શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
દરેક મનુષ્યને પરમાત્મા બનવાની શક્તિ ઈશ્વરે પહેલેથી જ આપેલી છે પરંતુ આપણે અજ્ઞાનવશ એ શક્તિને ઓળખી શકતા નથી અને સમગ્ર જીવન પીડા અને સંઘર્ષમાં વિતાવી દઈએ છીએ. આમ પણ પરમાત્મા એટલે પરમ આત્મા. આત્મા તો આપણા બધામાં છે એ જ શક્તિનું સ્વરૂપ છે. પરંતુ તે આત્મા નબળો, વિક્ષિપ્ત, અશુધ્ધિઓથી ઘેરાયેલો છે જેને શક્તિશાળી બનાવી દિવ્ય અને પરમ બનાવી શકાય અને સામાન્ય લાગતો આત્મા જયારે સ્વાભાવિક રીતે તેનું મૂળ શક્તિશાળી સ્વરૂપ ધારણ કરી પરમ કે દિવ્ય બને ત્યારે જગત તેને પરમાત્મા તરીકે ઓળખે. દરેક આત્મા પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
આત્માનું મૂળ સ્વરૂપ પ્રમાણિક, પ્રસન્ન અને પવિત્ર છે. આવું મૂળ સ્વરૂપ કે વાસ્તવિક રૂપ ધારણ કરતાં જ વ્યક્તિ પરમાત્મા બનવા સક્ષમ બની જાય છે. એટલા માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે, પ્રમાણિકતા + પ્રસન્નતા + પવિત્રતા = પરમાત્મા. પરમાત્મા એટલે બીજું કંઈ નહીં પરંતુ દિવ્યશક્તિ, પરમ ચેતના અને સનાતન અસ્તિત્વ. જે પ્રાપ્તિના ત્રણ જ રસ્તા છે પ્રમાણિકતા, પ્રસન્નતા અને પવિત્રતા. શક્તિ શારીરિક, માનસિક અને આત્મિક હોઈ શકે અને એ જયારે ઉત્તમ અને કલ્યાણકારી બને ત્યારે પરમ કે દિવ્ય બની જાય. જે પરમઉર્જા કે ચેતના દ્વારા સમગ્ર અસ્તિત્વ ઊર્જાવાન અને ગતિશીલ બની શકે. જ્યારે ઊર્જાના અભાવમાં સમગ્ર સૃષ્ટિ નિર્જીવ બની જાય એ તો સરળતાથી સમજી શકાય એવી વાત છે. આવી ઊર્જાશક્તિની પરમોચ્ચ સ્થિતિ (પરમ, દિવ્ય અને ઉચ્ચ સ્થિતિ) એટલે પરમપદની પ્રાપ્તિ. હાલમાં આપણી પાસે જે ઊર્જાશક્તિ કે ચેતના છે તે સામાન્ય છે જેને ઉંચી લઈ જવાની જરૂર છે એટલે કે શક્તિની ઉર્ધ્વગતિની આવશ્યકતા છે. આપણી પાસે રહેલી ઉર્જાશક્તિ કે ચેતનાને જો ઉર્ધ્વગતિ આપી શકાય તો પરમ બનતા વાર ન લાગે. આપણી ઊર્જાશક્તિ કે ચેતનાની તાકાત વધારવાની જરૂર છે જેથી ઉચ્ચસ્થાન પરમપદ કે પરમાત્મા સુધી પહોંચી શકાય. જેના માટે ત્રણ ગુણોની પ્રાપ્તિ કમ-સે-કમ કરવી પડે
૧) પ્રમાણિકતા
૨) પ્રસન્નતા અને
૩) પવિત્રતા.
