પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. શું તમે એનાથી પરિચિત છો? શું તમને એ પાઠશાળામાં ભણવાની ઈચ્છા ખરી? શું તમારે પરમાત્માની પાઠશાળાના વિદ્યાર્થી બનવું છે? પરમાત્માની પાઠશાળા એટલે આ પ્રકૃતિ કે જ્યાં આપણી શરૂવાતથી જ હયાતિ છે પરંતુ આપણે એને પાઠશાળા તરીકે સ્વીકારી નથી.. જે સતત અવિરત આપણને કશુક શીખવે છે પણ કમનસીબે આપણે સમજી શકતા નથી. એક દિવસ અમારી બાજુમાં રહેતા એક શિક્ષિકા બહેને મને પૂછ્યું કે તમે લેખિકા છો એટલે કદાચ તમે મને વધુ સારું માર્ગદર્શન આપી શકો કેમ કે મારે વિદ્યાર્થીઓને એક નિબંધ પર લખાણકાર્ય કરાવવાનું છે. જેનો વિષય છે દુનિયામાં અસ્તિત્વ ધરાવતા પાલતુ પ્રાણીઓ આપણને શું શીખવે છે અથવા સૃષ્ટિના પ્રાણીજગત પાસેથી આપણે શું શીખી શકીએ. એ વખતે તો મેં એમની સાથે અંગત ઉતાવળને કારણે પાંચ-સાત મિનિટ શું કરી શકાય એ વિષય પર ટૂંકી ચર્ચા કરી અને વધુ વિસ્તૃત વાત શક્ય ન બની. પરંતુ ઘરે આવીને મે આ વિષય પર ઊંડું મનોમંથન કર્યું તો મને અહેસાસ થયો કે માત્ર પ્રાણીજગત જ નહિ પ્રકૃતિના દરેક તત્વ પાસેથી સમગ્ર જીવસૃષ્ટિ પાસેથી આપણે ઘણું શીખી શકીએ પરંતુ શરત છે કે શીખવાની ધગશ હોવી જોઈએ, જીવનમાં ઈચ્છા કે તમન્ના હોય તો પ્રકૃતિના દરેક તત્વ પાસેથી ઘણું શીખી શકાય. દરેક બાબતમાં નિયમ એક જ છે “મન હોય તો માળવે જવાય”.
પરમાત્માની આ વિશાળ પ્રકૃતિ એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા જીવનમાં અનેક બોધપાઠ મેળવી શકાય. પરમાત્માએ રચેલા પ્રાણીઓ જ નહીં પ્રકૃતિના દરેક તત્વો પાસે ઘણું શીખવા જેવુ છે. પરંતુ એ માટે અસ્તિત્વના દરેક તત્વને ઓળખવા પડે, સમજવા પડે, સૂક્ષ્મ અવલોકન કરવું પડે, એમની સાથે રહેવું પડે અને તે સાથે શીખવાની ધગસ પણ રાખવી પડે. પરમાત્માની આ પ્રકૃતિ એક વિશાળ અધ્યતન અદભુત પાઠશાળા છે જેનું દરેક તત્વ દરેક સર્જન આપણને કંઈક મેસેજ આપે છે પરંતુ શરત એ છે કે આપણામાં ઉત્તમ વિદ્યાર્થી તરીકેના ગુણો હોવા જોઈએ અને દરેક ક્ષણે કંઈક નવું શીખવાની તમન્ના સક્રિય હોવી જોઈએ. વર્ષો વર્ષના સ્કૂલ કોલેજના અભ્યાસ દ્વારા જે કદાચ શીખવું અશક્ય હોય એ ખૂબ સરળતાથી પ્રકૃતિના તત્વો દ્વારા જાણી શકાય એટલા માટે તો ગુરુ દત્તાત્રેયના જે ચોવીસ ગુરુ હતા તે બીજા કોઈ નહીં પરંતુ પ્રકૃતિના જુદા-જુદા તત્વો કે જીવો હતા. જેનામાં જે સદગુણ દેખાય તેના એ ગુણને ગુરુ માની સ્વીકારી લેવો જોઇએ એવું ગુરુદત્તાત્રેયની કથા જણાવે છે. ગુરુદત્તાત્રેયના ચોવીસ ગુરુમાં ધરતી, જળ, વાયુ, અગ્નિ, ઈયળ, ભમરો, ચંદ્ર, સૂર્ય, અજગર, સમુંદ્ર, પતંગિયું, હાથી, મધમાખી, હરણ, માછલી, વેશ્યા, ટીટોડી, બાળક, કુંવારી કન્યા, લુહાર, સર્પ, કરોળિયો વગેરે હતા.
