શ્રીમદ ભગવદ્દ ગીતાનો અર્ક “મનુષ્ય તું માત્ર કર્મ કર પરિણામની આશા ના કર” એ તો કદાચ આપણે સહુ ઓળીઘોળીને પી ગયા છીએ. પણ જરા હૃદયપર હાથ મૂકીને કહો કે આ અર્ક આપણા માંથી કેટલાને ગળે ઉતર્યો છે???
કર્મ હોય કે ધર્મ આપણને દરેકમાં આપણું ઇચ્છીત પરિણામ જ જોઈએ છીએ. આપણી ઈચ્છા મુજબનું. અને જો ઈચ્છા મુજબનું પરિણામ ના મળે એટલે આપણા કર્મ અને ધર્મ બંને એક જાટકે બદલાય જાય છે.
આપણી જિંદગી એક એવી પ્રયોગશાળા છે, જ્યાં કાયમ નવા નવા પ્રયોગો થતા રહેતાં હોય છે અને પ્રયોગો નવા હોય એટલે પરિણામ પણ કદાચ અપેક્ષિત ના જ મળે.જિંદગી નામનું પ્રશ્નપેપર ભલે બધાનું એક સરખું હોય પણ અંતે દરેકને મળતું પરિણામ અલગ અલગ જ હોવાનું કદાચ “પોતાની આવડત મુજબનું” .
કોઈ કર્મ કરતા પહેલાં એનું પરિણામ શું આવશે એ જ પ્રથમ વિચાર મનમાં સ્ફુરે એટલે પરિણામની ગણતરીઓમાં આપણે એટલા અટવાયે કે કર્મનો મુખ્ય ઉદ્દેશ બાજુ પર જ રહી જાય.
અને ઇચ્છિત પરિણામ મેળવવા માટે વ્યક્તિ નવા નવા તુત, ટોટકા ,તીગડમ અજમાવ્યા કરે પણ યોગ્ય દિશામાં પુરુષાર્થ કરવાનું ચુકી જાય.ઇચ્છીત પરિણામ ઝંખવું કોઈ ગુનો નથી પણ જ્યાં સુધી તાલ બદ્ધ અને સતત પ્રયાસ નહીં કરો અને સતત એ દિશામાં તમારું મનોબળ નહીં લગાડો ત્યાં સુધી મનોવાંછિત પરિણામ નહીં મેળવી શકો.
જિંદગી જે પરિણામ આપે એને સ્વીકારીને આગળ વધવાનું હોય છે પણ આપણે તો જિંદગી જ પરિણામ આધારિત ગોઠવી દઈએ છીએ.બાળક શાળાએ જઈને જે કઈ સિદ્ધિ મેળવે એના પર જ એના સમગ્ર જીવનનો આધાર ગોઠવી દઈએ છીએ.એક પરિણામ પાછળ એ બાળકની ઈચ્છાઓની કે એની મરજીની કોઈ કિંમત રહેતી જ નથી એને મળેલ શૈક્ષણિક પરિણામ જ એના સમગ્ર જીવનનું પરિણામ બનાવી દઈએ છીએ. એની ઈચ્છાઓ બાજુ પર રાખીને કહી દેવાતું હોય છે કે તારે આટલા માર્ક્સ છે તો તારે આ જ વિષયમાં આગળ વધવાનું છે એવો હુકુમ આપી દેતાં હોઈએ છીએ.અને આપણી આ મૂલવણીનું પરિણામ એના સમગ્ર જીવન પર મોટાભાગે અંધકાર બનીને છવાઈ જાય છે.બસ, ખાલી એટલું વિચારી જુઓ કે, બાળકના શૈક્ષણિક મૂલ્યાંકન એના સમગ્ર જીવનનું પરિણામ બનાવી દેવું એ વ્યાજબી છે?
જીવનમાં પ્રાપ્ત થતી સફળતા અને નિષ્ફળતા પોતાની સાથે ઘણા સારા નરસાં પરિણામ લાવે છે.સફળતામાં મળતી સિદ્ધિઓ અને નિષ્ફળતા સમયે મળતા અનુભવોને જીવનમાંહમેંશા યાદ રાખો પણ એને જ અંતિમ પરિણામ માનવાની ભૂલ ના કરો.
જીવનમાં એવા કર્મો કરીએ જે ઉત્કૃષ્ટ પરિણામ આપે પણ કર્મનો ઉત્કૃષ્ટ ઉદ્દેશ અને સારી આવડત ઉત્તમ પરિણામ જરૂર આપશે…
રેખા મણવર
Related