પીડાદાયક લાગણીઓ
“શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે.
માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની દોડધામ વચ્ચે, માધવીની નજર ખૂણામાં બેઠેલા એક નાના છોકરા પર પડી. તે માથું નીચે કરીને, હાથ બંને પગ વચ્ચે દબાવીને બેઠો હતો. માધવીના મનમાં અણધારી ભાવનાઓ ઉભરાઈ અને તેને તીવ્ર ઈચ્છા થઈ કે બસ આ જ છોકરો તેનો દીકરો બનવો જોઈએ.
એક મિનિટ માટે, મેટ્રનના શબ્દોએ તેનો આનંદ ક્ષીણ કરી દીધો. પરંતુ તે મેહરાંશને મળી હતી. તેની ઉદાસ આંખોના ઊંડાણમાં દર્દનાક લાગણીઓનો દરિયો હશે, પણ તેના નિરાશ બાહ્ય દેખાવની પાછળ, માધવીને એક આકર્ષક અને ખુશખુશાલ બાળકની છાયા મહેસૂસ થઈ હતી. અચાનક, તેના ક્ષતિગ્રસ્ત જીવનને રૂઝ આપવાના વિચારે તેને જકડી લીધી.
“મધુ, કહેવાની જરૂર નથી, કે હું હંમેશા તારી પડખે ઉભો રહીશ, પણ મેહરાંશને અપનાવવું એક મુશ્કેલી ભર્યો સફર રહેશે. વારે ઘડીએ વિખરાય જવું અને પોતાને ફરી સમેટવું; શું તું આ પડકાર ઝીલવાનો સાહસ ધરાવે છે?”
હેમંતનો ડર તેની આશા અને પ્રેમને ઝાંખું ન કરી શક્યો. માધવીએ ઉત્સાહથી કહ્યું, “હેમંત, મને પૂરો વિશ્વાસ છે કે મેહરાંશ ફક્ત આપણા હૃદયને નહીં, પણ આપણા પરિવારને પણ પુનઃસ્થાપિત કરશે.”
મહેરાંશને ઘરે લાવવો તો બસ એક શરૂઆત હતી. આગળની લાંબી અને ધીરજવાન મુસાફરી કોઈ મુશ્કેલ યુદ્ધથી ઓછી નહોતી. તેઓએ મહેરાંશને શ્રેષ્ઠ સ્કૂલમાં મોકલ્યો. દિકરાને આરામદાયક અને ઘર જેવું લાગે, તે માટે માધવી અને હેમંત તનતોડ મહેનત કરી રહ્યા હતા, પરંતુ મહેરાંશને તેના ઊંડા ઘામાંથી બહાર કાઢવામાં તેઓ નિષ્ફળ રહ્યા. મહેરાંશે તેમને ક્યારેય સંબોધ્યા નહીં, ન મમ્મી, ન પપ્પા, કંઈ પણ નહીં. તે ખૂબ જ ઓછું બોલતો. ઘણી વાર માધવી અને હેમંત મંત્રણા કરતા કે મહેરાંશ શું વિચારતો હશે?
તે બહુ ઓછું જમતો અને હંમેશા તેના રૂમમાં એકલા રહેવાનું પસંદ કરતો. ઘણી વખત માધવીએ તેના કોમળ ગાલ પરથી શાંત આંસુ વહેતા જોયા હતા. તે મહેરાંશની નજીક જવાની હિંમત કરતી, તો તે દોડીને પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી નાખતો. તેમના પ્રેમનો અસ્વીકાર મહેરાંશની વર્તણૂકમાં સાફ સાફ છલકાઈ રહ્યું હતું અને તે દયાળુ દંપતિને અતિશય હૃદયની વેદના આપતું.
સ્વયંની ઉપેક્ષા બીમારી તરફ દોરી ગઈ. મેહરાંશ બીમાર પડ્યો. માધવી અને હેમંતે તેના પર કોમળ પ્રેમભરી સંભાળ રાખવામાં કોઈ કસર ન છોડી. મેહરાંશનું વલણ તેના દિલને કચડી નાખતું, તેમ છતાં, તેની માંદગીના ત્રણ અઠવાડિયા દરમિયાન, નિઃસ્વાર્થપણે, માધવી હંમેશાં તેની પડખે રહેતી. ખોરાક અને દવા ઉપરાંત, તે મેહરાંશને તેની સાથે રમતો રમવા માટે દબાણ કરતી અને તેને સૂવાના સમયે વાર્તાઓ સંભળાવતી.
મેહરાંશની બીમારી વેશમાં આશીર્વાદરૂપ સાબિત થઈ. દત્તક લીધાના ત્રણ વર્ષ પછી, એક રાત્રે માધવીએ વાર્તાનું છેલ્લું વાક્ય વાંચ્યું અને સ્મિત સાથે પુસ્તક બંધ કર્યું. તેને ચાદર ઓઢાડી અને તેના ચહેરા પર હાથ ફેરવ્યો. માધવીએ પલંગની સાઈડનો નાઇટ લેમ્પ ચાલુ કર્યો અને તેના રૂમમાંથી બહાર નીકળવા જ જતી હતી, કે ત્યારે મેહરાંશે હળવેથી પૂછ્યું, “મમ્મી, પ્લીઝ તમે મને ગળે લગાડશો?”
મમ્મી?!?
શું તેણે ખરેખર એવું કહ્યું હતું કે માધવીના કાન વાગી રહ્યા હતા? ફરી વળતાં તેણે જોયું, કે મેહરાંશ હાથ લંબાવીને આલિંગનની રાહ જોઈને બેઠો હતો. એક સેકન્ડની પણ રાહ જોયા વગર માધવી તેના પુત્રને ગળે લગાવવા દોડી અને તેને ચુંબનથી ભીંજવી નાખ્યો, “મહેરાંશ, માય બેબી!” તેઓ બંને રડ્યા…. ખૂબ રડ્યા; વર્ષોની પીડાદાયક લાગણીઓને વહી જવા દીધી. પછી…તેની જગ્યાએ પ્રેમ અને ખુશી ઘર કરી ગઈ.
શમીમ મર્ચન્ટ