સૃષ્ટિનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને ‘મહામંત્ર’ પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર કરું છું. આ મહાદેવનો મહામંત્ર છે. સર્વમંત્રોનું બીજ પણ છે. આ મૂળમંત્ર છે. કોઈપણ જાતિ, જ્ઞાતિનાં માણસો માટેનો આ રામબાણ મંત્ર છે. આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે. આ મંત્રજાપથી શિવજી પ્રસન્ન થાય છે. રૂદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્રજાપથી શિવજીની પૂજા થાય છે.
આ મંત્ર પાંચ મહાભૂતો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. જગતગુરૂ શ્રી શંકરાચાર્યજીએ આ પ્રત્યેક અક્ષરનો અર્થ અને મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે :-
ૐ- બિંદુ યુક્ત એવો જે ઓંકાર- પ્રણવ કે ઇચ્છાઓના પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે. તેનું યોગીઓ નિરંતર ધ્યાન ધરે છે. તે ‘ઓંકાર’ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો !
ન- દેવોનાં ઇશ્વર શંકરને ઋષિઓ, દેવો અને મનુષ્યો પ્રણામ કરે છે. મોટા મોટા નાગોનાં હાર પહેરનારા, ત્રણ નેત્રોવાળા, ભસ્મોને અંગે લગાડનારા શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા શંકરને મારા નમસ્કાર હો.
મ- ગંગાનાં જળયુક્ત ચંદનને ચોપડનારા, નન્દીનાં ઇશ્વર, પ્રથમનાં સ્વામિ અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પો વડે પૂજન કરાયેલા એવા તે ‘મકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો :
શિ- કલ્યાણ સ્વરૂપ, પાર્વતીનાં વદનરૂપ કમળને ખીલવનારા, સુંદર સુર્યરૂપ, દક્ષનાં યજ્ઞનો નાશ કરનારા, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે. એવા ‘શકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો.
વા : વશિષ્ઠ, અગત્સ્ય, ગૌતમ વિગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ, અર્પણ કરેલી છે, એવાં અને ચંદ્ર, સુર્ય અને વૈશ્વાનર (અગ્નિ) રૂપ ત્રણ નેત્રોવાળા તે વકારાક્ષરને મારા નમસ્કાર હો.
ય- યક્ષસ્વરૂપ, જટાને ધારણ કરનારા, જેમનાં હાથમાં પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય, દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા યકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો.
‘ભગવાન શંકરનાં આ પવિત્ર એવા શ્રીમદ્ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ સાથે નિવાસ કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ જાપ કરવો, જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો. જાપ કરવા માટે આસન ઉપર બેસવું આસન કુશ અથવા ઉનનું હોય તો વધુ સારું. જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું. ચાલો આપણે મુખથી અને મનમાં રટણ કર્યા કરીએ. ૐ નમઃ શિવાય. મનમાં બોલાયેલો ઓમકાર પણ શરીરની તમામ ઇન્દ્રિયોમાં સ્પંદન જન્માવે છે તો ઓમકારનું રટણ શરીરનાં તમામ ચક્રોને જાગૃત કરવાનું કામ કરે છે. મનુષ્યે વહેલી સવારે ઊઠીને દેવનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને સદાશિવની સેવા કરવી. સાયંકાલે શિવમંદિર જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. નિષ્કામ મનુષ્યને ધર્મ વડે તેના પાલનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાનનો વિસ્તાર વધે છે અને તે વધુ તેજોમય બને છે.
~ દેસાઇ માનસી શાસ્ત્રો અનેરી