ફેફડામાંથી શ્વાસ હજી નાગની જેમ ફુંફાડા મારતો હતો. નાકના નસખોરા ફૂલી ગયેલા હતા. શ્વાસ ઉચ્છશ્વાસના કારણે છાતી ફૂલી જતી હતી. આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. પરસેવો પાણીની જેમ વહી રહ્યો હતો. બહાર તાળીઓનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો પણ કાન સુન્ન થઈ ગયા હતા. પેલી આસિસ્ટન્ટ બધા દર્શકોનું અભિવાદન કરી રહી હતી, બધુ નજર સામે હતું છતા ધૂંધળું દેખાઈ રહ્યું હતું. બાજુમાં પડેલી પાણીની બોટલ લીધી, ધ્રૂજતા હાથે ઢાંકણું ખોલીને પાણીનો એક ઘૂટડો ગળે ઉતાર્યો. શ્વાસ હજી ૧૪૦ની સ્પીડે દોડતો હતો એવું લાગ્યું. ફરી ધ્રૂજતા હાથે બોટલ ઊચી કરી પાણીના એક સાથે ચાર પાંચ ઘૂટડા પી લીધા.
“આર યુ ઓકે, પરિમલ?” સામે ઉભેલા એક વ્યક્તિએ કહ્યું.
પરિમલે એ બોટલમાંથી પાણી હાથમાં લઈ થોડું ચહેરા પર છાંટ્યું. ધૂંધળું દેખાતું હવે સ્વચ્છ દેખાતું હતું. સામે જોયું તો એની આંખો ફાટી ગઈ. એના હાથ ધ્રૂજવા લાગ્યા.
“નાના માલિક.. તમે.. અહિયાં..? અને મને.. આમ.. આટલી.. ઇજ્જતથી બોલાવો છો?” પરિમલ થોથવાઈ ગયો.
“કોણ નાના માલિક? પરિમલ, હું તો તારો મિત્ર છું. હું ક્યારથી તારો માલિક બની ગયો?” સામે ઊભેલી વ્યક્તિએ સહજતાથી કહ્યું.
“મિત્ર.. મારો.. હે.. શું.. આ કઈ રીતે.. માલિક..”
“જો પાછું માલિક! અરે પરિમલ, હું તારો બાળપણનો મિત્ર છું વિશ્વરાજ. આ જાદુ કરતાં કરતાં તું ખુદ પર તો કોઈ પ્રયોગ નથી કરી બેસ્યો ને?” વિશ્વરાજે પરિમલના ખભે હાથ મૂકીને કહ્યું.
આ શું સપનાઓ હું જોઈ રહ્યો છું. હું મહાન જાદુગર પરિમલ! નાના માલિક મારા બાળપણના મિત્ર! આ કઈ રીતે શક્ય છે? ના.. ના.. ના.. નક્કી આ કોઈએ મારા પર કાળો જાદુ કર્યો છે. હું તો પપ્પુ છું. મને ક્યાં જાદુ કરતાં આવડે છે?
“સર.. સર.. પરિમલ સર..” પેલી આસિસ્ટન્ટ દોડતી દોડતી આવી. “સર, કમાલ થઈ ગયો આજે તો, તમારો છેલ્લો જાદુ કમાલ કરી ગયો.” આસિસ્ટન્ટ ખુશીથી નાચવા લાગી.
“મારો છેલ્લો જાદુ!” પરિમલનો ઉદગાર સરી પડ્યો.
“હા.. હા.. સર તમારો એ ગ્રાન્ડ ફિનાલે એક્ટ આજે કામ કરી ગયો.” આસિસ્ટન્ટનું નાચવાનું શરૂ જ હતું.
“એવું તો શું થયું છે, જુલી?” પરિમલ પૂછે એ પહેલા વિશ્વરાજે પૂછી લીધું.
“આજે ઓડિયન્સમાં લંડનમાં રહેતા ભારતિય બિઝનેસમેન પણ બેઠેલા હતા. એમને આજનો શો ખૂબ જ ગમ્યો અને એમાં પણ સરનો ફિનાલે એક્ટ જોઈને તો એ સરના કાયલ થઈ ગયા. એમણે હમણાં જ મને બોલાવી અને આપણી આખી ટીમને લંડનના પ્રખ્યાત વિમ્બલી સ્ટેડિયમમાં શો ની ઓફર કરી છે. સરને આવતીકાલે મળવા પણ આવશે. કહેતા હતા કે એક શો ના એટલા રૂપિયા મળશે કે આખી જિંદગી આરામથી નીકળી જશે.” જુલી એક શ્વાસમાં જ બધુ બોલી ગઈ.