તો આવો આ ત્રણેને ટૂંકમાં સમજીએ.વ્યક્તિગત સ્વાર્થની હાજરીમાં પ્રમાણિકતાનું કોઈ મૂલ્ય આધુનિક સમાજમાં રહ્યું નથી. દરેક વ્યક્તિ અન્ય પાસે પ્રમાણિક હોવાની અપેક્ષા રાખે છે પરંતુ પોતાના પ્રમાણિક આચરણ તરફ બેધ્યાન છે. સામાન્ય રીતે લોકો પ્રમાણિકતાને માત્ર ચોરી ન કરવા કે અણહક્કનું ન લેવાના સંદર્ભમાં કે લાંચરૂશ્વતથી દૂર રહેવાના સંદર્ભમાં જ સમજે છે. જે સાચું છે પરંતુ એ પૂર્ણત: સાચું નથી. પ્રમાણિક હોવું એટલે સત્યનિષ્ઠ હોવું, સરળ હોવું, પારદર્શક હોવું, કપટરહિત હોવું, વિશ્વાસઘાત-છેતરપીંડી જેવી બાબતોથી કોશો દૂર હોવું. સમાજના નિયમો, દેશ કે દુનિયાના નિયમો કે પ્રકૃતિના નિયમોનું શબ્દશઃ પાલન કરનાર માણસને પ્રમાણિક કહી શકાય. એવું કોઈ અયોગ્ય કાર્ય કે જેનાથી અન્યનું ખરાબ થાય તેની સતત કાળજી રાખનારને પ્રમાણિક કહી શકાય. પ્રમાણિકતામા સત્ય, વિધાયક અભિગમ, વિશ્વાસ, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, નૈતિકતા, મૂલ્યો, સદગુણો, નિસ્વાર્થતા, કપટરહિતતા, પારદર્શિતા, સ્વભાવની સરળતા વગેરે જેવી અનેક મૂલ્યવાન બાબતોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં પ્રમાણિકતાની શરૂઆત સર્વ પ્રથમ પોતાની જાતથી એટલે કે ‘સ્વ’ થી થવી જોઈએ. દરેક વ્યક્તિએ અન્ય સાથે પ્રમાણિક બનતા પહેલા પોતાની જાત સાથે પ્રમાણિક બનવું જરૂરી છે. જે વ્યક્તિ પોતાની જાતને છેતરી શકે, તે કોઈપણને છેતરી શકે. આપણે જાણીએ છીએ કે આપણે બધા આપણી વ્યક્તિગત અનેક ખરાબીઓ, દુષણો કે અનૈતિકતાઓને જાણીએ છીએ છતાં સ્વીકારતા નથી કે સુધરતા નથી. આમ આપણે આપણા પોતાના આત્મા પ્રતિ (સ્વ પ્રતિ) જ અપ્રમાણિક છીએ. સમાજમાં એવો કોણ વ્યક્તિ હશે જે પોતાના કુકર્મો અંગે જાણકારી ધરાવતો ન હોય. પરંતુ છતાં આપણે સારા હોવાનો દંભ કરીએ છીએ. આમ જે ‘સ્વ’ને છેતરી શકે તે અન્યની તો શું પરવા કરવાનો? અને આવો અપ્રમાણિક મનુષ્ય પોતાની આંતરિક શક્તિ કે ઉર્જામાં વધારો કરવા સક્ષમ હોતો નથી જેથી તે ન તો પરમાત્મા બની શકે કે ન પરમાત્માને પામી શકે.
બીજું તત્વ છે પ્રસન્નતા, પ્રસન્નતા એ તો પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે, જે અતિ સહજ હોય તે મેળવવા ફાંફાં ન મરાય કે પ્રયત્ન ન કરવા પડે. પ્રસન્નતા તો આત્માનો સ્વભાવ છે એટલે જ તો આધ્યાત્મિક જગતમાં સચ્ચિદાનંદનું અનેરૂ મહત્વ છે. સચિદાનંદ એટલે સત્ ચિત્ અને આનંદ એ જ આત્મા અને પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ છે. સાચા પ્રસન્ન વ્યક્તિની ઓરા એટલી પ્રસન્ન અને પ્રભાવિક હોય કે તેના સંપર્કમાં આવવાવાળા ક્ષણભર માટે પોતાના તમામ દુઃખો ભૂલી આનંદિત થઈ જાય. પૂજ્ય મોટાના શબ્દોમાં કહીએ તો “પ્રસન્નતા” શબ્દમા પ્રથમ શબ્દ”પ્ર” અને અંતિમ શબ્દ “તા” એના અર્થને વધારે સ્ફોટ કરવા માટે મૂક્યા છે. મૂળ શબ્દ તો “સત” છે સંધિના નિયમ પ્રમાણે બે “ન” નો “ત” થાય છે. આમ “સત” પ્રસન્નતા શબ્દોનો મૂળભૂત શબ્દ છે, જેનો અર્થ છે સત્ય કે અસ્તિત્વ અથવા “હોવું”. આમ જ્યારે “હોવાપણાની સભાનતા” આપણને અનુભવાય ત્યારે પ્રસન્નતા પ્રગટે. આવી હોવાપણાની સભાનતા મોટેભાગે આપોઆપ પ્રગટે અથવા કેળવવી પડે. હોવાપણાની સભાનતા એટલે હું કોણ છું? (આત્માનું જ્ઞાન) તેની જાણકારી. કશુક પણ એની યોગ્યતાના પ્રમાણમાં અને સાચા ઉચ્ચભાવના અર્થમાં બન્યા કરતું હોય ત્યારે એક પ્રકારનો આનંદ આપણને લાગ્યા કરે તેનું નામ પ્રસન્નતા. આમ તો મોકળું હાસ્ય, હળવાપણું, શાંતિ, નિશ્ચિતતા એટલે પ્રસન્નતા. પ્રસન્નતા એટલે એક જાતનું નિરાંતપણું અને મનનું ખુલ્લાપણું. પ્રસન્નતા એક પ્રકારનું સરળપણું, સહજપણું છે, જેને ચિંતા હોવાના પુરતા કારણો અને સંજોગો હોવા છતાં કશો જ ભાર ન લાગતો હોય એવી મનની સ્થિતિને પ્રસન્નતા કહેવાય. જો આવી સ્થિતિ પ્રાપ્ત થઇ જાય તો પરમાત્મા બનવું કે પરમાત્માપ્રાપ્તિ સહજ બની જાય.
