પુરૂં નામ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ. આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ નામની સંસ્થાની સ્થાપના. ૧૯૩૮માં આંબલા (સોનગઢ) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ‘ગ્રામ દક્ષિણામૂર્તિ’ નામની લોકશાળાની સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ જન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં શિક્ષણમંત્રી. તેઓ આઝાદીના લડવૈયા પણ હતા. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચ કેળવણીની સંસ્થા લોકભારતી(સણોસરા)ની સ્થાપના. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’નો ખીતાબ. લોકભારતી, પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ તેમ જ કેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એમનું મહત્ત્વનું પ્રદાન છે. સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય તેમના લખાણોની વિશેષતા છે. એમની પાસેથી નિખાલસ અને નિર્ભીક આત્મકથા ‘ઘડતર અને ચણતર’ મળી છે. સણોસરા ખાતે તા. 31.12.1961 નાં દિવસે તેમનું અવસાન થયું. ભાવવંદન
~ Mansi Desai