તું મને રોજ તો નથી મળતી, પણ મારી વાતોમાં તારી વાત હું રોજ લખું છું. હું રોજ એક પત્ર તને લખું છું.
એ પત્રમાં, હું એ દરેક વાત લખું છું જે હું તને કહેવા માંગુ છું.
મારો દિવસ કેવો ગયો, કેવી રીતે મારા બોસે છેલ્લી ઘડીએ મને નવું કામ સોંપી દીધું, કેવી રીતે આજે મારા જમવામાં મોડું થઈ ગયું, આજે પણ દિવસ કેવી રીતે રાત થઈ ગયો અને મને ખબર પણ ના રહી, આજે એ સાંજની ચા કામના ચક્કરમાં ઠંડી થઈ ગઈ.
રાત પડતાં ચાંદ સાથે મારી વાતચિત, એ વિશે તને લખું છું.
મારી ઈચ્છાઓ, મારો અફસોસ, મારો ડર, મારી ખુશી, દરેક એ અનુભવ જે શબ્દોમાં નથી કહી શકતો એ પત્રમાં પિરોવી દવ છું.
અરે રે આ શું? હું પત્રમાં તારા વિશે પૂછતાં તો ભૂલી જ ગયો.
તને કેમ છે? શું આજે પણ તું અરીસામાં જોતાં ગભરાય છે? શું આજે પણ એકલાં રસ્તો ઓળંગતા ગભરાય છે? શું અંધારું હજી તને સતાવે છે? શું તારો ભૂતકાળ આજે પણ દસ્તક દઈ જાય છે? શું તું ખુશ છે? શું તું હજી થોડું થોડું જ હસે છે એ ડરથી કે તારી હંસી પર કોઇની નજર લાગી જાઈ? શું તું આજે પણ દરેક વાત ગૂગલ કરે છો કારણ કે તને હવે માણસો પર વિશ્વાસ નથી રહ્યો? શું તું આજે પણ ચા માં ખાંડ વધુ નાખે છે કારણ કે તને લાગે છે કે જીવનમાં મીઠાશ ઓછી ના થવી જોઈએ? શું તું આજે પણ મને યાદ કરે છે?
તને હું દરેક સવાલ કરીશ આ પત્રમાં જે હું તને રૂબરૂ પૂછી નથી શકતો પણ આ પત્રને હું ક્યારેય પોસ્ટ નહીં કરું. આ પત્ર પણ એ તમામ પત્રની જેમ મારા કબાટમાં દફન રહેશે કારણ કે હું ડરું છું, તારા જવાબોથી, તારા એ સવાલોથી જે તું મારા સવાલ પર કરીશ.
મારામાં નથી હિંમત તારા જવાબો સાંભળવાની એટલે હું તને પૂછતો નથી એ સવાલ, પરોવું છું વિચારોના ધાગામાં અને એટલે જ રોજ એક પત્ર તને લખું છું.
– સુનિલ ગોહિલ