આજે મારો બઢતી થયા પછી આ નવી ઓફિસમાં પહેલો દિવસ છે. સ્ટાફના દરેક લોકો મારા સ્વાગત માટે આવ્યા છે અને મને અભિનંદન પાઠવી રહ્યા છે. એવામાં મારી નજર ઓફિસના પટ્ટાવાળા પર પડી, હાફ પેન્ટ પહેરેલું, સફેદ શર્ટ અને ખભા પર ખેસ અતિ સામાન્ય પણ પોતાના કામથી સૌથી સંતુષ્ટ એ લાગ્યા મને. ત્યારે તાત્કાલિક તો નહીં પરંતુ બધા પોતપોતાનાં કામ માં લાગ્યા પછી મે એને બોલાવ્યો. “તમારું નામ શું છે? અને શું તમે મને અભિનંદન નહીં પાઠવો?” મે એમને સહજતાથી પૂછ્યું. “સાહેબ, મારુ નામ શ્યામપ્રસાદ છે પણ અહી બધા શ્યામુ કહી બોલાવે છે અને સાહેબ હું સામાન્ય પટ્ટાવાળો મારુ અભિનંદન તો તમારું અપમાન કહેવાય.” શ્યામપ્રસાદ એ વિનમ્રતાથી જવાબ આપ્યો.
ધીરે ધીરે રોજ શ્યામુ સાથે મુલાકાત વધતી ગઈ અને તેમના પરિવાર વિશે હું જાણતો થયો. “સાહેબ મારી બયરી તો કોલેરાને લીધે દસ વર્ષ પહેલા જ દેહ ત્યાગ કરી ચૂકી છે, હાલ તો હું, મારી બે દિકર્યું છે, જેના લગન મે હજી બે વરહ પહેલા જ કર્યા અને એમને પણ તેમના પિતાના ઘર નો ત્યાગ કરી સંસાર માંડી દીધો છે. એક છોકરો છે સાહેબ બાવીશ વરહનો છે, આમ મારો જીવ છે પણ હાલ રખડે છે અને કામ ગોતે છે પરંતુ કાઇ એનો મેળ પડતો નથી.” શ્યામુ એ વિગતે બધુ કહ્યું.
એક દિવસ મે શ્યામુને માથે પાટો બાંધેલો જોયો, માથું એનું કોઈક એ ફોડી નાખ્યું હોય એવું મને થયું. મે એને મારી કેબિન માં બોલાયો અને પૂછ્યું, “આ શું થયું?” “સાહેબ એ મારા દીકરા એ કાલે નશાની હાલતમાં મને માથા પર એક ધોકો મારી દીધો છે, બસ આ તો વધુ કાઇ નો થાઈ એટલે પાટો બાંધ્યો છે બાકી મને કાઇ દુખતું નથી.” શ્યામુ એ મને ખોટો જવાબ આપતા કહ્યું. “ભાઈ, તારા છોકરા ને તે માથે ચડાવી મૂક્યો છે, આટલું બધુ કાઇ હોતું હશે?” મે શ્યામુને ઠપકો આપતા કહ્યું.
“સાહેબ મારો એક નો એક દીકરો છે, બે છોડિયું પછી એ મારે આયો છે, એ તો મે એને કાલે પગાર ના પૈસા ના આપ્યા એટલે એણે મને આ પ્રેમથી વ્હાલ કર્યું છે.” શ્યામુ ના આંખમાં આંસુ આવી ગયા. હું વિચારમાં પડી ગયો, “શું આ માણસનો ત્યાગ છે, એના બાવીશ વર્ષના છોકરાના માર ને આ વ્યક્તિ પ્રેમ કહે છે, ગજબ છે રે શ્યામુ તું.”
મારી નોકરીને પાંચ વર્ષ પૂર્ણ થયા, પાછી મારી બઢતી થઈ અને આ જૂની પોસ્ટનો ત્યાગ કરી હવે હું નવી જગ્યા એ જવા તૈયાર છું ત્યારે થોડા અધૂરા કામ પૂરા કરવા ઓફિસ આયો છું. એમા મારી નજર ઘણા બધા પત્રો પડ્યા હતા તેના પર પડી, પણ મારી નજર ગઈ શ્યામુએ લખેલા પત્ર પર. મે એ પત્ર ખોલ્યો અને મને વિચાર આવ્યો, “શ્યામુ છેલ્લા પાંચ દિવસથી કામે દેખાતો નથી, એટલે મે બહાર તપાસ કરી તો જાણવા મળ્યું કે શ્યામુ એના ગામડે ગયો હતો અને ત્યાં નદી એ ન્હાવા ગયેલો ત્યાં ડૂબી ને એની મૃત્ય થઈ ગઈ છે.” તુરંત જ મે મારી નજર પત્ર પર કરી જેમાં શ્યામુ એ લખેલું:
આદરણીય સાહેબ,
મે તમને મારા છોકરાની નોકરીની ભલામણ માટે વાત કરેલી, તમે કઈક મારા છોકરા ને કામે લગાડી આપો તો બહુ સારું. તમે કહેલું કે આ તો સરકારી ઓફિસ છે, અહી તો પરીક્ષા આપીને નોકરી મળે. મને થયું મારા છોકરાને જીવતા સુખ જ આપું છું તો હવે મરીને સેટ કરીને જીવનભર સુખી કરી દવ. સાહેબ હું 5 દિવસની રજા લવ છું ગામડે કામ છે એટલે, પત્ર તમને મળે પછી તમે યોગ્ય નિર્ણય લેશો એવી મને આશા છે. જો હું ના રહું તો મારી નોકરી મારા છોકરાને આપી એને સાહેબ સેટ કરી દેજો.
તમારો શ્યામુ.
પત્રના અંતિમ વાક્ય સુધીમાં તો મારી આંખો અશ્રુભીની થઈ ગઈ. આપણે હમેશાં માતાનો ત્યાગ, એક સ્ત્રીનો ત્યાગ, એક દીકરીનો ત્યાગ, મહિલાઓ ના ત્યાગ વિશે ખૂબ વાંચ્યું સાંભળ્યું છે. આ એક પિતાનો ત્યાગ છે તેના બગડેલા છોકરાને સુધારવા માટેનો. એના જીવનો ત્યાગ. ખુદના જિગરના ટુકડાને સાચા રસ્તે લાવવા તેઓ ખુદ પોતાના જીવ ને ત્યજી દે છે. ધન્ય છે શ્યામુ ના ત્યાગ અને પિતાના વાત્સલ્ય ને.
– સુનિલ ગોહિલ
Related