સમગ્ર મનુષ્યસૃષ્ટિ સત્કર્મો, દયા-દાન અને મદદને ઉમદા કાર્ય તરીકે પસંદ કરે છે. દુનિયાના તમામ ધર્મો પણ વ્યક્તિને દયાવાન અને મદદગાર બનવાની યુગોથી સલાહ આપે છે. લગભગ દરેક સમાજમાં વ્યક્તિ યથાશક્તિ મન-વચન-કર્મથી યથાયોગ્ય ઉત્તમ કલ્યાણકારી કાર્યો જાણે-અજાણે કરતી જ રહે છે. ક્યારેક એ સકામ (હેતુસભર) હોય છે તો ક્યારે નિષ્કામ (નિસ્વાર્થ) પણ હોય છે. પરંતુ મને વ્યક્તિગત ધોરણે સતત એવું જ લાગ્યા કરે છે કે આપણી સર્વેની મદદ અયોગ્ય દિશાની છે. વાસ્તવમાં આપણે જે સહાય ઉપકાર કે મદદ અન્ય જરૂરિયાતમંદ મનુષ્યની કરીએ છીએ તેવી મદદ જો પ્રકૃતિની કરીએ (એટલે કે પ્રકૃતિના તત્વોની કરીએ અર્થાત પ્રકૃતિને પ્રદૂષણમુક્ત અને અર્થતંત્રને સમસ્યામુક્ત કરવામાં કરીએ) તો કદાચ મનુષ્યને સહાય કે મદદ કરવાની આવશ્યકતા જ ન રહે. પ્રકૃતિના પાંચ મૂળભૂત તત્વો (જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ) ને વિકાસના નામે આપણે અતિસય દૂષિત કરી નાખ્યા છે. જેથી દરરોજ એક નવો વાયરસ અને એક નવો રોગ અસ્તિત્વમાં આવે છે. જેના થકી સમગ્ર માનવજાત પીડા ભોગવે છે જેના મૂળમાં પ્રકૃતિના તત્વોની અસમાનતા અર્થાત પ્રકૃતિની અસમતુલા જવાબદાર છે.
સમગ્ર પ્રકૃતિને આપણે પ્રયત્નપૂર્વક સભાન અવસ્થામાં અસંતુલિત કરી નાખી છે. મદદ સહાય કે ઉપકાર કરવાની જો ઈચ્છા હોય અને પુણ્યકર્મોમાં આસ્થા હોય તો પ્રકૃતિની મદદ માટે આગળ આવવાની આવશ્યકતા છે કેમ કે પ્રકૃતિને તેની ખૂબ જરુર છે. એવું નથી કે પ્રકૃતિ અસમર્થ છે પરંતુ પ્રકૃતિ જો તેના શક્તિસામર્થ્યનો ઉપયોગ કરવા મજબૂર બનશે તો પ્રલય આવશે. શક્તિશાળીમાં શક્તિશાળી વ્યક્તિ કે તત્વની પણ સહનશક્તિની એક ચોક્કસ મર્યાદા હોય છે.