પ્રકૃતિનું દરેક તત્વ વિશિષ્ઠ ગુણ ધરાવે છે અને પ્રકૃતિના દરેક તત્વના આવા વિશિષ્ટ ગુણ દ્વારા જ ગુરુદતાત્રેયે જ્ઞાન મેળવેલું. જેમ કે ધરતી પાસેથી એમણે બોધ મેળવેલો “કમ ખાવ ગમ ખાવ”. ધરતીમાં આપણે થોડા જ દાણા નાખીએ છીએ કેમ કે વધુની એને જરૂરિયાત નથી અને થોડાનું તે આપણને અનેકગણું કરી આપે છે વળી ધરતીની સહનશક્તિ અસીમ છે, તમામ ઘાવ તે સહજતાથી સહન કરી લે છે. આમ ધરતી ઓછું ખાઈ વિશેષ સહન કરે છે. હવે જેને શીખવું જ છે તે તો માત્ર ધરતીના સૂક્ષ્મ અવલોકન દ્વારા જ આટલો ઉત્તમ પદાર્થપાઠ મેળવી શકે. એ તો સર્વવિદિત છે કે કમ ખાનાર અને ગમ ખાનારનું તન અને મન હંમેશા સ્વસ્થ અને શાંત રહે છે. આમ ધરતી પાસેથી આપણે આવા ઉત્તમ પદાર્થપાઠ લઇ શકીએ જો શીખવાની ધગશ અને અવલોકનની સૂક્ષ્મ અને વિશિષ્ઠ દ્રષ્ટિ હોય. એવી જ રીતે જળ બોધ આપે છે શીતળતા અને મધુરતાનો. જળ જેટલી શીતળતા અને મધુરતા પ્રકૃતિમાં ભાગ્યે જ જોવા મળે છે, જો શીખવું જ હોય તો જળ પાસે આ બે ઉમદા ગુણો શીખી શકાય. વળી એ કહેવાની કોઈ આવશ્યકતા નથી કે મનુષ્યજીવનમાં શીતળતા અને મધુરતાની કેટલી વેલ્યુ છે. પ્રકૃતિનું ત્રીજું તત્વ છે વાયુ જે શીખવાડે છે સુગંધ અને દુર્ગંધ બન્ને છોડીને સંપૂર્ણપણે મુક્ત થવાનું એટલે કે માન અને અપમાન જેવા દ્વંદમાંથી મુક્ત થવાનો અમૂલ્ય મેસેજ આપે છે. વાયુ હંમેશા એની મસ્તીમાં નિજાનંદમાં ગગનમાં ઉડે છે ના એ સુંગંધનો મોહ રાખે છે ના દર્ગંધ પ્રત્યે અણગમો. એ તો બંનેને સહજતાથી છોડી સ્વગગનમાં માત્ર મુક્ત વિહાર કરે છે એવું આપણે પણ કરી શકીએ અને જીવનનો સાચો આનંદ લઇ શકીએ. એવી જ રીતે અગ્નિ બોધ આપે છે પવિત્રતાનો. અગ્નિ પવિત્રતાનું પ્રતિક છે, એના જેટલું પવિત્ર તત્વ બીજું શોધે જડે એમ નથી. અગ્નિ પોતે તો પવિત્ર છે પણ એના સંપર્કમાં આવવાવાળાને પણ પવિત્ર કરે છે. આવો સાત્વિક ગુણ અગ્નિ પાસે અવશ્ય શીખી શકાય. પ્રકૃતિનું પાંચમું તત્વ આકાશ વિશાળતાનો પદાર્થપાઠ આપે છે. ટૂંકમાં જેને શીખવું છે એના માટે સમગ્ર પ્રકૃતિ પાઠશાળાની ગરજ સારે છે. પરંતુ જેનામાં અવલોકનની દ્રષ્ટિ નથી અને શીખવાની તમન્ના નથી તેને જગતનો કોઈ ગુરુ કશું જ શીખવી શકતો નથી.
