પાણી.. દરેક જીવનું જીવન છે. એક પ્યાલો અને એમાં રહેલું પાણી. ક્યારેક ધ્યાનથી જોવો.. સાંભળો.. અને અનુભવો.. એ પ્યાલો અને એમાં રહેવું પાણી પણ કંઇક કહેવા મથે છે. કદાચ એમના સુખદુઃખને વ્યક્ત કરવા થનગને છે..!!
આમ તો રોજિંદા જીવનમાં બેય વાક્યો સહજ રીતે બોલાય છે, કોનું મહત્વ વધારે છે એ દર્શાવવા ક્યારેક પ્યાલાનું પાણી તો કયારેક પાણીનો પ્યાલો બોલીએ છીએ. આમતો બેય એકસાથે જ હતા, છે અને સદાય રહેશે. પણ સંજોગો અનુસાર જેનું માન વધારે એનું વાક્યમાં સ્થાન ઊંચું..!!
જયારે પ્યાલો પાણીથી છલોછલ ભરેલો હોય ત્યારે પ્યાલાને પૂર્ણતાનો સંતોષ હશે એમ કહી શકાય અને બીજી તરફ જોઈએ તો પાણીને પણ સંપૂર્ણપણે પ્યાલામાં સમાવવું ગમે છે એમ પણ કહી શકાય..!!
પણ જયારે પ્યાલો અધૂરો હોય અથવા પર્યાપ્ત પાણી ના હોય ત્યારે માત્ર એ પ્યાલો જ વાંકમાં દેખાય છે. અધૂરો પ્યાલો. અપર્યાપ્ત પાણી. પણ ક્યારેક પ્યાલાને પણ પૂછો તો એ કદાચ કહેશે કે પાણીને જ એનામાં સમાવાની ઈચ્છા નહોતી. એને પાણીને સ્વીકારવાની ક્યારેય ના નથી પાડી કે ક્યારેય પાણીની કે એના અસ્તિત્વની અવગણના નથી કરી. પોતાની ક્ષમતા અનુસાર સદાય પાણીને આવકાર જ આપ્યો છે..!!
બીજી તરફ પાણીને પૂછો તો એ પણ કહેશે કે જયારે જયારે એને પ્યાલામાં સમાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્યાલા તરફથી ઠંડો પ્રતિસાદ જ મળ્યો છે. ઉમળકાભેર પાણીએ જયારે પણ પ્યાલામાં પોતાની જાત અર્પણ કરી છે ત્યારે પ્યાલા એ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ગ્રહણ કરીને વધારાના પાણીનો કાયમ અસ્વીકાર જ કર્યો છે.!!
જીવન પણ આ પ્યાલા અને પાણી જેવું જ છે. ક્યારેક પાણીની મરજીના અભાવે પ્યાલો અધૂરો રહી જાય છે તો ક્યારેક પ્યાલાએ પોતાની હદ બતાવી અને પાણી છલકાઈ જાય છે. લાગણીઓ અધૂરી રહી જાય તો પણ ના ગમે અને છલકાઈ જાય તો પણ ના જ ગમે..!!દરેકની લાગણીઓની કદર કરી, પોતાની મર્યાદામાં રહીને, સ્વમાન સાચવીને જીવન એવું જીવો કે ના તો અધૂરા રહેવાનો રંજ રહે કે ના છલકાઈ જવાનો અફસોસ થાય..!!
પાણીનો એ ગ્લાસ..
જાણીતાને આપ્યા પહેલા ધોવાય છે.
અજાણ્યાને આપ્યા પછી ધોવાય છે.