આપણે હમેશાં સ્ત્રીઓ માટે સાંત્વના દેખાડતાં હોઈએ છીએ. બિચારી માવતર મુકીને આવી છે, પણ શું આજનાં જમાનામાં જ્યારે લગ્ન પછી સૌ જુદા રહેતાં થઈ ગયા છે તો શું પુરુષ માવતર નથી મુકતો ? કારણ ગમે તે હોય પણ માવતર તો એણે પણ મૂક્યું છે પણ આ વાતની નોંધ ક્યાંય લેવાતી નથી. પછી સ્ત્રીઓની ઘરમાં સ્થાન છે કે નહીંની વાત આવે તો તરત કહેવાય છે કે બિચારીનું એકેય સ્થાન નથી, પણ શું આ સત્ય છે? જ્યારે પણ નવું ઘર લેવાની વાત આવે, ભલે પછી એ ભાડાનું હોય કે પોતાનું, એક પતિ તરતજ કહે છે તને ગમે એવું જ લેજે આખો દિવસ તારે જ ઘરમાં રહેવું છે. આ વાતની પણ અનદેખી થાય. મારો સવાલ છે કે શું આજ સુધી નાની વસ્તુંથી લઈ મોટા ફર્નિચર કે ગાડી કંઈપણ પત્નીને ના ગમતું હોય તો ઘરમાં નથી જ આવતું, છતાં પણ પત્ની કહેશે મારુ શું છે?
દીકરી જયારે બીજા ઘરે વહુ બનીને જાય છે કે તારું સરખું ના રાખે તો મને કહી દેજે, શું આ યોગ્ય છે? પોતાના ઘરની વાત પિયરમાં કહેવી અને બે ઘરની શાંતિ ડહોળવી. બિચારો પતિ કોને કહેવા જશે? એણે તો પોતાનું ઘર મૂકી પોતાની મૂડી અને સર્વસ્વ પત્નીના નામે કરી દીઘું. શું એક પિતા કોઈ દિવસ પરિસ્થિતિ ને આધારે કોઈ વસ્તું લેવાની ના પાડે તો દીકરી તરતજ કહેશે વાંધો નહિં પપ્પા તમારી સગવડતા એ લઈ આપજો, પણ જો પતિ ના પાડે તો ઘરમાં વાવાઝોડું પાક્કું. પતિ આખો દિવસ બહાર કામ માટે રહે છે, પછી તે નોકરીયાત હોય કે દુકાનદાર, બહારનાં લાખો ટેંશન મનમાં દબાવી ઘરમાં આવે, આવતાની સાથેજ પત્નીની ખરીદીની લિસ્ટ અને ફરિયાદો ચાલુ થઈ જાય. જમવાનું ના ભાવે તો પણ મૂંગા મોઢે ખાઈ લેતો બિચારો પતિ. આજકાલ તો વળી બન્ને જેમ કમાતા થયાં છે એમ ઘરમાં પણ બંને મળીને કામ કરતાં થયા છે, તો પત્ની દ્વારા કહેવાય એમ કે હું ઘરનું ને બહારનું બન્ને કાર્ય કરું છું. પત્ની પિયર રિસામણે જાય એવું તો બહું સાંભળ્યું પણ કોઈ દિવસ એવું સાંભળ્યું કે પતિ જવાબદારી મૂકીને રિસામણે ગયો? અને બધી પત્નીઓ બોલતી જ હોય આમાં તમને કઈ ખબર ના પડે, શું આવું બોલવું આવું વર્તન યોગ્ય છે?