તહેવારોના આગમનથી જીવનમાં નાવિન્ય સર્જાય છે. રોજિંદી એકધારી જીવનશૈલીમાં થોડો બદલાવ આવવાથી સામાજિક વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે. શારદીય નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ ખુશીઓ નો તહેવાર, ધન-ઐશ્વર્ય નુ પર્વ દિવાળીના આગમનની તૈયારીઓ શરૂ થઇ જાય છે. દિવાળીનો આ તહેવાર- પાંચ દિવસનું ઝૂમખું- આપણા જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે જે આપણને વર્ષભર પર હકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે.
ધનતેરસને ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી અમૃતકુંભ સાથે પ્રગટ થયા. ત્યારથી આ પવિત્ર દિવસે નિરોગી આયુષ્ય માટે ધન્વંતરિ દેવ ની પૂજા કરાય છે. વળી પુરાણોમાં એક સુંદર કથા અનુસાર આ દિવસે યમરાજ ની પ્રાર્થના કરીને દીપ નું દાન કરવું એવું શ્રી મહાલક્ષ્મીજી નું કથન છે. અને આમ કરવાથી પરિવારજનો પર અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. શ્રી મહાલક્ષ્મી પૂજન નો પણ આ દિવસથી જ પ્રારંભ થાય છે.
કાળી ચૌદશ શ્રી મહાકાલી પુજા, શનિદેવ, હનુમાનજી તેમજ ભૈરવ ઉપાસના તથા તંત્ર વિદ્યા માટેનો ઉત્તમ દિવસ છે. ભગવાન શ્રીકૃષ્ણની
પ્રેરણાથી સત્યભામાએ નરકાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે.
સમુદ્ર મંથન વખતે માતા મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો. સમુદ્રમાંથી જે દિવસે લક્ષ્મીજીએ ઉત્પન્ન થયા તે દિવસ એટલે દિવાળી. પુરાણોના કથન અનુસાર આ દિવસે માતા મહાલક્ષ્મી મધ્યરાત્રીએ લોકોનાઆવાસ- રહેઠાણોમાં વિચરણ કરે છે. અને આ કારણથી જદિવાળીમાં સાફ-સફાઈ અને સુશોભન નું મહત્વ છે. ઘર, આંગણું, દુકાન, શેરી સ્વચ્છ અને સુશોભિત કરીને, તોરણ બાંધીને, દીપમાળાઓ પ્રગટાવીને, લક્ષ્મીજીનું સ્વાગત કરાય છે.
બેસતા વર્ષના દિવસે વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. વહેલા ઊઠીને નિત્યકર્મ કર્યા બાદ આંબા કે આસોપાલવના તોરણ બાંધીને, ઘરમાં ભજન, કીર્તન, સ્તોત્ર, કે મંત્ર ગુંજતા કરવા જોઈએ. ભગવાનને પ્રસાદ અર્પણ કરીને ઇષ્ટદેવ ના આશીર્વાદ લેવા જોઈએ. અને ત્યારબાદ ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અન્નકૂટના છપ્પન ભોગ ધરાવવાની પ્રથા પણ છે.
ભાઈબીજ એ સૂર્યનારાયણના પત્ની છાયા દેવી ના સંતાનો શ્રીયમ- યમુનાજી સાથે જોડાયેલું પર્વ છે. પૂર્વે શ્રી યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને આ દિવસે જમવા તેડાવેલા જેથી આ દિવસે ભાઇએ બહેનને ત્યાં જમવા ની પ્રથા છે.આ દિવસે ભાઇ-બહેનનું સંયુક્ત રીતે યમુના સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવજનો આ દિવસે યમુનાપાન ખાસ કરે છે.
આમ, પાંચ દિવસનો આ તહેવાર આપણા જીવનમાં આનંદ ઉલ્લાસ ભરી દે છે. પરંતુ 2020નુ આ વર્ષ આપણા માટે ખુબ જ ભારે રહ્યું છે. કોવિડ 19 ના સંક્રમણ ને લીધે, અને અતિવૃષ્ટિના કારણે આ વર્ષે આપણાં જીવનને પારાવાર નુકસાની સહન કરવી પડી છે. તેથી આપણે આ વર્ષે દિવાળી ઉજવણીમાં પણ ફેરફાર કરવો પડશે. આ વરસની દિવાળી ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે ખુશીઓ ની વહેચણી કરીશું. આપણે સાદગીપૂર્ણ તહેવાર ઉજવીને આપણાંથી બનતી મદદ જરૂરતમંદ સુધી પહોંચાડીએ. આવો ખુશીઓની વહેંચવાનો સંકલ્પ કરીએ અને દિવાળી નાં પર્વ ને સાર્થક કરીએ.
અસ્તુ.
~ હર્ષા ઠક્કર