“ના મારા માં કોઈ ચેંજ આવ્યો નથી, ના તો મે ક્યારેય કોઈ વાત તારાથી છુપાવી છે.” રાહુલ ખૂબ પરેશાન છે તેની ગર્લફ્રેંડ વિધિને સમજાવાની કોશિશ કરી રહ્યો છે. “જો રાહુલ, મને છે ને તું જૂઠું ના બોલ, આ સાત વર્ષથી આપણે બન્ને સાથે છીએ અને હું તારી રગ રગને ઓળખું છું. તું જૂઠું બોલે એટલે તને હસાય જાય છે અને મે આજે પણ નોટિસ કર્યું છે.” વિધિએ રાહુલને આજે રંગેહાથ ઝડપી લીધો છે.
રાહુલ અને વિધિ બન્ને એક જ પોળમાં રહેતા અને સાથે મોટા થયા છે, બાળપણમાં મિત્રતા અને યુવાન થયા પછી એ મૈત્રી પ્રેમમાં પરિણમી અને હવે આવતા વર્ષે આ પ્રેમ એની પરાકાષ્ઠા પર પહોંચે છે એટલે કે બન્ને ના આવતા વર્ષે લગ્ન છે. શરૂઆતનો પ્રેમ બધાને ખબર જ છે, નાની નાની વાતો શેર કરવી, ઝઘડા કરવા, પ્રેમથી મનાવા, જાનું, બેબી, જમયું કે નહીં? આવું બધુ જ આ બન્ને એ પણ કર્યું છે. તો આ ઉપર આપેલી દલીલ કેમ થઈ, આવો આપણે 30 મિનિટ પહેલા ફ્લેશબેકમાં જઈએ.
રાહુલને તેના ધંધામાં થોડી ખોટ આવી છે એટલે તે હમણાંથી વ્યવસ્થિત વિધિને સમય નથી આપી શકતો અને વિધિ પણ એ વાત ને સમજે છે. સમસ્યા છે તણાવની, રાહુલ એટલો બધો તણાવમાં રહેવા લાગ્યો છે કે એક સમયે નાનામાં નાની વાત વિધિને શેર કરવા વાળો હવે સમજી વિચારીને બધુ કહે છે. કારણ એક જ છે વિધિ મગજ પર વાત ના લે અને પોતે ચિંતા ના કરે બસ આટલું જ, આમાં પણ રાહુલનો પ્રેમ જ છે.
રાહુલે તેના એક મિત્ર પાસેથી 50,000 રૂપિયા થોડા સમય માટે ઉધાર લીધા અને એ વાત એને વિધિને ના કહી, કારણ કે વિધિને કહેશે તો વિધિ કદાચ એ વાતને નહીં સમજે એવું એને ધારી લીધું. અનાયાસે થયું એવું કે વિધિએ રાહુલની પાસબૂક તેના ઘરેથી લીધી અને થયું કે આજે તે નવરી છે તો પોતાનું અને રાહુલનું બંનેનું બૅન્કનું કામ કરી લે એટલે તે રાહુલ ને ફોન કરીને જાણ કરે છે, રાહુલ પણ કામની મગજમારીમાં એને ભાન નથી અને વિધિને હા પાડી દે છે. પાસબૂકમાં એન્ટ્રી પડતાંની સાથે વિધિની નજર એ 50,000 પર પડે છે અને એ સીધી ગાડી 60 પર લિવર કરી રાહુલની ઓફિસે.
“આ 50,000 ક્યાંથી આવ્યા છે રાહુલ, તું મને જવાબ દે બસ.” વિધિએ તો સવાલોના બાણ શરૂ કર્યા. આ બાજુ રાહુલ વિચારમાં કેમ આ ભૂલ થઈ ગઈ અને આને કયાથી ખબર પડી? “રાહુલ, તને પૂછી રહી છું, કયાથી આવ્યા આ 50,000? લોન લીધી? ચોરી કરી? લુંટ કરી? ઉધાર લીધા? ધંધામાં હાલ તો આટલા છે નહીં તો શક્ય જ નથી કે તારી પાસે 50,000 રોકડા હોય.” વિધિ રાહુલ પર સવાલ પર સવાલ કરી રહી છે. “તું મને જરાક આમ શ્વાસ તો લેવા દે, સવાલ પર સવાલ મંડી પડી છે. આ પૈસા કાકાએ મને આપ્યા છે મારે જૂના તેમની પાસે લેવાના બાકી હતા, મારે જરૂર પડી તો કાકાને કહ્યું અને એમની પાસે હતા તો મારા બાકી એમણે મને ચૂકવી દીધા.” રાહુલે સમજાવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
“તું જૂઠું બોલે છે, ચોખ્ખું તારું મોઢું કહી દે છે, તારી આ આદત હસવાની જૂઠું બોલ ત્યારે એટલે તરત તને પકડી પાડુ છું.” વિધિ હવે બેબાકળી બની ગઈ છે, તેને પણ રાહુલની ચિંતા જ છે.
આ 50,000 નું રહસ્ય રાહુલ ગમે તેમ કરી અકબંધ રાખે છે, અને આ પરથી એને સમજાય છે કે વિધિને ના કહેવાથી તે અપરાધી હોવાનું અનુભવે છે અને આ બાજુ વિધિ, રાહુલ માટે ચિંતિત છે કે તે ધંધાના તણાવમાં કોઈ ખોટું પગલું ના ભરીલે.
પ્રેમ એ આવી જ નાની નાની વાતોનો ગઢ છે. પ્રેમ તો ના ક્યારેય કોઈ સમજી શકતું હતું, ના સમજી શકે છે, ના તો સમજી શકશે. પ્રેમ આમ જ એકબીજાને સાથે રાખે છે, નાના મોટા ઝઘડા, તણાવ, અનબન, તકરાર, મતભેદ ભલે હોય પણ પ્રેમ હર હમેંશ આવા મતભેદને મનભેદમાં પરિવર્તિત થતાં અટકાવે છે.
રાહુલે લીધેલા 50,000 તેને ધંધામાં આવક થતાં ચૂકવી આપ્યા અને ચૂકવી આપ્યા બાદ વિધિને વિગતે વાત સમજાવી દીધી અને સાચી હકીકત પણ કહી દીધી. પ્રેમ સમય માંગે છે, અને સમય આપવો એ જ તો પ્રેમની સૌથી મોટી પરીક્ષા છે.