દીવા: રંગબેરંગી વિવિધ પ્રકારના માટીના કોડિયાં; અને કેટલાકમાં મારી બહેનોના હાથથી કરેલું ચિત્રકામ પણ છે. અમુક ફકત કોળિયા છે અને અન્યમાં મીણ ભરેલું છે.
મારા ટોપલામાં દીવા જ સાબિતી આપે છે કે દિવાળી છે, નહીં તો હું અને મારો આઠ સભ્યોનો પરિવાર ક્યારેય કંઈપણ ઉજવવાની સ્થિતિમાં નથી હોતા. અમને તહેવારોનો અર્થ જ નથી ખબર. તમે એકદમ સચોટ અનુમાન લગાવ્યું. અમે નિરાધાર છીએ, એટલા ગરીબ કે રોજ કૂવો ખોદો અને રોજ પાણી પીવો. તેથી, નવા કપડાં, મીઠાઈઓ અને ફટાકડાનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. અમે એવી દયનીય પરિસ્થિતિમાં જીવીએ છીએ કે જાતે બનાવેલા દીવાથી અમારી ઝૂંપડીને શણગારવાનું પણ પોસાય તેમ નથી. દીવા ફકત બજારમાં વેચવા માટે છે, જેથી મારી મમ્મી અમારા આઠ લોકો માટે કમસેકમ એકટાણું રાંધી શકે.
આજે દિવાળી છે.
“ઉતાવળ કર મંગેશ, મોડું કરીશ તો બધા દીવા નહીં વેચાય. ખાલી ટોપલી પાછી લાવજે, સમજ્યો?”
હુકમ આપતી વખતે, મમ્મીએ મને બે ગ્લુકોઝ બિસ્કિટ અને પાણીની બોટલ આપી, જેના આધારે મારે લગભગ પંદર કલાક કાઢવાના હતા .
જૂની ચપ્પલ તૂટી ગઈ છે, તેથી મેં દીવાથી ભરેલી ટોપલી ઉપાડી અને ઉઘાડાપગે બસ સ્ટોપ તરફ દોડ્યો. મારા ગામમાંથી બજાર પહોંચતા લગભગ ત્રણ કલાક લાગે છે, જ્યાં હું ઘરે બનાવેલા દીવા વેચવા ફૂટપાથ પર એક ખૂણામાં બેસું છું.
દિવાળીને લાગતી તમામ પ્રકારની વસ્તુઓથી બજાર શણગારેલું છે. તોરણ, રંગોળીના રંગો, દીવા, ફૂલો, કપડાં, મીઠાઈઓ અને અલબત્ત ફટાકડા. મંડી ઉત્સાહી ખરીદદારોથી ખીચોખીચ ભરેલું છે અને આખો દિવસ ફેરિયાઓ અને ગ્રાહકોની બૂમો સંભળાતી હોય છે.
“જીવનનું કેવું માર્મિક દુર્ભાગ્ય છે મંગેશ! આપણે દિવાળીની સજાવટ વેચીએ છીએ અને આપણે જ આ રોશનીનો તહેવાર ઉજવી નથી શકતા.”
મારી બાજુમાં બેઠેલા મિત્રએ ટિપ્પણી કરી. કટાક્ષમાં સ્મિત કરતાં, મેં જવાબ આપ્યો, “હા યાર, તે ખરું કહ્યું. એવું લાગે છે, જાણે નસીબ આપણી ખિલ્લી ઉડાવતું હોય.”
દિવસના અંતે, તમામ દીવા વેચાઈ ગયા અને હું પૈસા ગણી રહ્યો હતો. રોજ કરતાં થોડા વધારે પૈસા હતા અને મને વિચાર આવ્યો. “ચાર પેંડા ખરીદીને ઘરે લઈ જાવ? બધા અડધો અડધો ચાખી લેશું.”
પેંડા વેચતી છોકરી વીજળીના થાંભલા નીચે બેઠી હતી અને હું તેની પાસે ગયો. તે રડી રહી હતી. “માલતી, શું થયું?”
તે વધુ રડવા લાગી અને શોક વ્યક્ત કર્યો, “આજે બહુ ઓછા પેંડા વેચાયા. બાપા મને મારશે!”
મેં તેને મદદ કરવાનું વિચાર્યું, પરંતુ દરેક પેંડાની કિંમત ૧૦ રૂ. જો હું તેમાંથી આઠ ખરીદું, તો મારા ખિસ્સામાં મોટો ખાડો પડશે અને મમ્મી મને નક્કી ઢીબેડી નાખશે. તેમ છતાં, મેં તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને તેની પાસેથી આઠ પેંડા ખરીદ્યા. તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. “હેપ્પી દિવાળી ભાઈ!” તે ઉત્સાહથી બોલીને ભાગી ગઈ.
ઘરે પાછા ફરતી વખતે, હું મમ્મીનો ઠપકો ખાવા માટે હિંમત ભેગી કરી રહ્યો હતો.
અમારી ઝૂંપડી સુધી પહોંચતા, એક ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્ય મારા સ્વાગત માટે રાહ જોઈ રહ્યું હતું. તે અમારા ઘર જેવું લાગી જ નહોતું રહ્યું. સર્વત્ર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. હસતાં-હસતાં મારી બહેનો મુખ્ય દરવાજાની સામે આંગણમાં રંગોળી દોરી રહી હતી. એટલું જ નહીં, મમ્મી પ્રવેશદ્વાર પર તોરણ લટકાવી રહી હતી. આગળ દોડતાં, મેં ઉત્કંઠાથી પૂછ્યું, “આ બધું શું છે? કોઈ લોટરી લાગી છે કે શું? આ બધું ક્યાંથી આવ્યું?”
એક બહેને મારું શર્ટ ખેંચ્યું અને ઉત્સાહની સાથે બોલી ઊઠી, “ભાઈ, ઘણા બધા દયાળુ અને ઉદાર લોકો મોટી મોટી કારમાં આવ્યા અને આજુબાજુના તમામ ઝૂંપડાઓમાં દિવાળીની ભેટો વહેંચી. તેઓએ બધાને પૈસા અને પુસ્તકો પણ આપ્યા. જલદી અંદર ચાલો, તમને બધું બતાવવું છે!!”
વાતાવરણમાં હર્ષોલ્લાસ ફેલાય ગયું અને હૈયું ખુશીથી ગદગદ થઈ ગયું. અમારા ઉદાસ જીવનને ઉજ્જવળ કરવા માટે પ્રભુએ ફરિશ્તા મોકલ્યા હતા.
મમ્મીએ સમજદારીથી મોટા ભાગના પૈસા બચાવી લીધા. જોકે, વીસ વર્ષમાં પહેલીવાર અમે દિવાળી ઉજવી. હવે, અમે પણ કહી શક્યા, “અમારે આંગણે આવ્યો પ્રકાશનો તહેવાર!!”
શમીમ મર્ચન્ટ