંગી પડશે એટલે હું એને કંઈ નથી કહેતો.”
પર્વ અને શ્રીયા અંતિમ ઘડીએ એકવાર મળે છે.
“પર્વ, કંજુસાઈ ના કર. ચાલ મને એક છેલ્લી કોફી તો પીવડાવ.”
“અરે શું શ્રીયા તું પણ. એમાં શું કંજુસાઈ અને છેલ્લી કોફી કેમ? આપણે કોલેજમાંથી છૂટા પડીએ છીએ. નહિ કે જીવનમાં અંતિમ વાર મળતા હોય.”
“હા. ચાલ હવે કેન્ટિનમાં..”
——
કેન્ટીનમાં ટેબલ પર બેસતા જ ..
“શ્રીયા, ગમે ત્યારે ગમે તે કામ હોય તું મને યાદ કરજે. હું તારી સામે હાજર થઈ જઈશ. તારી સાથે હંમેશા રહીશ.”
“હા, પર્વ. દોસ્તી થોડી કંઈ મર્યાદિત દિવસો સુધીની હોય. દોસ્તી તો જીવનભરની એક અદ્ભુત સફર છે.”
“અરે વાહ! આજે કેમ શાયર બની ગઈ કે તું !”
“ના ના. એ તો એમ જ.”
“ચાલ હવે તું મને એ કે, આપણે પાછા ક્યારે મળીશું ?” પર્વ એ શ્રીયાને પ્રશ્ન કર્યો.
“પર્વ, અધીરો ના બન. પહેલા આપણે બંને છુટા તો થઈએ પછી મળી શકીશું ને.”
“હા. પણ આપણે જલ્દી જ મળીશું હો.”
“હા. જ્યારે સરખો મસ્ત સમય મળી રહેશે એટલે આપણે ભેગા થઈશું.”
“યાર બહુ મજા આવી કોલેજમાં તો. હું અને પાર્થ આવ્યા હતા ત્યારે કોલેજ એક ફિલ્મી જીવન લાગતું હતું મને. પણ તારા જેવી દોસ્ત મળી એટલે કોલેજ મારું જીવન બની ગયું. આશા છે કે, બધાને આવી એક દોસ્ત મળે.” પર્વ શ્રીયાનો હાથ પકડી બોલ્યો.
“બંનેની આંખો એકબીજાની આંખોમા ભળી ગઈ હોય એવું લાગે છે. બંનેના હૃદય કરુણ અવાજે રડતા હોય અને આપણે પાછા જરૂર મળીશું એવું બોલતા હોય એવું લાગે છે. આખરે બંને ખરડાયેલા અવાજે એકબીજાને બાય કહીને છુટા પડે છે અને વારંવાર પાછળ ફરીને એકબીજા સામું જુએ છે.”
આ કરુણ દૃશ્ય જોઈને કદાચ ભગવાન પણ રડ્યો હશે.
(ક્રમશઃ)
દીપ ગુર્જર