ઈશ્વરની પ્રકૃતિનું અન્ય તત્વ સમુદ્ર પણ આપણને એક વિશ્ષ્ઠ બોધપાઠ આપે છે કે જીવનમાં કદી છલકાવું નહીં કે છીછરા પણ બનવું નહીં અને પોતાની મર્યાદા ક્યારેય ઓળંગવી નહીં. આપણે જાણીએ છીએ સમુન્દ્ર પોતાની મર્યાદા ક્યારેય ઓળંગતો નથી, વળી અમર્યાદિત પાણીનો પુરવઠો પોતાનામાં સમાવી લેવા છતાં ક્યારેય છલકાતો નથી કે કદાપિ વર્તનથી છીછરો બનતો નથી. પોતાની ગહેરાઈ અને ઊંડાઈ જાળવી રાખે છે. શું દુનિયાનો કોઈ ગુરુ આવા ઉમદા ગુણો આટલી સરળતાથી શીખવી શકે ખરો જેટલી સરળતાથી ઈશ્વરની પ્રકૃતિ શીખવાડે છે? આપણા જીવનમાં મોટા ભાગના પ્રશ્નો કે સમસ્યા મર્યાદા ઓળંગવાથી અથવા છીછરા બનાવથી જ સર્જાતી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. થોડું વધારે મળતા આપણે એટલા છ્ક્કી જઈએ છીએ એટલા છલકાઈ જઈએ છીએ કે અનેક વણમાંગી મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. એના બદલે જો સમુન્દ્ર જેવી જ્ઞાનની ગહેરાઈ અને ઊંડાઈ જાળવી રાખીએ તો જીવનને ઉન્નત બનતા વાર ન લાગે.ચંદ્રની પાસે ક્ષમતા શીખવાની છે કેમ કે વૃદ્ધિ કે હાસ દરેક અવસ્થામાં તે સ્થિર રહે છે. વાસ્તવમાં સર્વ અવસ્થા શરીરની છે, આત્માની નહીં. જેથી સ્થિર રહેવું જોઈએ આવું જ્ઞાન અને ક્ષમતા ચંદ્ર પાસેથી શીખવા મળે છે. સૂર્ય શીખવાડે છે પરોપકારી બનવાનું અને અભિમાનથી મુક્ત થવાનું. સમગ્ર જીવસૃષ્ટિ સુર્યપ્રકાશ પર અવલંબિત છે છતાં એનો ગર્વ કે અભિમાન ક્યારેય સૂર્ય કરતો નથી શું એવા આપણે ન બની શકીએ? સતત આપવાની ભાવના રાખવા વાળા સૂર્ય સમાન પરોપકારી બનવાની શીખ સૂર્ય પાસે ન લઇ શકાય?
પ્રકૃતિની પ્રાણીસૃષ્ટિ દ્વારા પણ ઘણું શીખી શકાય જેમ કે ઈયળ બોધ આપે છે કે સતત ચિંતન કરતા જીવ બ્રહ્મરૂપ બને છે. ભમરો સમજાવે છે કે સંસાર કમળ જેવો છે અને જીવ તેમાં ફસાયેલો છે જેમાંથી એણે ઈશ્વરકૃપા અને પુરુષાર્થ દ્વારા છૂટવાનું છે. અજગર શીખવાડે છે પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં સંતોષ માનવો. તમે અજગરનું નિરીક્ષણ કર્યું હશે તો ખબર હશે એને એક વાર ખોરાક મળી જાય પછી ઘણા સમય સુધી તે એક જગ્યાએ પડ્યો રહે છે. વધારે મેળવવાની અપેક્ષા કરતો નથી. ખૂબ સંતોષથી જીવે છે. એવો સંતોષ જો આપણા જીવનમાં આવી જાય તો જીવનને સ્વર્ગ સમાન બનતા કોઈ રોકી ન શકે. અતિશય અસંતોષ આપણને જીવનભર દોડાવે છે અને થકવી નાંખે છે. જેના ચક્કરમાં જીવવાનું જ ભૂલી જવાય છે અને વાત સમજાય ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે અને જીવન હાથમાંથી સરી ગયું હોય છે. એવી જ રીતે પતંગિયા પાસે પણ મોહનાશ જેવા ઉમદા ગુણને પામી શકાય. પતંગિયું આપણને શીખવાડે છે કે કદી સંસારના મોહમાં