નાનકડી પાંચ વર્ષની રિયા તેની મમ્મી સ્વપ્નાની આગળ પાછળ ફરી રહી હતી…. ‘મમ્મી મને પણ તારા જેમ કામ કરવું છે,તું મને કોઈ કામ આપ ને!….રિયા તેની કાલી કાલી ભાષામાં સ્વપ્નાને આજીજી કરી રહી હતી…. ‘બેટા! તું હજી બહુ નાની છે,તને આ બધું કરતા ન આવડે!…સ્વપ્ના પ્રેમથી રિયાને સમજાવવાની કોશિષ કરે છે.
રિયા સાથે વાત કરીને પાછી સ્વપ્ના તેના કામે વળગી જાય છે…રિયા અંદર રૂમમાં જઈને તેની મમ્મીની ઓઢણી લઇ આવે છે.ઓઢણીને સાડીની જેમ પોતાની જાતે પહેરીને પોતાના ઢીંગલાઓ સાથે રમવા લાગે છે…થોડીવાર પછી રિયાની બહેનપણી પ્રાંશુ તેની સાથે રમવા આવે છે.રમતાં-રમતાં પ્રાંશુ રિયાને પૂછે છે કે,
‘રિયા,તે તારું હોમવર્ક કરી નાખ્યું?
‘મારું હોમવર્ક તો ક્યારનું પતી ગયું’…રિયા પ્રાંશુને જવાબ આપે છે.સ્વપ્ના આ બધું સાંભળી રહી હોય છે…સ્વપ્નાને ખુબ આશ્ચર્ય થાય છે. તે વિચારે છે કે હજી તો રિયાને હોમવર્ક બાકી છે…અને છતાય તેણે આવું કેમ કીધું ? પ્રાંશુ રમીને જયારે ઘરે જાય છે,ત્યારે સ્વપ્ના રિયાને આવું ખોટું બોલવાનું કારણ પૂછે છે….
અરે,મમ્મી! આને ખોટું બોલ્યું થોડું કહેવાય? રિયા તેની મમ્મીને જવાબ આપતા કહે છે.રિયા આગળ સ્વપ્નાને એક વાતની યાદ અપાવતા કહે છે કે…મમ્મી,તને યાદ છે,પેલા દિવસે આપણે રચનાઆંટી સાથે મંદિરે જવાનું હતું…ને રચના આંટી તો તેમના ઘરેથી ક્યારનાય મંદિરે પહોચી ગયા હતા…રચના આન્ટીનો જયારે તારા ઉપર ફોન આવ્યો કે,હવે તમારે કેટલી વાર છે? ત્યારે તે આંટીને જવાબ આપ્યો હતો કે અમે તો ક્યારનાય ઘરેથી નીકળી ગયા છીએ…અને હમણાં પહોંચી પણ જઈશું…
મમ્મી! તે જયારે આવું કીધું ત્યારે તો હજી આપણે ઘરે જ હતા! અને તું જયારે આવું બોલી ત્યારે મેં તને તરત જ પૂછ્યું હતું કે,મમ્મી તે આંટીને આવું ખોટું કેમ કીધું? ત્યારે તે જ તો મને કીધું હતું કે,દીકરા! આને ખોટુ બોલ્યું ન કહેવાય! એ દિવસનો આખો પ્રસંગ સ્વપ્નાની આખો સામે આવીને ઉભો રહી જાય છે….
અરીસાની સામે રિયાની સાથે ઉભેલી સ્વપ્ના અરીસાની અંદર પોતાનું ‘પ્રતિબિંબ’ નિહાળતી જ રહી જાય છે…
ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ “ઉદ્યમી”