પ્રદૂષણ જયારે પ્રકૃતિની સ્વાભાવિક શુદ્ધ કરવાની શક્તિ કરતા વધી જાય ત્યારે પ્રલય નિશ્ચિત બને છે. જેની કિંમત સમગ્ર જીવસૃષ્ટિને ચૂકવવી પડે છે એટલા માટે મદદ કરવાની કે પુણ્યકર્મ કરવાની જો ઈચ્છા હોય તો પ્રકૃતિને મદદ કરવાની આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પ્રકૃતિના પાંચ મૂળભૂત તત્વો સમ્યક બને તેવી વ્યવસ્થા કરવી પડે જેથી આપોઆપ સમગ્ર જીવસૃષ્ટિ સુખી શાંત સમૃદ્ધ અને સુરક્ષિત બની જાય. કોઈ વ્યક્તિની એક દિવસની ભૂખ સંતોષવા અન્નદાન કરવું તેના કરતાં જીવનભર તે અન્ન કમાઈ શકે તેવો શક્તિશાળી તેને બનાવવાનો પ્રયત્ન વધુ સરાહનીય નથી લાગતો? કટોકટીના સમયમાં વ્યક્તિને ઓક્સિજન સિલિન્ડર આપવાના કર્મ કરતા વૃક્ષો રોપી સમગ્ર જીવસૃષ્ટિને ઓક્સિજન અવિરત આપતા રહેવાનું કાર્ય તમને નથી લાગતું વધુ પુણ્યશાળી કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે “જલ હી જીવન હૈ” તો માત્ર તરસ્યાને પાણી પીવડાવી પુણ્યકર્મ કર્યાનો સંતોષ મેળવવો એના કરતાં જળસંચય કરવો, પાણીનો બગાડ અટકાવવો, નદી તળાવ સમુદ્રને વિકાસના નામે પ્રદુષિત થતા અટકાવવા તેમ જ તેના શુદ્ધિકરણના કાર્યો કરવા શું વધુ સલાહભારેલ નથી? જળ અશુદ્ધિને રોકવાના પ્રયાસ રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન ફાળો આપવો વધુ કલ્યાણકારી પવિત્ર અને પુણ્યશાળી કાર્ય ન ગણી શકાય? જેના દ્વારા સમગ્ર પ્રકૃતિનું ઋણ ચૂકતે થવાથી તમામ જીવસૃષ્ટિની આપોઆપ ખૂબ મોટી મદદ થઈ જશે અને છૂટક છૂટક મનુષ્યની નાનીમોટી મદદ કરવાની જરૂરિયાત સર્જાશે જ નહીં. એ જ રીતે અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ રોકવા સક્રિય થવું દરેક મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે એવું મારું દ્રઢ પણે માનવું છે.
જો ખરેખર કંઈ ઉત્તમ કરવાની ઇચ્છા હોય તો જળપ્રદુષણ, અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ રોકી પ્રકૃતિના સંવર્ધન દ્વારા ઈશ્વરના નિયમો પર ચાલી સમગ્ર અસ્તિત્વને સહાયક થઇ શકાય, બાકી નાના-મોટા દયા દાન અને કહેવાતા ધાર્મિક કાર્યો કરી પોતાની જાતને છેતરવાનો દંભ કરવા જેવો નથી. નીતિપૂર્ણ જીવન જીવવું, નીતિપૂર્ણ આજીવિકા દ્વારા દ્રવ્ય પ્રાપ્તિ કરવી, ઈશ્વરે આપણને જેવી સ્વચ્છ સુંદર પ્રકૃતિ આપી છે તેવી જ જાળવી રાખવી અને શક્ય હોય તો તેને વધુ ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરવો એ વાસ્તવમાં સાચું ધાર્મિક જીવન છે. કબીર કહેતા “પ્રભુ તેં મને જે આ જિંદગીરૂપી ચાદર આપી છે તે મારા અંતિમ સમયે તપાસી લેજે, જો એમાં કોઈ દાગ ન હોય તો મારું જીવન સાર્થક થયું ગણાશે” કબીરે કહ્યું તેવું જીવન આપણે દરેકે જીવવું જોઈએ. પ્રકૃતિના તમામ તત્વો હવા પાણી જમીન વગેરે શુદ્ધ રાખવાના નૈતિક પ્રયાસ થવા જ જોઈએ. વધુ પૈસા કમાવવાની લાલચમાં ખેતરોમાં અતિશય રાસાયણિક ખાતરોના