પડી સર્વનાશ વહોરવો નહીં. તમે જોયું હશે રોશનીના મોહમાં પડી પતંગિયું પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. એનો પ્રકાશ તરફનો મોહ કે રોશની તરફનું આકર્ષણ તેના મોતનું કારણ બને છે. બિલકુલ એ જ રીતે આ માયામયી સંસારનો મોહ આપણા વિનાશનું કારણ બને છે. આમ પતંગિયું આપણને શીખવાડે છે કે કદી સંસારના મોહમાં પડી પોતાના અસ્તિત્વનો સર્વનાશ કરવો નહીં. કહેવાય છે હાથી સમગ્ર પ્રાણીસૃષ્ટિનું સૌથી કામી પ્રાણી છે. તે કામસુખની ઈચ્છામાં સ્પર્શની લાલચમાં પોતાનો વિનાશ વહોરે છે. જેનું સૂક્ષ્મ નિરીક્ષણ આપણને શીખવાડે છે કે કોઈ લાલચમાં કદાપિ ફસાવું નહિ. સ્પર્શસુખ કે કામસુખની લાલચ બૂરી બલા છે એમાં કદાપિ ફસાવું નહિ કેમ કે તે જીવનને સમસ્યાઓથી ભરી મુકે છે. મધમાખીના ઉદાહરણ દ્વારા પણ પદાર્થપાઠ લેવાનો છે કે સંગ્રહ કદાપિ કરવો નહીં, સંગ્રહ કરવાથી ચીજોનો અને સ્વનો બંનેનો નાશ થાય છે. તમે જોયું હશે મધમાખીએ કરેલા સતત સંગ્રહરૂપ મધને અન્ય લોકો મધમાખીના વિનાશ દ્વારા મેળવે છે. મનુષ્ય જગતનો ઈતિહાસ જોતા જણાશે કે જયારે વધુ ધન કોઈ એક દેશ જગ્યા કે વ્યક્તિ પાસે એકત્ર થાય ત્યારે અન્ય લોકોનું ધ્યાન એ તરફ જાય છે અને તેને પચાવી લેવાના કીમિયા ઘડાય છે અને ઘણીવાર એ દ્વારા વિનાશ સર્જાય છે. એક સમયે ભારત “સોને કી ચીડિયા” ગણાતું એટલે જ તો જગતભરમાંથી આપણા પર અનેક આક્રમણ થયેલા. જેણે સમગ્ર દેશને લગભગ ખતમ કરી નાખેલો. એ જ રીતે હરણ શીખવાડે છે કે ગીત, સંગીત અને નૃત્યના મોહમાં પડવું નહીં. કેમ કે હરણ સંગીત અને નૃત્યના મોહમાં ફસાઈ જાય છે. માછલી શીખવાડે છે કે જીભના અને સ્વાદના મોહમાં મોતને આમંત્રણ આપવું નહીં. માછલી જીભ અને સ્વાદ પર નિયત્રણ નથી કરી શકતી અને કાંટામાં ફસાયેલ ખોરાક લેવા જતા મૃત્યુને આમંત્રણ આપી બેસે છે. કૂતરો વફાદારીના પાઠ પઢાવે છે. વૈશ્યાના ઉદાહરણ દ્વારા બોધપાઠ મળે છે કે કોઈ માણસ માટે આખી રાત જાગવા કરતા પ્રભુ માટે જાગવું વધુ કલ્યાણકારી છે. ટીટોડી બોધપાઠ આપે છે કે પરિગ્રહ (સંગ્રહ)નો ત્યાગ હંમેશા સુખદાયિ નીવડે છે. બાળક નિર્દોષતાના પાઠ શીખવાડે છે. કુવારી કન્યા સમજાવે છે કે વસ્તીમાં રહેવાથી કજિયો-કંકાસ વધે છે, તેથી એકાંતવાસ સેવવો જોઈએ. કુવારી કન્યા ચારિત્ર અને virginity ના પાઠ શીખવે છે. લુહાર એકાગ્રતા શીખવાડે છે. સર્પ એકલા રહેતા અને એકલા ફરતા શીખવાડે છે. કરોળીયો બોધપાઠ આપે છે કે જેમ તે પોતાની લાળથી જાળું બનાવે છે અને જરુર પડે તેને પોતાનામાં પાછું સમાવી લે છે તેમ ઈશ્વર પોતાની માયાથી જ સંસારનું સર્જન અને સંહાર કરે છે. જેથી દરેક પરિસ્થિતિમાં સાક્ષીભાવમાં જીવતા શીખવું જોઈએ.
