છાતી ફુલાવીને મહેશભાઈ ઘરમાં પ્રવેશ કરે છે અને પર્વ સામે જોઈને કહે છે, “વાહ.. બેટા વાહ.. તે તો અમારું નામ રોશન કરી દીધું. ખરેખર તે બહુ સારી મહેનત કરી અને આજે સવારે હું ગામમાં નીકળ્યો એટલે ચારેકોર તારી જ વાતો.. આજે તો મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું. ભગવાન કરે બધાને તારા જેવો જ દીકરો મળે. હું તો ધન્ય થઈ ગયો. બાકી આજના નૌજુવનીયાને જોયા છે! કેમ રખડતાં હોય, આંટા મારતાં હોય, કેવી કેવી કુટેવો લઈને ફરતા હોય. હવે તો તને સારી એવી કોલેજમાં એડમિશન મળી જાશે. તારું ૧૨ માનું પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. હવે તું મને કહે કે આગળ તારે શું ભણવુ છે ?”
મહેશભાઈના આ પ્રશ્ન સાંભળીને પર્વ ઝટાક દઈને ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો અને બોલ્યો.. “પપ્પા, મારે તો આર્કિટેકટ એન્જિનિયર જ બનવું છે અને એટલા માટે જ મેં દિવસ રાત મહેનત કરી અને છેવટે આટલું સારું પરિણામ મળી શક્યું.”
“હા, બેટા વાંધો નહીં. તને જે ફિલ્ડ ગમે તે. તારું ભવિષ્ય તારે જ નક્કી કરવાનું છે, અમે તો બસ તારા માટે ખભા બનીને તારી સાથે ઉભા રહીશું.”, મહેશભાઈએ પર્વને કહ્યું.
“હા પપ્પા, મારે આર્કિટેકટમાં જવા માટે હજુ એક પરીક્ષા આપવી પડશે.”
“વાંધો નહિ, એના ફોર્મ ભરાતા હોય ત્યારે ભરી દેજે.”
“હા”
આ બધું નક્કી થઈ ગયું ત્યાં પર્વના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા.. “આપણે કંઈ આર્કિટેક્ટમાં નથી જાવું. બાજુ વાળા રમીલાબેનનો છોકરો ટીચરનું ભણવાનો છે. મેં જાણ્યું કે એમાં પૈસા પણ બહુ આવે. પર્વ, તું પણ ટીચરનું જ ભણ. આ બધું આર્કિટેકટનું ભૂલી જા.”
મમ્મીનાં આ વાક્યનો સામનો હવે કઈ રીતે કરવો ! પર્વ મુંઝવણમાં મુકાયો. કે મમ્મીને કઈ રીતે સમજાવવા. અરે મમ્મી, મને ગણિત અને ચિત્ર વધારે ગમે છે અને હું ટીચરમાં જઈશ તો કેમ આગળ વધી શકીશ અને એમ પણ મારું સપનું છે કે હું આર્કિટેકટ એન્જિનિયર બનું.
“હા, હા.. તારા પપ્પાના દોસ્તને જોઈને તું પણ જીદે ચડ્યો છે. તારા પપ્પા અને એનો દોસ્ત તો અભણીયા છે! ત્યારે કંઈ આવું બધું ભણવાનું ના આવતું. એ બંને તો પોતપોતાના બાપના ધંધે ચડી ગયા.”
“ના મમ્મી, એ જે હોય તે.. હું જો ટીચર બનીશ તો મારા મન વિરૂદ્ધ કામ કરીશ અને એમાં આગળ નહિ વધી શકું.”
“હા, હવે તો બીજું શું ! ભણવું હોય એ ભણ. હું તો વધારે શું કહેવાની..” આવું બોલીને પર્વના મમ્મી રસોડા તરફ વળી જાય છે.
મહેશભાઈ પર્વ સામે આવીને કહે છે, “બેટા મમ્મીની વાત મનમાં ના લે. તને જેમાં સારું લાગતું હોય એમાં આપણે એડમિશન લેશું. અને જે પણ ફોર્મ ભરવાના હોય એ ભરી દેજે.”
“હા પપ્પા..”
“અને એના માટે કંઈ ચોપડા લેવાના છે કે નહિ? આવું બોલીને મહેશભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો અને હજાર રૂપિયા કાઢીને પર્વના હાથમાં મૂક્યા. આ લે બેટા, વધારે જોઈએ તો કેજે.”
“ના ના પપ્પા, આટલામાં આવી જશે.”
“સારું લે. હવે હું દુકાને જાવ. બાકી ત્યાં કોઈ સરખું કામ નહિ કરે. મહેશભાઈએ તેની પત્નીને પણ હાંકલ મારીને કહ્યું, એ સાંભળે છે.. હવે હું જાઉં છું.”
પર્વના મમ્મીએ પ્રત્યુતરમાં કહ્યું, “એ હા. સાંજે વહેલા આવજો. બહુ મોડું નહિ કરતા.”
મહેશભાઈએ ડેલીની બહાર પગ મૂકતાં કહ્યું.. “એ હા..”
ઘરની બહાર નીકળી મહેશભાઈએ ધીમેકથી પર્વને અવાજ કર્યો, બેટા અહી આવતો.
પર્વ ધીમેકથી હળવા પગલાં માંડીને બહાર નીકળ્યો અને બોલ્યો, “હા.. પપ્પા.. બોલો ને..”
“તારા મમ્મીનું બહુ મગજમાં ના લેતો. એ ગામનું જોઈને તને કહે. તું તારા સપના ઉપર ધ્યાન દે અને બીજું બધું ભૂલી જા.”
“હા પપ્પા.. હું એ જ કહું છું કે મમ્મી આજુબાજુ વાળાવના વદારે ચડી જાય.”
મહેશભાઈએ પર્વના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, “તું આમાં ધ્યાન દે, ફોર્મ ભરી દેજે અને એના માટેના ચોપડા લઈ આવ. ચાલ, હું જાવ હવે..”
(ક્રમશઃ)
દીપ ગુર્જર