ઉપયોગ જેવા અનૈતિક કાર્યો દ્વારા વર્તમાન સમયે જમીન રસ ગળી ગઇ હોય એવું લાગે છે. કેમ કે કોઈ ઉપજ (અનાજ,શાકભાજી,ફળ) સ્વાદિષ્ટ રહ્યા નથી. દુધાળા પશુની યોગ્ય માવજતના અભાવે ડેરી પ્રોડક્ટ્સ પણ રસકસ વગરની થઈ ગઈ છે અને આવા તો ઘણા-ઘણા પ્રશ્નો છે. જરા વિચારો કે ન શુદ્ધ હવા, ન જરૂરી ઓક્સિજનની પ્રાપ્યતા, ન શુદ્ધ સાત્વિક શક્તિવર્ધક ખોરાક, ન જીવંત શક્તિશાળી પાણીની ઉપલબ્ધતા (જીવંત અને શક્તિશાળી પાણી એટલે એવું પાણી કે જેમાં જરૂરી મિનરલ અને વિટામીન હોય – નદીના ઓરીજનલ પાણીમાં પ્રચુર માત્રામાં b૧૨ હોય છે જે પ્રાચીન સમયમાં હતું જે હવે ખતમ થઈ ગયું છે) એવા જીવનને કરવાનું શું? પ્રદુષિત પ્રકૃતિમાં ધર્મના નામે અનેક પ્રકારના દયા-દાન કે યજ્ઞ હવનનો શું અર્થ? અવિરત ધાર્મિક કાર્યો કરતો મનુષ્ય સમાજ જો શુદ્ધ હવા પાણી કે અનાજ ન મેળવી શકે તો એવા ધાર્મિક વાતાવરણમાં જીવનનો કોઈ અર્થ ખરો?શું આવા કહેવાતા ધાર્મિક વાતાવરણમાં માનવ સુખી શાંત અને સુરક્ષિત રહી શકશે? પ્રદુષિત પ્રકૃતિમાં મનુષ્ય કેટલો સુરક્ષિત અને કેટલો સ્વસ્થ રહી શકશે? એટલે જ હું કહું છું કે મનુષ્યને નાનીમોટી મદદ કરી સત્કર્મો કે પુણ્યકર્મોના ભાર સાથે અહંકાર વધારવા કરતાં જે જેવું ઉત્તમ ઈશ્વરે આપ્યું છે (સાત્વિક શક્તિસભર પ્રકૃતિ) તે જાળવી રાખવાનો પ્રયત્ન થાય તો વધુ ઉત્તમ ગણાય. આનાથી શ્રેષ્ઠ પુણ્યકર્મો વિશ્વના ચોપડે બીજું કયું હોઈ શકે?
દાનધર્મના નામે તો આપણે ઘણા લોકોને આળસુ બનાવીએ છીએ જે વાસ્તવમાં તેમનું પતન છે. સાથે સાથે પોતાની જાતને દાન કર્યાના અહંકાર દ્વારા વિશેષ સમજવા માંડીએ છીએ જે “સ્વ” પતનની વ્યવસ્થા છે અને સમજણના અભાવે કે વિકાસની લાલચે પૈસાદાર બનવાની ઘેલછામાં પ્રકૃતિનું નિકંદન કાઢીએ છીએ. આમ ત્રણ તરફ વિનાશ વેરીયે છીએ. શું તમને લાગે છે આ યોગ્ય છે? માત્ર પ્રકૃતિના સંવર્ધનનો જો જીવનમાં નિયમ લઇએ તો ત્રિતરફી વિનાશ રોકી શકાય. પ્રકૃતિને જરૂરી સહાય કર્યા બાદ કોઈ મનુષ્યને સહાય કરવાની આવશ્યકતા જ ન રહે કેમ કે દરેકને પ્રદૂષણ રહિત હવા પાણી ખોરાક પ્રાપ્ત થાય અને આપોઆપ સમગ્ર સૃષ્ટિ સ્વસ્થ જીવંત શક્તિમાન બને. કોઈ પ્રકારનો અભાવ અછત કે અશક્તિનું અસ્તિત્વ જ ન રહે. તમને નથી લાગતું એ કરવું વધુ આવકાર્ય છે. આમ પણ પ્રકૃતિને ખતમ કરી પ્રાપ્ત કરેલો પૈસો અંતે શરીરને તંદુરસ્ત રાખવા, શુદ્ધ હવા પાણી ખોરાક મેળવવા કે લાઈલાજ રોગોના ઈલાજ પાછળ વાપરવો એ શું બુદ્ધિમત્તાછે? જીવનમાં માત્ર પૈસા બનાવવાની ઘેલછા અને અસ્તિત્વનું અજ્ઞાન આપણને આવા પ્રકૃતિ સંવર્ધન જેવા મહામૂલા કાર્યો કરવા દેતું નથી એ મનુષ્યજીવનની સૌથી મોટી કમનસીબી છે. સાચું કહું તો સૃષ્ટિચક્રને ખલેલ પહોંચાડયા વગર જીવવું એ જ સાચો યજ્ઞ છે અને એના જેવો ઉત્તમ યજ્ઞ (પરોપકાર ) બીજો કોઈ હોઈ શકે જ નહી.
શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