વિશ્વરાજ તો આ સમાચાર સાંભળીને ઘેલો બની ગયો. એટલો રાજી થઈ ગયો કે એણે જુલીને ગળે લગાડી દિધી. જુલી પણ લંડન જવાની વાતથી આટલી ખુશ હતી કે એ ભૂલી ગઈ કે પરિમલને નહીં પણ વિશ્વરાજને ભેટી પડી છે.
પરિમલના ચહેરા પર કોઈ જ હાવભાવ નહોતા. એ હજી વિચારમાં જ હતો. આ બધુ કઈ રીતે બની રહ્યું છે એ એના મગજમાં ગોઠવી નહોતો શકતો. વિશ્વરાજ અને જુલી તો લંડનની વાતોમાં લાગી ગયા હતા. ત્યાં શું કરશે? ક્યાં ફરશે? શું શું ખરીદી કરશે? લંડન ગયા પહેલા જ એ બન્ને તો વિચારોમાં લંડન પહોંચી ગયા હતા.
“પરિમલ સર..” પરિમલ માથું નીચું નાખી ચાલવા લાગ્યો હતો ત્યાં એને જુલીએ રોક્યો. “સર, ક્યારે સમય આપું?” જુલીના મુખ પર સ્મિત અટકતું નહોતું.
“શેનો સમય?” પરિમલ ટુંકમાં જ વાત કરતો હતો.
“પેલા બિઝનેસમેન તમને મળવા માંગે છે. રકમ નક્કી કરવા માંગે છે. તો ક્યારે કહું એમને?”
“તારી રીતે કોઈપણ સમય આપી દે. એમ પણ આવતીકાલે ક્યાં કોઈ શો છે?” પરિમલ આવતીકાલ બોલતા ખુદ વિચારમાં પડી ગયો કે આ મને કેમ ખબર કે આવતીકાલે કોઈ શો નથી? હે ભગવાન! આ શું ચાલી રહ્યું છે.
“ઓકે સર..” જુલી પરિમલને ગળે લગાડવા ઇચ્છતી હતી પણ પરિમલ ફરી માથું નીચે કરી ચાલવા લાગ્યો.
“ગઈકાલે ક્યાં ગાયબ થઈ ગયો હતો? મે અને જુલીએ તને કેટલો શોધ્યો?” વિશ્વરાજ રાજાશાહી પલંગ પર પડેલા પરિમલની સામે ઊભો હતો.
“આ કોનું ઘર છે?” પરિમલ પલંગ પર પડેલી રેશમી ચાદર પર હાથ ફેરવતા બોલ્યો.
“તને નથી ખબર આ કોનું ઘર છે? પરિમલ, તું કાંઇ નશાની લતે ચડી ગયો છે?” વિશ્વરાજે શંકાની નજરે જોયું.
“નથી ખબર કે આ કોનું ઘર છે? હું તો ગઈકાલે ચાલતો ચાલતો નીકળી પડેલો. થાકેલો હતો તો આ ઘર સામે આવીને ઊભો હતો, થાક અને ભૂખના કારણે ક્યારે આંખ બંધ થઈ ખબર જ નથી. સવારે જાગ્યો તો આ સામે ઊભો એ છોકરો કહે, ‘માલિક, હવે તમારી તબિયત કેમ છે?’ આ સામે ઊભો એ કોણ? આ ઘર કોનું? મને તો કાંઇ ખબર નથી પડતી.” પરિમલ માથું ખંજવાળતો હતો.
વિશ્વરાજને થયું કે પરિમલને કોઈ માનિસક અસર લાગે છે. ગઈકાલે જુલી પણ કહેતી હતી કે સ્ટેજ પર જતા પહેલા પરિમલે આવા જ અજુગતા સવાલો કર્યા હતા. તાત્કાલિક એને કોઈ ડૉક્ટરને બતાવવા લઈ જવો પડશે પણ કેમ લઈ જવો હમણાં જ જુલી પેલા બિઝનેસમેનને લઈને આવી રહી હશે અને આ ડફ્ફોળ હજી તૈયાર નથી થયો.