જેને શીખવું છે તે દુનિયામાં હર ક્ષણે પ્રકૃતિના દરેક તત્વ કે જીવ પાસે શીખી શકે છે, એક સમળી મોઢામાં માછલી લઈ જતી હતી તે જોઈ બીજા અનેક કાગડા અને સમળીના ટોળા તેની પાછળ પડ્યા, ચાંચથી બચકા ભરી તેને મૂંઝવી હેરાન કરવા લાગ્યા. સમય અને પરિસ્થિતિની નજાકતતા સમજી તે માછલું ચાંચમાંથી છોડી એક ઝાડ પર જઈ શાંતિથી બેસી ગઈ અને તમામ ઉપાધિથી બચી ગઈ. આપણે જો ઉપાધિમાંથી બચવા માગતા હોઈએ તો ઉપાધિને ફેકી દેવાય તો જ સંસારમાં શાંતિથી જીવી શકાય, નહીં તો ભારે દુઃખ વેઠવું પડે. કોઈ બગલાને માછલીનો શિકાર કરતા જો તમે જોયો હોય તો અવશ્ય તેની પાસે એકાગ્રતા શીખી શકાય કે જેને અન્યત્ર બીજું કશું દેખાય જ નહીં મધમાખીનું ઉદાહરણ સમજાવે અતિ સંચય (ધનસંગ્રહ) નું પરિણામ શું હોઈ શકે? મધમાખી અતિ મહેનતથી મધ ભેગું કરે પરંતુ તેનો લાભ કે આનંદ કદાપી ભોગવી શકતી નથી. તમે જો કોઈ પક્ષીને માળો બનાવતા જોયા હોય તો ખબર હશે કે ગમે તેટલી વાર કોઈ એને ફેકી દે કે વાવાજોડામાં તૂટી જાય એ ફરી એ જ ધગશથી અને કંટાળા વગર બનવાનું શરુ કરી દે, હારે નહિ કે થાકે નહિ. શું મુશ્કેલી સામે કેવી રીતે લડાય અને મનોબળ કેવું રખાય તે આવા પક્ષીઓ પાસે ન શીખી શકાય?
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે ૧) સુપડા જેવા અને ૨) ચારણી જેવા. સુપડું ફોતરાં કાંકરા જેવી નકામી ચીજ ફેંકી દે છે અને સારવસ્તુ એટલે કે ઉત્તમ દાણાને પોતાની અંદર રહેવા દે છે જ્યારે ચારણી સારવસ્તુને કાઢી નાખી અસારવસ્તુ ધૂળ-કાકરાને પોતાની અંદર રાખે છે. આપણે નિત્ય જીવનમાં શું કરીએ છીએ તેના અભ્યાસ દ્વારા આપણે કયા પ્રકારમાં આવીએ છીએ તેનો નિષ્કર્ષ કાઢી શકીએ. સંસારની અસારવસ્તુ એટલે કામ-કાંચન વગેરેને દૂર કરી ઈશ્વર સમાન સારવસ્તુને જે ગ્રહણ કરે તે શાણો વિવેકી અને જ્ઞાની ગણાય. માછણને સડેલી માછલીની દુર્ગંધ પાસે જ ઊંઘ આવે, તેને ઉત્તમ ફૂલોની સુવાસ કદાપિ સરખી રીતે ઊંઘવા દે નહીં, એ રીતે વિષયી લોકોના મન છાણના કીડા સમાન હોય છે. એને છાણમાં જ મજા આવે કમળની અંદર બેસાડીએ તો તરફડીને મરી જાય. જેમ મગર ઉપર હથિયારનો ઘા કરીએ તો તેને કોઈ અસર થતી નથી તેમ માયામાં બંધાયેલ જીવને ધર્મની વાત ગળે ઉતરતી નથી. નિર્જીવ એવા ઘડા પાસે પણ ઘણું શીખવા જેવું છે કે જેમ જેમ ભરાતા જઈએ તેમ તેમ શાંત થતા જવું જોઈએ. ખાલી ઘડો જેટલો અવાજ કરે તેટલો ભરેલો કદી કરતો નથી એ આપણે સૌ જાણીએ છીએ.
