શાંત દરિયા કાંઠે હું અને નિષ્ઠા બેઠા છે. ઘડીક વાત કરીએ ને ઘડીક ફોટા પાડીયે. આમ તો આ દૃશ્ય ઘણું સામાન્ય લાગે પણ સમય પસાર થતા ઘણું અસામાન્ય થઈ જાય છે.
“રવિ, તને મારામાં એવું તો શું ગમે છે.” આ અત્યારની છોકરીઓનો સળગતો સવાલ છે. કદાચ એટલે જ કે સંબંધમાં ટકી શકવાનો આત્મવિશ્વાસ ઓછો છે.
“નિષ્ઠા, તારા માટે બોલું એટલું ઓછું છે. તું કહેતી હોય તો આખી ચોપડી લખું.” મેં દર વખતની જેમ સહજતાથી કહ્યું.
નિષ્ઠાને કદાચ જવાબ ગમ્યો, અને મારી એકદમ બાજુમાં આવીને કાનમાં કહ્યું, “તો તું મને તારી કરી લે ને!’
મેં તરત એની કમરમાં હાથ નાખીને એને ખુશ કરી દીધી.
મેં થોડું પાછળ ફરીને ત્રાસી આંખે જોયું તો કોઈ અમને એકીટસે જોઈ રહ્યું હતું. વાતની ખરાઈ કરવા હું જોરથી પાછળ ફર્યો. પણ આ શું??? હું પોતે જ પોતાની સામે!
મને લાગ્યું હું ખુદ શ્રેયને મારી જગ્યાએ કલાકથી નિષ્ઠાની સાથે જોઈ રહ્યો છું. હું બદલાઈ ગયો, પણ નિષ્ઠા એવી જ… એક જ સવાલ પૂછતી શ્રેયને તાકી રહી છે.