“આ તારું જ ઘર છે અને એ સબૂત તને હમણાં હું આપી દઇશ. હાલ તું એક કામ કર નાહી લે પેલા બિઝનેસમેન આવતા જ હશે. એની સાથે લંડનની ડીલ ફાઇનલ કરવાની છે.” વિશ્વરાજે પરિમલને હાથ પકડીને ઊભો કર્યો.
લંડન.. બિઝનેસમેન.. આ બધુ સાંભળી ગઈકાલે થયેલી વાતો એની નજર સામે આવી. પણ હું શું વાત કરીશ? એ મને મહાન જાદુગર પરિમલ સમજે છે પણ હું તો પપ્પુ છું. જાદુગર તો મારા મોટા માલિક ભૈરવનાથ હતા જે હમણાં જ ગુજરી ગયા છે.
પરિમલ કશું જ બોલ્યા વગર નાહવા જતો રહ્યો. બાથરૂમમાં જતા જ ફરી મગજમાં નળમાંથી પાણી પડે એ રીતે વિચારો પડવા લાગ્યા. આ કોનું ઘર? પેલો છોકરો મને અંદર લાવ્યો એ કોણ? નાના માલિક મને એનો બાળપણનો મિત્ર કેમ કહે છે? મે ગઈકાલે જાદુના ખેલ કઈ રીતે કર્યા? જુલી! જુલી મારી આસિસ્ટન્ટ! એ ગઈકાલે મને ગળે મળવા ઇચ્છતી હતી? આટલા બધા વિચારોથી મગજમાં દુખાવો થવા લાગ્યો. એક ઝાટકે માથું ઉડાડી દઉં એવું થવા લાગ્યું પણ એનાથી જવાબ નહીં મળે. ફૂવારો શરૂ કર્યો અને શરીર સાથે એ વિચારોને પણ ધોઈ નાંખ્યા.
ડોરબેલ રણકી. વિશ્વરાજે દરવાજો ખોલ્યો. સામે જુલી અને પેલા બિઝનેસમેન ઊભા હતા. જુલીએ ઔપચારિક સ્મિત આપ્યું. વિશ્વરાજે બન્નેને અંદર આવવા આગ્રહ કર્યો.
“સર, આ પરિમલસરના બાળપણના મિત્ર વિશ્વરાજ છે.” જુલીએ ઓળખાણ કરાવી.
ફક્ત બાળપણના મિત્ર છે એટલું જ કહ્યું એ વાત વિશ્વરાજને જરા ખટકી. એ ફક્ત બાળપણનો મિત્ર જ નહીં પણ પરિમલનો લીગલ એડવાઇઝર પણ હતો. કાયદાકીય દરેક કામ વિશ્વરાજ કરતો.
“હેલ્લો સર, એમનો બાળપણનો મિત્ર તો ખરા જ પણ પરિમલનો લીગલ એડવાઇઝર પણ છું.” વિશ્વરાજે મક્કમતાથી હાથ મેળવ્યો.
“હેલ્લો. પરિમલજી દેખાતા નથી.” એ બિઝનેસમેન સીધો મુદ્દા પર આવ્યો.
“હા એ પૂજા કરવા બેઠા હતા, લગભગ હવે થઈ ગઈ હશે. હું એમને બોલાવી લાવું.” વિશ્વરાજ ઊભો થયો.
“એની જરૂર નથી. હું આવી ગયો છું.” પરિમલ બ્લેઝર પહેરતા પહેરતા રૂમની બહાર નીકળ્યો.
પરિમલના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાયો. જુલી પરિમલને જોઈ જ રહી. એ મનોમન પરિમલને પસંદ કરવા લાગી હતી. વિશ્વરાજને થયું કે આજે આ ડીલ નક્કી થઈ જાય તો પોતાની લીગલ એડવાઇઝર તરીકેની કંપની જ ખોલી નાખશે.
પરિમલનું ધ્યાન એ બિઝનેસમેન તરફ નહોતું. એની નજર નીચે જ હતી. પેલા બિઝનેસમેન પરિમલને રૂબરૂ મળીને ખુશ દેખાતા હતા. પરિમલે નજર ઊચી કરી અને સામે જોયું.
“હેલ્લો મહાન જાદુગર પરિમલ.” બિઝનેસમેને હાથ મેળવવા હાથ આગળ ધર્યો.
“મોટા માલિક તમે!” પરિમલ આંખો ફાડી ફાડીને એ બિઝનેસમેનની સામે જોઈ રહ્યો.
સુનિલ ગોહિલ “માસ્તર”