ટૂંકમાં ઈશ્વરના સામ્રાજ્યની દરેક સજીવ નિર્જીવ ચીજવસ્તુ પાસેથી જેને શીખવું છે તે અવશ્ય ઘણું શીખી શકે છે અને જેની પાસેથી કંઈ પણ શીખાય તે ગુરુ સમાન છે. શાસ્ત્રો કહે છે ગુરુ તો એક જ હોય પરંતુ ઉપગુરુ અનેક હોઈ શકે. ગુરુદત્તાત્રેયના 24 ઉપગુરુ હતા. એ સર્વે પ્રકૃતિના તત્વો જ હતા. ઈશ્વરે આપણને આ સંસારમાં ચોક્કસ ઉદ્દેશ્ય સાથે મોકલ્યા છે અને તે છે ઈશ્વરની માયાને જાણવી. કારણકે સત્ય જાણવાથી વિષયવાસના છૂટે છે. ઈશ્વરનું સાચું સ્વરૂપ જયારે સમજાય છે ત્યારે વિષયો પર વૈરાગ્ય જન્મે છે અને જીવનમુક્તિ (સંસાર મુક્તિ- દુઃખમુક્તિ) શક્ય બને છે. એટલે જ કહેવાય છે “જીવન તો જાણવાની ચીજ છે માણવાની નહીં” જે જાણી લે છે તે મુક્તતામાં વિહાર કરે છે. પ્રકૃતિને જાણી લેનાર જ્ઞાની સંસારમાં પણ પરમાનંદ ભોગવે છે. આપણે પણ પરમાત્માની આ પ્રાકૃતિક પાઠશાળામાંથી ડીસટીંગસન સાથે પાસ થઈએ તો મુક્તિ અને આનંદ (સચિદાનંદ) દૂર નથી. બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે જ પરમાત્માએ પ્રકૃતિરુપી પાઠશાળા બનાવી છે અને આપણને એમાં શીખવા અને જાણવા માટે મોકલ્યા છે. જેથી મૂઢની જેમ યાત્રાને (ફેરાને) વ્યર્થ ન કરીએ તો ઘણું પામી શકીએ. જેને શીખવું છે તેને દરેક જગ્યાએ ગુરુ મળી જાય છે અને તે જીવનના ઉમદા બોધપાઠ દરેક પાસેથી મેળવી જ લે છે. પરંતુ જેને શીખવાની તમન્ના જ નથી તેને ગમે તેટલું સમજાવો ગમે તેટલા ઉત્તમ શ્રેષ્ઠ ગુરુ કરી આપો તે કદાપિ શીખી શકતો નથી.
ઈશ્વરે મનુષ્યને આપેલી અદભૂત ભેટ એટલે મન અને બુધ્ધિ તેનો જે શ્રેષ્ઠ ઉપયોગ કરે તે પળે-પળ પ્રકૃતિના દરેક તત્વો પાસેથી ઘણું બધુ શીખી શકે છે જે હેતુસર જ આપણને મન અને બુદ્ધિ મળી છે જે અન્ય જીવ પાસે નથી. જે મનુષ્ય પરમાત્માની અધ્યતન પાઠશાળામાથી કશું નથી શીખતો તે દુનિયાની કોઈ સ્કૂલ કે કોલેજમાથી ક્યારેય કશું પામી શકતો નથી. ઈશ્વરે મનુષ્યજીવન આપ્યું છે જ કઈક શીખવા અને એ દ્વારા ઈશ્વરને ઓળખવા માટે. જે હેતુસર જ ઈશ્વરે અનંતતા જીવોથી ઠસોઠસ એવા વૈવિધ્યસભર સુંદર સંસારની રચના કરી છે કે જેના પરિભ્રમણ દ્વારા જીવ પરમાત્માની પ્રકૃતિને ઓળખી સ્વઅનુભવ દ્વારા અંતે પરમાત્માને ઓળખી અને પામી શકે. તો આવો આજથી જ પરમાત્માની પાઠશાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ અને ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થઈએ.
~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