એવા લડ્યા ઉજાગરા ઝોકાંની વાતમાં,
નીંદરની થઈ કતલ એ પછી મધ્ય રાતમાં.
પૂછો ના આંખ આટલી તો લાલ કેમ છે?
ફેલાયું રક્ત ઊંઘનું, ત્યાં રક્તપાતમાં.
રાણી હતી જે રાતની મહેકી એ રાતભર,
ને વળ પડ્યા છે આંસુની બળબળતી જાતમાં.
સપનાં બધાં પલકથી પ્રહરને ગણી રહ્યાં,
પુષ્પો યે પારિજાતનાં ખરતાં પ્રભાતમાં.
‘શબરી’ રહી સતત જે પ્રતીક્ષામાં શબ્દની,
મળતા રહ્યા એ સર્વ, સવારે પ્રપાતમાં.