પગની કુમાશ જાણે ખીલ્યાં ફૂલ ચમનમાં,
આંગળીઓ પતંગિયાઓની ઝૂલ ચમનમાં.
હું અવઢવમાં છું કે ઉતરશે ધરા પરે,
કે બસ આમ જ ખીલવાની ભૂલ ચમનમાં.
વેઢ વીંટી કાંબિયું ને રમજોડો પણ હસે,
ચાલતાં નહીં વાગતી હોય શૂલ ચમનમાં.
એ દ્રશ્ય જોવા કદાચ દેવો પણ આવી ચડે,
રૂમઝૂમમાં દિલ દરિયા ડૂલ ચમનમાં.
હું ધરા આભની ઊંચી અટારીએ જોયા કરું,
ઊંચા ડગ છે – વૃક્ષના ઊંડા મૂલ ચમનમાં.
અક્ષર આવા દ્રશ્યો તો હોય ભલે ને દુર્લભ,
રાહ જોઈ થાય બેસવાની ભૂલ ચમનમાં.
– દિનેશ નાયક “અક્ષર”