આપણાં રોજિંદા જીવનમાં ઘણા ઉતાર- ચડાવ આવતાં હોય છે, જ્યારે ચડતી હોય, ચારેબાજુથી સફળતા મળતી હોય ત્યારે આપણને કશું યાદ નથી આવતું, બધું સારું લાગે છે પણ જો કોઈ સમસ્યાઓ આવશે, તરત જ જાતજાતના વિચારો આવવા લાગે છે, પછી તે કોઈ આર્થિક પડતી હોય કે આકસ્મિક કોઈ બીમારી આવી પડી હોય અને સૌથી પહેલાં કોઈ દોષ યાદ આવે તો તે હોય “પિતૃદોષ.”
ઘણાં લોકો તો બીમાર થાય એટલે દવા લેવાને બદલે જોવડાવવા જાય, મને કંઈ નડતું તો નથી ને ? પિતૃ અશાંત હોય તો જ આવું થાય વગેરે કેટલા વિચાર કરવા માંડે, પછી ચાલુ થાય તેની પાછળ અલગ અલગ વિધિ કરાવવાની. શું આજના સમયમાં આ યોગ્ય છે? આપણે જેવા કર્મ કરીએ એવાં જ ફળ આપણને મળતાં હોય છે અને આપણે આપણાં પૂર્વજોને દોષ દઈએ છીએ.
મારુ માનવું છે કે આપણાં પિતૃ આપણાં જ કુટુંબના વડીલો હોય છે તો તે આપણને શા માટે દુઃખી કરે? જે માવતર આપણને જીવતા હોય ત્યાં સુધી એકપણ દિવસ દુઃખી જોઈ નથી શકતા તે શું પોતે પિતૃ થઈ જાય તો આપણને દુઃખ આપી શકે? મને નથી લાગતું આ શક્ય જ નથી, પણ આપણે આપણી ભૂલ છુપાવવા આવા ઢોંગ-ધતિંગની પાછળ પડીએ છીએ. દરેક દુઃખનો ઈલાજ હોય છે, અને ક્રમાનુસાર સુખ અને દુઃખ જીવનના પાસા છે તેને અપનાવી આગળ વધવું જોઈએ અને સારા કર્મ કરવા જોઈએ, તો દુઃખમાં પણ અડગતાથી આગળ વધવાનો રસ્તો મળી જ રહેશે. ઘણાં તો વડીલોની તિથિ આવે એટલે વૃદ્ધાશ્રમમાં જાય, સારી વાત છે આવા દાનપુણ્ય કરવા જ જોઈએ, પણ એના પ્રચારની શી જરૂર, તરત જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકશે Feeling blessed”, અરે એમાં blessed શું છે ? બિચારા તરછોડાયેલ સમાજના વડીલો છે, તેમની આવી દશા જોઈને શેનું blessed feel થઈ શકે? અને બીજા દિવસે પાછા પોતાના પિતૃને તૃપ્ત કરાવવાની વિધિ કરાવતાં હોય. આ વસ્તુઓ ખરેખર વિચારવા જેવી છે કે “પિતૃદોષ નડે છે કે કર્મદોષ !?!”
Related