હવે સમજીએ ત્રીજું તત્વ પવિત્રતા, પવિત્રતાનો સામાન્ય અર્થ છે શુધ્ધતા કે સ્વચ્છતા પરંતુ પવિત્રતા એટલે માત્ર શારીરિક શુધ્ધાતા નહિ, તન, મન અને આત્માની શુદ્ધિ. તન, મન અને આત્માની પવિત્રતા એકબીજા પર આધારિત છે. જેનો આત્મા પવિત્ર હશે તેનું મન હંમેશા વિધાયક (હકારાત્મક) રહેશે અને જેનું મન પવિત્ર હશે તેનું શરીર હંમેશા શુધ્ધ, સ્વસ્થ અને તંદુરસ્ત જોવા મળશે. વાસ્તવમાં આત્મા અને મનની પવિત્રતાની શરૂઆત તો તનની શુધ્ધતા દ્વારા જ થાય છે કેમ કે અશુદ્ધ તનમાં શુદ્ધ મન કદી રહી શકતું જ નથી. જેથી પવિત્રતાની શરૂઆત તનશુદ્ધિ દ્વારા જ કરવી પડે. તનશુદ્ધિના બે સાધનો છે: ૧) સ્નાન અને ૨) આહાર. સાત્વિક આહાર વગર મનની પવિત્રતા પ્રાપ્ત કરવી લગભગ અશક્ય છે. તનની પવિત્રતા મનની પવિત્રતાની પૂર્વશરત છે. આ ઉપરાંત મનની શુદ્ધિ વૈજ્ઞાનિક પ્રાર્થના, સ્વયંસૂચન, ધ્યાન, ઊંડા શ્વાસોશ્વાસ, પ્રકૃતિ નિરીક્ષણ વગેરે દ્વારા પણ શક્ય બને છે. જયારે આત્માની શુદ્ધિ મનુષ્યજીવનના મુખ્ય કષાયો જેવા કે કામ, ક્રોધ, લોભ, કપટ, મોહ, અહંકાર, ઈર્ષ્યા વગેરે માંથી મુક્તિ મેળવી શક્ય બને છે. પવિત્રતા પાંચ પ્રકારની હોય છે. ૧) મનની પવિત્રતા (રાગ-દ્વેષની ગેરહાજરી) ૨) કર્મની પવિત્રતા (નિષ્કામ કર્મ) ૩) શીલશૌચ (સદાચારનું પાલન કોઈપણ પરિસ્થિતિમાં કરવું, સત્યનો માર્ગ ન છોડવો. મૂલ્યો સાથે સમાધાન ન કરવું) ૪) વાકશૌચ (સત્ય, પ્રિય અને હિતકર વાણી બોલવી) ૫) શરીરશૌચ (સ્નાન અને આહારની શુદ્ધિ). આદિગુરુ શંકરાચાર્યના મતે, પવિત્રતા બે પ્રકારની હોય આંતરિક અને બાહ્ય. આંતરિક પવિત્રતા એટલે મન અને વાણીની શુદ્ધિ અને બાહ્ય પવિત્રતા એટલે શરીર તેમજ આજુબાજુના પરિસરની શુદ્ધિ.
નિસ્વાર્થભાવથી કે પરોપકારવૃત્તિથી કરેલું આચરણ, મનમાં સદવિચારોનું સાતત્ય, અંત:કરણમાં વિવેક વગેરે પવિત્રતા દર્શાવે છે. કર્મયોગથી બાહ્ય શુદ્ધિ અને જ્ઞાનયોગથી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. જેનું મન નિર્મળ હોય છે તેનામાં સારા અને ખરાબ કર્મોને ઓળખવાનો વિવેક હોય છે. તે ઇન્દ્રોયોના વિકારોનું પ્રાબલ્ય પોતાના મન પર જામવા દેતો નથી અને સ્વાભાવિક રીતે જ પરમ ઉર્જાવાન બને છે અને પરમાત્માને પામી લે છે.
આમ પળે-પળ પ્રમાણિક આચરણ, સંપૂર્ણ પવિત્રતાની પ્રાપ્તિ તેમ જ સ્થિર અને પ્રસન્ન ચિત્ત વ્યક્તિને અતિ ઉર્જાવાન, ચેતનવંતો અને મહાશક્તિશાળી બનાવે છે જેના દ્વારા સનાતન અસ્તિત્વને સમજી અને પામી શકાય છે જે બીજું કંઈ નહિ પરમાત્માપ્રાપ્તિ છે. તો આવો આજથી જ પવિત્ર બની પ્રમાણિક આચરણ દ્વારા પ્રસન્ન ચિત્તે પરમાત્માપ્રાપ્તિ કરી લઈએ.