હોય સામે જો, તો સીવાયેલું રહે મુખડું,
પીઠ પાછળ સૌ કરે અહીં વાતોનું સુખડું!
અલ્યા, ઓલો ભિમેશ સાવ બુધ્ધિ વગરનો હો..! મેં હજુ કાલે એને સમજાવ્યું કે, લાઇટબીલ ઓનલાઇન કેવી રીતે ભરવું. ત્યાં આજે પાછો શીખવા આવ્યો! શું એટલું સહેલું એને નઈ આવડતું હોય. કનુ એના મિત્ર ઉમેશ સાથે વાતો એ ચડ્યો.
બાજુવાળીને, ઘર કેમ સંભાળવું એ આવડતું જ નથી ! એના ઘરની લાદી જોઈ તમે ? કેટલી ચીકણી, પંખે તો ધૂળ જામી ગઈ.. કેટલું ગંદુ રાખે ઘરને ! મીનાબેન તેના પતિ સાથે વાતોએ ચડ્યા.
માં, આપણે શાંતુબેનને થોડું સમજવું જોઈએ, ગમે ત્યારે બનેવી સાથે ઝઘડો જ કરતા હોય. નાની નાની વાતે ઝઘડી પડવું, એમાં આપણે શાંતુબેનનું બાળપણ દેખાય છે. આટલી મોટી ઉંમરના થઈ ગયા અને હજુ આવી રીતે ઝઘડી પડવું. યોગેશ તેના મમ્મી સાથે પોતાની બહેન શાંતુ વિશે વાતોએ ચડ્યો.
માણસોને આખી દુનિયામાં રહેલી અબજો વસ્તુઓમાંથી શરીરનું એક અંગ એટલે કે પીઠ જ ગમે છે. કોઇ વ્યક્તિ વિશેના જુદા જુદા અભિપ્રાયો આપવામાં હરએક માણસ આજે ખૂબ નિપુણતા ધરાવે છે. પેલા ભાઇએ આમ કર્યું, પેલાએ તેમ કર્યું! આવા અઢળક ઉદગારો વચ્ચે જે-તે વ્યક્તિની વાતો એમની ગેરહાજરીમાં થાય છે. જ્યાં જુઓ ત્યાં બીજાની જ વાતો! બે સગાઓ, રસ્તાને કિનારે ઊભા હોય અને તેમની નજીકમાં જઈને સાંભળો તો કોઈ ત્રીજાનું ચરિત્ર જ ખંખેળાતું હોય છે.
એક બાજુ ઊંડો વિચાર કરીએ તો, ખુદના જીવનમાં ચાલતી લાખો પ્રકારની ગતિવિધિને છોડીને બીજાનું જીવન ખંખોળવાની જંજટમાં આજનો મનુષ્ય કેટલો રખડુ બની ગયો છે. અને બીજી બાજુ વિચારીએ તો, આજે મનની ભીતરે, ચોવીસે કલાક ઊંઘતા કે જાગતાં કોઈ બીજા વ્યકિતના જ વિચારોની માળા જપાતી હોય છે. આવી માળાઓ જપીને જે-તે વ્યક્તિ વિશે ઊંધું કે ચતું વિચારીને એક અલગ જ અંદાજ બાંધી લેવામાં આવે છે અને એ અંદાજને કોઇ ભેરુની સામે વિના સંકોચે ગણગણવામાં આવે છે. કોઇ માણસ વિશે, કે એના ચરિત્ર વિશે આપણે કૈક વિચારી લઈએ અને એના ઉપરથી એ માણસનો સ્વભાવ નક્કી કરીએ, આ બધું ઠીક! પણ શું આપણું આ માપદંડ યોગ્ય હશે? આખરે તો આપણે ખુદને પણ પૂર્ણ રીતે નથી સમજી શકતા, ઘણી ઘણી વાર આપણે પણ આપણી જિંદગીમાં આવતી મુસીબતો સામે લડવા માટે કોઇ વ્યક્તિ પાસે મદદ માગીએ છીએ કે હું શું કરું? આમ આપણને ખુદને જ નથી ખબર કે આપણે ખુદ શું છીએ! તો કોઇ વ્યક્તિ વિશે જે-તે વિચારી લેવું અને એના ઉપર ટિપ્પણીઓ બનાવીને ફેલાવવી, આ વસ્તુ શું યોગ્ય છે?
ઘણીવાર બને એવું કે, આપણા મોઢે મીઠા રહેતા માણસો, આપણા ચાલ્યા ગયા પછી આપણા વિશે કડવાશ ઓકતા હોય છે. ખબર નહિ કેમ, માણસને બીજા વ્યક્તિની પીઠ આટલી ગમતી હશે! કદાચ લાગે છે એવું કે, સામુ કહેતા ડરતા હશે, અથવા તો એ જે ટિપ્પણીઓ કરે છે એ એનું ખુદનું જ સર્જન હશે. વાહ રે, માણસ તારી પીઠ સાથેની દોસ્તી!