જ્યોતિષ શાસ્ત્ર સિવાય વેદ અને પુરાણોમાં પણ પુષ્ય નક્ષત્ર વિશે અનેક મહત્ત્વપૂર્ણ વાતો જણાવી છે. જેના કારણે આ નક્ષત્રને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં લગ્નને છોડીને અન્ય માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. તેની સાથે જ, ખરીદારી, રોકાણ અને મોટાં વ્યાપારિક લેણ-દેણ આ નક્ષત્રમાં કરવાં શુભ માનવામાં આવે છે. શરદ ઋતુ એટલે આસો મહિનામાં આવતો પુષ્ય નક્ષત્રને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. પાણિની સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે- પુષ્ય સિદ્ધૌ નક્ષત્રે.
सिध्यन्ति अस्मिन् सर्वाणि कार्याणि सिध्यः।
पुष्यन्ति अस्मिन् सर्वाणि कार्याणि इति पुष्य।।
એટલેઃ- પુષ્ય નક્ષત્રમાં શરૂ કરેલાં બધા કાર્ય પુષ્ટિ દાયક અને સર્વાર્થસિદ્ધ હોય જ છે જે નિશ્ચય જ ફળીભૂત થાય છે. સત્તાવીસ નક્ષત્રોમાં પુષ્ય આઠમો નક્ષત્ર છે. આ નક્ષત્રના ઉદય થવા પર જ્યોતિષી શુભ કાર્ય કરવાની સલાહ આપે છે. બધા નક્ષત્રોમાં તેને સૌથી સારો માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશિમાં સ્થિત હોય છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ સિવાય ચંદ્ર અન્ય કોઇ રાશિનો સ્વામી નથી. ચંદ્ર ધનનો દેવતા છે. એટલાં માટે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સોનું, ચાંદી અને નવા સામાનની ખરીદી માટે પુષ્ય નક્ષત્રને સૌથી પવિત્ર માનવામાં આવે છે. પુષ્ય શબ્દનો અર્થ પોષણ કરવું કે પોષણ કરનાર છે. પુષ્ય ઊર્જા શક્તિ પ્રદાન કરતો નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખ સાથે પોષણ કરનાર માનવામાં આવે છે. પુષ્યને નક્ષત્રોનો રાજા પણ કહેવામાં આવે છે. તે 27 નક્ષત્રોમાં આઠમા ક્રમે આવે છે. પુષ્ય નક્ષત્રની ટોચ પર ઘણા સૂક્ષ્મ તારાઓ છે જે કાંતિ વર્તુળની ખૂબ નજીક છે. પુષ્ય નક્ષત્રના મુખ્યત્વે ત્રણ તારા છે જે આકાશમાં તીરના આકારમાં દેખાય છે. તેના તીરની ટોચ ઘણા ઝીણા તારાઓના સમૂહોના ગુચ્છા અથવા પુંજ તરીકે દેખાય છે. આકાશમાં તેનું ગાણિતિક વિસ્તરણ 3 રાશિ 3 અંશ 20 કલાથી લઈને 3 રાશિ 16 અંશ 40 કલા સુધીનું છે.
એવું માનવામાં આવે છે કે, પુષ્ય નક્ષત્રની સાક્ષીથી કરેલાં કાર્યો હંમેશાં સફળ થાય છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને અધ્યક્ષ બૃહસ્પતિ દેવ છે. શનિના પ્રભાવથી આ નક્ષત્રનો સ્વભાવ સ્થાયી અથવા લાંબા સમય સુધી સાથે રહે તેવો હોય છે. એટલાં માટે જ પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ શનિના પ્રભાવના કારણે સ્થાયી રૂપથી બની રહે છે અને બૃહસ્પતિ દેવના કારણે તે સમૃદ્ધિદાયી હોય છે. શાસ્ત્રોમાં ગુરૂને પદ-પ્રતિષ્ઠા, સફળતા અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે અને શનિને વર્ચસ્વ, ન્યાય તથા શ્રમનો કારક માનવામાં આવે છે, એટલાં માટે પુષ્ય નક્ષત્રની ઉપસ્થિતિમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે, તેથી આ નક્ષત્રમાં ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને શુભ ફળ આપે છે. પુષ્ય નક્ષત્ર બૃહસ્પતિ (ગુરુ), શનિ અને ચંદ્રનો પ્રભાવ હોય છે, તેથી આ નક્ષત્રમાં સોનું, ચાંદી, લોખંડ, ખાતાવહી, કપડાં, ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવી અને મોટું રોકાણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે, જેનો કારક સોનું છે. સ્વામી શનિ છે તેથી લોખંડ અને ચંદ્રનો પ્રભાવ રહે છે તેથી ચાંદી ખરીદવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો ખૂબ જ વિશેષ, સર્વગુણ સંપન્ન અને ભાગ્યશાળી હોય છે. આ દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીની કૃપા વરસે છે. પુષ્ય નક્ષત્રના દિવસે વ્રત કે ઉપવાસ કરીને પૂજા કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ દિવસ વિશે કહેવાય છેકે, વણજોયું મુહૂર્ત હોય છે. આ દિવસે દરેક મુહૂર્ત સારા હોવાથી તમે ઘરેણાં, ગાડી કે ઘર સહિતની કોઈપણ સારી વસ્તુની ખરીદી કરી શકો છો.
માનસી દેસાઈ