“તું કર્મ કરે જા ફળની ચિંતા ના કર.”
માણસના જીવનના દરેક પ્રશ્નના ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ મહેનત કરીને ભગવત ગીતા સ્વરૂપે માણસોને અમૂલ્ય ભેટ સ્વરૂપે આપ્યા છે.
જીવનના દરેક પડાવ પર અનેક પરીક્ષાઓ માણસ આપે છે, પરંતુ હમેશાં તેમાં તેનું શું પરિણામ આવશે તેની ચિંતા પહેલા થાય છે. કોઈપણ કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલા કાર્ય કેમ કરવું એ વિચારવાની જગ્યાએ કામ સફળતાપૂર્વક થશે કે નહીં તેનો પ્રશ્ન સતાવા લાગે છે. શું પરિણામ જ નક્કી કરી શકે છે કાર્ય સફળતાપૂર્વક થયું છે કે નહીં?
એ કાર્ય કરવા પાછળ કેટલી મહેનત, સમય, લોકો, પૈસા ભલેને લાગેલ હોય પરંતુ જો એ કાર્યનું પરિણામ ધાર્યા મુજબનું નથી આવતું તો તે કાર્યને નિષ્ફળ માનવામાં આવે છે. એક રિયાલિટી શોમાં ઘણા ગુણી ગાયકો એ ભાગ લીધો, દરેક ખૂબ જ સારું ગાય છે, દરેકને સારી સુરની સમજ પણ છે પરંતુ જ્યારે એ શો પૂર્ણ થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે બધા ગાયકોમાંથી કોઈ એક ને જ વિજયી બનાવવામાં આવશે તો શું બાકીના દરેક ગાયકો જેનું પરિણામ અનુસાર વિજેતા નથી બન્યા તે ગાયક નથી? અરિજિત સિંઘ હાલના સમયનો સૌથી સફળ ગાયક આવી જ રીતે એક રિયાલિટી શોમાં ગયો અને તેને ટોપ ૧૦માં પણ ના લેવામાં આવ્યો અને એ જ શોનો વિજેતા ગાયક કાઝી તૌકીર જેનું નામ લગભગ આજે ઘણા બધા મારા આ લેખ થકી પહેલી વાર સાંભળશે.
શ્રી કૃષ્ણએ જે વાત કહી ફળની ચિંતા ના કરો, તે હકીકતે એકદમ વ્યવહારુ વાત છે પરંતુ આજના આ યુગમાં વ્યવહારુ વાતો ફક્ત સારા સારા વક્તાઓના મોઢે સાંભળવી જ ગમે છે અનુસરવી નહીં. શું ક્યારેય એક કે બે વર્ષના બાળકને ચાલતા શિખતા નિરખીને જોયું છે? તે જ્યારે શીખતું હશે ત્યારે કેટલી વખત એ પડતું હશે, અથડાતું હશે છતાં પાછું ઊભું થઈને ચાલવાની શરૂઆત કરે છે કારણ કે એ બાળકના મનમાં પરિણામનો લેશમાત્ર પણ ડર નથી. તે તેની મસ્તીમાં ચાલતા શીખે છે, બસ એ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એને ચાલતા તો આવડી ગયું હોય છે પરંતુ તેને વાતે વાતે ટકોરવામાં આવે છે કે આમ કરજે તો આમ પરિણામ મળશે એટલે એ ચાલતા શિખેલું બાળક પણ પરિણામના ભયમાં અપંગ જેવું અનુભવ કરે છે.
પરિણામ વિશે વિચાર આવે કારણ કે પરિણામ એ અપેક્ષા સાથે ખૂબ જ ગાઢ સંબંધથી જોડાયેલું છે એટલે સ્વભાવિક છે કે જીવનની કોઈ પણ પરીક્ષા બાદ પરિણામ સારું આવવાની અપેક્ષા રહેવાની જ. પરિણામની ચિંતા ફક્ત બાળકોને જ પજવે છે તેવું નથી, ચુંટણી વખતે ભલભલા બાહુબલી નેતાઓના પરિણામના ડરથી પરસેવા છૂટતા જોયા છે. પહેલવાનીની સ્પર્ધામાં ભાગ લીધેલ પહેલવાન પણ ભલે ગમે તેટલું શક્તિપ્રદર્શન કરી બતાવે પણ જ્યારે પરિણામ જાહેર થતું હોય તો એ પહેલવાનનું મન પણ બોહાતું જોવા મળે છે.
ઘણી બધી ફિલ્મો, ગીતો, જાહેરાતો બાળકના પરીક્ષાના પરિણામને લઈને બનાવવામાં આવે છે. સોશિયલ મિડિયાના માધ્યમથી દરેક યુવાનોને પરિણામની વાત પર ચિંતા ના કરવી તેવા મેસેજ મોકલવામાં આવે છે, દરેક વ્યક્તિ સમજે પણ છે પરંતુ આજે પણ પરિણામના ડરથી સૌથી વધુ આત્મહત્યાના બનાવો આપણાં દેશમાં થાય છે. ખૂબ જ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વાતને આપણે સમજવાની કોશિશ કરીએ તો પરિણામ શબ્દ અનેક અપેક્ષાઓને જન્મ આપે છે, અને એ યુવાન એ અપેક્ષાના ભારને જીલી નથી શકતો અને અંતે આત્મહત્યા જેવું ઘાતક પગલું લઈ બેઠે છે. મારા યુવા મિત્રો પરિણામ એ માત્ર એક પગથિયું છે જે તમને આગળ ચડવા માટે એક સાધન તરીકે કામ લાગે છે.
અપેક્ષાઓનો કોઈ જ અંત નથી આવવાનો, ના તો કોઈ દિવસ પરિણામનો ડર ઓછો થવાનો છે. આ ગહન સમસ્યાને ખૂબ જ માવજતથી દૂર કરવા માટે એક જ રામબાણ ઉપાય છે, જે કાઇ પણ સમસ્યા છે તેની ખૂલીને ચર્ચા કરવી. જે વ્યક્તિ પરિણામને લઈને ખૂબ જ ગંભીર છે તેની સાથે સમય લઈને વધુ વાત કરવી અને સમજાવવાની કોશિશ કરવી કે એક પરિણામના કારણે ના તો જીવન ખૂબ જ સુખી થઈ શકે છે ના તો ખૂબ જ દુ:ખી. આપણી પાસે અઢળક ઉદાહરણો છે એવા વ્યક્તિઓના કે જે પરિણામથીઆગળ નથી આવ્યા પરંતુ એ ઉદાહરણો ફક્ત તમને થોડા સમય માટે પ્રેરિત કરી શકશે સાચી સફળતા ત્યારે જ દેખાશે જ્યારે માણસ પોતે ખુદ એ ઉદાહરણોમાં શામિલ નહીં થાય.
હા પણ એ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે એ ઉદાહરણ બનવા માટે પાછું એમ ના ધારીને બેસી જવું કે જો હું એ ઉદાહરણ બીજા માટે ના બની શક્યો તો હું અસફળ.
મહાન ફિલોસોફર સોક્રેટિસે કહ્યું છે કે, “આ દુનિયામાં કોઈ જ અસફળ નથી, તમે મનુષ્ય અવતાર તરીકે જન્મ લીધો છે એ જ તમારી સૌથી મોટી સફળતા છે.”
તો અંતે પાછા આપણાં ઇષ્ટદેવ શ્રી કૃષ્ણનાં એ શબ્દોને મનમાં વસાવી લઈએ, “તું કર્મ કરે જા ફળની ચિંતા ના કર.”
સુનિલ ગોહિલ ‘માસ્તર’
Related