રહીમ ને દસ વાર યાદ કરાવો ત્યારે એ નમાઝ પઢે. રાકેશ ને મંદિર જવાનો કે પ્રાર્થના સભામાં બેસવાનો ખૂબ કંટાળો આવે અને પીટર ફક્ત ત્યારે ચર્ચ જાય કે બાઇબલ ઉપાડે, જ્યારે એ તકલીફમાં હોય.
આ ત્રણ તો ફક્ત ઉદાહરણ છે, પણ વાસ્તવમાં એવું થાય છે ખરું. તો પછી પ્રાર્થનાની પરિભાષા શું છે? પ્રાર્થના શા માટે કરવી જોઈએ? શું શાસ્ત્રોમાં લખેલું છે એટલે? મમ્મી કાન ખેંચશે એટલે? શું પ્રભુ ને આપણી પ્રાર્થના ની જરૂર છે? કે પછી આપણે ત્યારે પ્રાર્થના કરતા હોય છે જ્યારે આપણે તકલીફ માં હોય છે?
પ્રાર્થના: પ્રભુ સાથે વાત કરવાનો એક અતિ સુંદર માર્ગ. એ મહાન સાંભળનાર છે. પ્રાર્થના આપણને સીધા પ્રભુના સંપર્કમાં લાવી શકે છે. ભાષા અને શબ્દો, માત્ર એક માધ્યમ છે જેનાથી આપણે પ્રભુ સાથે આપણા અંતરને અભિવ્યક્તિ કરી શકીએ છીએ.
પ્રભુ ને આપણી પ્રાર્થનાની શું જરૂર? આ આપણે આપણા મનની શાંતિ માટે કરતા હોય છે. વિશ્વાસ કરો, એકાગ્રતાથી ધ્યાન લગાડીને પ્રભુને યાદ કરવામાં જે સુખ અને શાંતિ ૡનો અનુભવ થશે, એવો હ્ર્દયને આરામ બીજી કોઈ વસ્તુમાં નહીં મળે.
ઉપરવાળાને આપણા ગુણ, અવગુણ અને દરેક ભેદ કોઈના કીધા વગર ખબર છે. એની સામે મન હલકું કરવામાં શા માટે અચકાવું? ન એ આપણા પર હંસશે, ન આપણી મશ્કરી કરશે. ઉલટાનું પ્રાર્થના કે ધ્યાનમાં બેસવાથી આપણી ગુંચવણ નો ઉકેલ નીકળી આવશે.
આપણને આટલું સુંદર અને શ્રેષ્ઠ જીવન આપવા માટે પ્રભુ ને નમન કરી ને જેટલો આભાર માનો, તે ઓછો છે. એણે આપણી જાણ વગર આપણને આ દુનિયામાં લાવ્યો. જીવન જીવવાની તક આપી. તો શું એ આભાર નો પાત્ર નથી?
પ્રાર્થના ક્યારે કરો છો ? કે કઈ રીતે કરો છો ? એ જરૂરી નથી. બસ જરૂરી એ છે, કે પ્રાર્થનાના માધ્યમ થી તમારું મન પ્રભુ સાથે જોડાયેલું રહે. આ માત્ર શ્રદ્ધાની વાત છે. જો શ્રદ્ધા હશે, તો પ્રભુ અને પ્રાર્થના પર વિશ્વાસ આપવા માટે કોઈની સાબિતી નહીં જોઈએ. અને જો શ્રદ્ધા ના હોય, તો કોઈ કેટલું પણ કહે, ભરોસો નહીં બેસે.
અંત માં એટલુંજ કહીશ, કે એ મહત્વ નું નથી, કે તમે પ્રભુ સામે કેટલી વાર નમ્યા? જરૂરી એ છે, કે જ્યાં કોઈ વ્યક્તિ જોઈ નથી શકતું, ત્યાં… તમારું મન, તમારું હ્દય પ્રભુ સામે નમ્યું કે નહીં?
શમીમ મર્ચન્ટ