પ્રકૃતિને સમજવાનો અવસર છે, પ્રવાસ.
પ્રકૃતિ એટલે કુદરત .
વૃક્ષ વેલી પર્વત નદી ઝરણાં
ટહુકતા પંખી, તાજગી સભર પવન
ખૂલ્લું આકાશ , ટમટમતાં તારા
ચમકતા આગિયા , ત્રમ મમતા તમરા.
અજાણ્યા જંગલધ્વનિ.
વજન ઊંચકીને ઢાળ ચડતા ,
સામે મળતાં મલકતા લોકો….
આ સઘળું નીરખવાનું ગમવું જોઇએ.
આ હોય તમારી પ્રકૃતિ તો તમને ગમે આ પ્રકૃતિ.
પણ નગર જીવન આપણી નસનસમાં દોડે છે
એનાથી દૂર રહીએ તો થોડો સમય ગમે
પણ પછી અહાંગળો લાગે
ડામરના પાકા રસ્તા
એના પર દોડતા વાહનોનો અવાજ
ચિત્રવિચિત્ર હોર્ન
ધૂમાડો ખાતા ઉભેલા વૃક્ષ
વજન લઇને ભાગતા લોડીંગ રિક્ષા , છોટા હાથી,
મોઢા પર સ્મિતને બદલે કપાળ પર તાણની રેખા
એમ જ પસાર થઇ જતા લોકો
આ બધું ન મળે તો ક્યાં ગોઠે છે મનને ?
તમારી પ્રકૃતિ જો આ હોય તો
તમને એ પ્રકૃતિમાં બહુ લાંબું ન ગોઠે હોં !
અમેય જઇ આવ્યા નજીકના શ્હેરના mall માં,
કાઢી આવ્યા જંગલનો પ્રાણવાયુ
ને અમારી જાણીતી એ હવા જેમાં છે
એ પરિચિત વાનગીઓ ને પરફ્યુમની સુગંધ
ભરી આવ્યા શ્વાસમાં.
હવે વાંધો નહીં
~ તુષાર શુક્લ