શું હશે મારામાં કે ખેંચે છે, આ સઘળાં મને?,
ઘર મને , ગુલશન મને, જંગલ મને, સહરા મને.
પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કંઈક ખામી આપણા આ પ્રેમ બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે – તો દુનિયાને પછી જોતે નહીં,
તું મને જોતે તો જોતી થઈ જતી દુનિયા મને.
ખુદ મને સચ્ચાઈના રસ્તે નથી મરવું પસંદ,
તેં તો દીધા’તા શહાદતના કંઈ મોકા મને.
થાય ટીકા આપણી એ પણ મને ગમતું નથી,
જો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગફલતમાં, ન દેખાયા એ મોકા મને.
જ્યારે દેખાશે તો ત્યારે ચાલવું દુર્ગમ હશે,
પંથ એક સાચો છે, જે સૂઝે નહીં હમણાં મને.
મારું દિલ કંઈ એવું પાણીદાર મોતી છે ‘મરીઝ’,
કેટલા ઊંડાણથી જોતા રહ્યા દરિયા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કદી દેવાના બેપરવા મને.
મરીઝ