પ્રભુ ધામમાં વસતી મારી દિવંગત માને પત્ર પ્રભુના સરનામે.
દેવ લોકમાં
પ્રભુ સાનિધ્યમાં
પરમસુખ શાંતિ સ્થાન માં
પરમ પદ ધામમાં
મારી પ્રિય મા,
મા તારી ખોટનાં શબ્દો મારા હૈયા માંથી વહી સતત
આંખથી અશ્રુ ધારે વહે છે.
એ તારા ચરણ માં અંજલી રુપે જાણજે. તું પરમ પદ પામી આ જગતની માયાથી છૂટી ગઈ પણ અમારું શું?
તેં અમને જન્મ આપી બધીજ ફરજો પૂરી પાડી. અરે સુખ અમને આપ્યું ને તું કાયમ દુઃખ સહન કરતી રહી. કાયમ હસી ને તેં અમને સમજાવ્યા જગત રીતે ગજાવ્યા. તું ભલે અભણ હતી પણ અમને ભણાવવા કાયમ પ્રેરણા શ્રોત બની. ભીનાં માં સુઈ અમને કોરા માં સુવાડ્યા. ધન દોલત તેં અમારા પર વાપરી તેં કાયમ દુઃખ સહ્યું.
કદી કશું બોલી ના બસ અવિરત મમતા મૂરત બની મમતા માં અમને બાંધી રહી. તારો મેલો પાલવ હજી આંખ સામે તરવરે છે જે તેં અમારાં મોં લૂછેલાં, હાથ લૂછેલા અને અમને ગોબરા પણાં થી રૂડા કરતાં પાલવ ગંદો થતો પણ તું કાયમ હસતી મૂરત બની જગી.
અમારા જન્મથી જ દીકરી ની મા ત્રેવડ કરે એ અમે જોયેલું જાણેલું. તેથી ત્યાગ ની દેવી કહેવાઈ. બધી ફરજો પૂરી કરતાં તારું જીવન ક્યારે તેં ખર્ચી નાંખ્યું તેનુંતને કદી ધ્યાન ન આવ્યું. તું અભણ છતાં તારાં મુખે ગવાતાં ક્ષતિ ભર્યાં છતાં મીઠાં ભજનો સાંભળ્યા. અમે ભણેલાં છતાં ન શીખી શક્યાં. તારા પણાં ની વાતો કરતી રહું તો મારો સમય પણ પૂરો થઇ જાય તોય તારાપણું હું વર્ણવી ન શકું
આજે હું તને મારા હર કામ માં યાદ કરું છું તને દોડી ને ઘણું પૂછવાનું મન થાય પણ કોને પૂછું? મા વગરનું માવતર કેવું? હું જાણું છુંમા વગર મા નું ઘર છતાં ઘર ન ગમે, આંગણ સૂનું લાગે. ભીંતો ભેંકાર ભાસે. અરે હવે ત્યાં જવાં મન ને મારવું પડે છે. મા નથી ત્યાં માવતર મહીયર ની ગાંઠ છૂટી જાય છે પણ સ્મરણ કદી છૂટતાં નથી.
અહીં આ પત્ર પ્રભુ મારી માં ને વંચાવજો. એ ભણેલી નથી તો મારી મમતા મારી યાદ એને આપજો હર પલે યાદ કરતી કોકિલા નો આ સંદેશ સપ્રેમ પોચાડજો. પ્રભુ મને મારા પત્રનો જવાબ પણ જરૂર આપજો તમે તો દયાળુ મારી દયા જાણી મા એ લખાવેલો જવાબ આપજો. આપનાં હાથ નો પત્ર જોઈ મારી મા સાથે તમને પણ ચાહીશ કારણ અંતમાં મારે પણ તમારા ધામમાં જ આવવા નું છે એ હું જાણું છું.
મા લાગણીનું આંગણું
મઘ-મઘ થતું સંભારણું
તારા વિના છે તાપણું
બીડ્યું જ ભાસે બારણું
તારા વિના ટહુકા લણું
યાદો બધી હું ગણ ગણું
હૈયું થતું જો બટકણું.
છૂટ્યું હવે શું શું ચણું?
છાનાં પણે જીલું અણું
ના રે કશું સોહામણું.
સંબંધ ભાવે બસ વણું.
બસ પ્રભુ મારો પત્ર પૂરો કરું ને પતંગ બનાવી આભે પહોંચાડું છું તારા ભણી આવતાં પતંગ રુપી આ પત્રને લઇ લેજે. હું ફીરકી પકડી માંજે ચગાવેલી પત્ર રુપી પતંગની આવવાની રાહ જોઈશ જેમાં પ્રભુ એ લખેલ મારી માની વાત નો જવાબ માં હશે એ જ રાહ જોતી કાયમ માંજો ફીરકી પકડી ઊભી રહીશ પ્રભુ ઝટપટ દેજે જવાબ.
પ્રભુ ચરણમાં મારા નમસ્કાર જાણજે.
માના ચરણ માં મારા નમસ્કાર કહેજે પ્રભુ તું કાર થી તને મેં મારો ગણ્યો છે. ભૂલ હોય તો તારો બાળ જાણી ક્ષમા કરજે.
એ જ લિ. પૃથ્વી લોકથી તારું જ સર્જન પછી મારી માનું સર્જન એવી કોકિલા ની યાદ સાથે વારંવાર પ્રણામ.!!!!