નીનુ મઝુમદારનો જન્મ તે સમયે આખા સમાજનાં ઊંચાં શિક્ષણનાં સ્તર માટે જાણીતી નાગર કોમમાં થયો હતો. તેમના પિતા પણ નાટકકાર હોવાની સાથે મુંગી ફિલ્મોનાં દિગ્દર્શક પણ હતા. ૧૯૪૩ની ફિલ્મ ‘તાનસેન’માં કે એલ સાયગલ સાથે એક નાનકડી કોમેડી ભૂમિકા પણ ભજવી હતી. આવાં કળાકાર કુટુંબમાં બાળક નીનુનું બાળપણ તે સમયનાં ગાયકવાડી રાજ્ય બરોડામાં તેમનાં માતામહીની નિશ્રા હેઠળ વિકસ્યું.
તેમનાં નાની પણ એક પ્રખર સુધારાવાદી હતાં. કિશોર નીનુની શરૂઆતની સંગીત તાલીમ ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબ અને ઉસ્તાદ ઈમામ ચિલ્લી ખાં સાહેબ હેઠળ થઈ.
૧૯૩૧માં નીનુ મઝુમદાર પોતાનાં માતાપિતા સાથે આવીને ઠરીઠામ થયા. અહીં તેમને અનેકવિધ ફિલ્મ જગતની હસ્તીઓને મળવાનું થયું. આ જ વર્ષોમાં તેમનો રવિન્દ્ર સંગીત સાથે પણ પરિચય કેળવાયો. અમુક વર્ષો તેમને ઉત્તર પ્રદેશમાં પણ રહેવાનું થયું હતું. અહીં તેમનો સંબંધ લોક સંગીત તેમજ ચૈતી, હોરી, ઠુમરી, દાદરા જેવાં અર્ધશાસ્ત્રીય સંગીત સ્વરૂપ સાથે પણ કેળવાયો. તે પછી બહુ ઓછા સમયમાં જ તેમને હિંદી ફિલ્મોનું સંગીત નિદર્શન કરવાની પણ તક સાંપડી. સંગીતના ક્ષેત્રમાં તેઓએ ગાયકી, ગીતલેખન અને સંગીત સર્જન એમ ત્રણ કક્ષાએ કામ કર્યું.
ગુજરાતી સુગમ સંગીતના તેમના સમકાલીન અવિનાશ વ્યાસ તેમને स्वर (ભારતીય શાસ્ત્રીય સંગીતના પાયા સ્વરૂપ સાત સ્વરો), शब्द (ગીતના બોલ) અને सूर (નાદ) એમ ત્રણ પાંદડાંનું ‘ત્રિદલ (બીલીપત્ર)’ કહે છે. ફિલ્મ જગતની અનિશ્ચિતતાએ તેમને ૧૯૫૪માં ઑલ ઈન્ડીયા રેડીયો (AIR) નું આમંત્રણ સ્વીકારવા ભણી વાળ્યા. અહીં તેમની સર્જનાત્મકતા સોળે કળાએ ખીલી. તેમણે રેડીયોનાં માધ્યમથી ગુજરાતી સુગમ સંગીતના રંગપટ ઉપર અનેક નવી પ્રતિભાઓ ખીલવી. પરિણામે સુગમ સંગીત લોકભોગ્ય બન્યું. તેઓ મરાઠી, હિંદી અને ગુજરાતી કવિઓને પણ રેડીઓ પ્રોગ્રામો માટે તેમની રચનાઓ આપવા મનાવી લીધા. આમ રેડીઓ પરનાં ગુજરાતી સુગમ સંગીતનો વ્યાપ તેઓએ વધારે વિસ્તાર્યો અને ઊંડો પણ કર્યો. સલીલ ચૌધરીનાં બોમ્બે કૉયર ગ્રૂપની મદદથી તેમણે ગુજરાતી સુગમ સંગીતમાં સમુહગાનના પણ સફળ પ્રયોગો કર્યા. ઑલ ઈન્ડીયા રેડીયોના એક બહુ જ જાણીતા અને લોકપ્રિય કાર્યક્રમ ‘જયમાલા’ શરૂ કરવાનું પણ શ્રેય તેમના નામે છે.
AIRની બહુઆયામી સેવાનાં ૨૦ વર્ષ પછી નિવૃત્તિ લીધા પછી પણ નવું શીખવાની અને નવા પ્રયોગો કરવાની તેમની તરસ છીપાવવા તેઓ સંસ્કૃત પણ શીખ્યા. નિરંજન મઝુમદારનું હુલામણું નામ ‘નીનુ’ જ જેમની ઓળખ બની ગયું હતું એવા નીનુ મઝુમદારે વીસ જેટલી હિંદી ફિલ્મમાં સંગીત આપ્યું. તે સાથે તેમણે ૨૮ જેટલાં પોતે સંગીતબધ્ધ કરેલાં હિદી ફિલ્મોનાં ગીતો ગાયા અને એક ફિલ્મનાં ગીતો લખ્યા અને એક ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું. ગુજરાતના ગામડે ગામડે ફરીને લોકસંગીતને જાણ્યું અને માણ્યું પણ હતું એવા સુગમ સંગીતનાં ધ્રુવતારક સમા સંગીતકાર નીનુ મજમુદારનું અવસાન તા. 3 માર્ચ 2000 માં થયું હતું. તેમનાં પત્ની કૌમુદી મુનશી પણ સારા ગાયિકા હતા. ભાવવંદન
By Mansi Desai