“માઈ, મારે મોટા નથી થવું. શું હું હંમેશા નાનો ન રહી શકું?”
સુંદર સૌમ્ય સીગલનું બચ્ચું ડરતા ડરતા બોલ્યું. તેની માતા ગુલ તેને ચાંચમાં ખોરાક આપી રહી હતી. બાળકો તેમના માળામાં હતા, અને પાપા સીગલ જાણતા હતા કે આ બાળક તેના અન્ય બે ભાઈ-બહેનો કરતાં ખાસ કરીને વધુ નાજુક હતો.
પાપા સીગલે હળવેથી ભયભીત પંખીડાને ધીમી અવાજમાં પૂછ્યું, “કેમ મારા લાડકા? શું તું કોઈ દિવસ આ માળો છોડીને સુંદર દુનિયા જોવા નથી માંગતો?”
નાનાએ જવાબ આપતા પહેલા એક હિંચકી લીધી, “હા. હું દૂરના સ્થળો જોવા માંગુ છું જેના વિશે તમે અને માઈ વાતો કરતા રહો છો. પણ હું નહીં જોઈ શકું. મને નથી લાગતું કે હું ક્યારેય તમારી જેમ ઉડી શકીશ.”
મમ્મી સીગલ હસી પડ્યા. “ઓહ ડિયર! તું ખૂબ જ માસૂમ અને અણસમજુ છો. જો કે હમણાં તું ઉડી નથી શકતો. તારી પાંખો હજુ મજબૂત નથી થઈ. પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે તું ચોક્કસ ઉડી શકીશ.”
“ના માઈ. મને ડર લાગે છે. હું પડી જઈશ તો?”
પાપા સીગલે નાનકડાની ચાંચને સ્પર્શ કરતા સમજાવ્યું, “અરે મારો ચિકી! આપણે પક્ષી છીએ અને ઉડવા માટે જ જન્મ્યા છીએ. આકાશમાં ઉપર રહેવું એ સૌથી અદ્ભુત અનુભવ હોય છે. એકવાર તું ઉડવાનું શરૂ કરીશ, પછી તને એટલી મજા આવશે, કે તું પોતે ક્યારેય નીચે આવવા નહીં માંગીશ.”
પરંતુ બધી પ્રેરક વાતો નિરર્થક હતી. ગભરાયેલા બચ્ચાને વિશ્વાસ ન થયો. “આપણે પક્ષી છીએ અને મારી પાસે પંખ પણ છે, પરંતુ બહારની દુનિયા જુઓ; મહાસાગરો અને પર્વતો. તેમને પાર કરવાનો માત્ર વિચાર જ મારા ધબકારા વધારી રહ્યો છે! જે મિનિટે હું આપણા માળામાંથી કૂદીશ, તો સપાટ જમીન ઉપર પડી જઈશ.”
મમ્મી અને પાપા બંને સીગલ જોરથી હસી પડ્યા. પછી પાપા સીગલે પાંખ ફફડાવી અને પંખીડાને બાથમાં લીધો. એને શાંત કરતા, તેણે પોતાના જ્ઞાનના અનુભવથી એક સમજદારીની વાત કરી. “મારા વ્હાલા, શું તને ખબર છે કે શાહમૃગ કોને કહેવાય?”
“હા, મેં તેમના વિશે સાંભળ્યું છે. માઈ એ અમને કહ્યું હતું.”
પાપા સીગલે આગળ કહ્યું, “સારું. શાહમૃગ વિશ્વનું સૌથી મોટું પક્ષી છે, તેથી દેખીતી રીતે તેની પાંખો પણ સૌથી મોટી હોય છે. પરંતુ પ્રભુએ તેને ઉડવાની ક્ષમતા નથી આપી.”
બેબી સીગલ ચોંકી ગયું, “ખરેખર પાપા?”
“હા મારા દીકરા. તો કલ્પના કર, આપણે કેટલા નસીબદાર છીએ! તેમ છતાં, માત્ર સાધન અને ક્ષમતા હોવું જ પૂરતું નથી. કંઈક હાંસલ કરવા માટે, તમારે તમારા ડર પર વિજય મેળવવાની, હિંમત દર્શાવવાની અને પ્રયાસ કરવાની જરૂર હોય છે. અને બેટા, જ્યાં સુધી તું પ્રયત્ન નહીં કરીશ, તો તને ક્યારેય નહીં ખબર પડે કે તું કેટલો ઊંચો ઉડી શકે છે.”
મમ્મી સીગલે તેના બાળકને પોતાની પાંખની ગરમીમાં આલિંગન કર્યું અને પાપાની સલાહમાં પોતાનો એક ટુકડો ઉમેરતા કહ્યું. “ઉંદર અને સસલા પોતાનુ ઘર છિદ્રોમાં બનાવે છે, તેમના બખોલ અંધાર્યા અને દુર્ગંધયુક્ત હોય છે. પરંતુ જો તેઓ એવું વિચારવા લાગે કે તે ખાડો જ તેમની આખી દુનિયા છે, તો તેઓ ક્યારેય બહારની રંગીન જીવનનો આનંદ નહીં માણી શકે. એટલે બેટા, આ રહેઠાણ તારું કાયમી આશ્રયસ્થાન નથી. તારું જીવન આકાશમાં છે. અને માત્ર પાંખો જ નહીં, પણ તારી ફરવાની ઇચ્છા અને ધગશ તને તારી જરૂરી ઉડાન આપશે.”
ત્રણ અઠવાડિયા પછી, એક પછી એક, તેના ભાઈ-બહેનો ઉડી ગયા, પરંતુ આપણું નાજુક બાળક સીગલ તેની પાંખો ફફડાવતું, હજી પણ માળામાં બેઠું હતું. અલબત્તા આ લાંબા સમય સુધી ન ચાલ્યું. દરરોજ તે તેની પાંખો પહેલા કરતાં વધુ જોરથી હલાવતો, અને તેના માતાપિતાની આપેલી સલાહ ઉપર મનન કરતો.
પરિણામે, એક સરસ મજાની સવારે, તેણે ઊંડો શ્વાસ લીધો, શક્ય તેટલી હિંમત એકઠી કરી અને હવામાં કૂદકો માર્યો. શરૂઆતમાં તેણે જોરશોરથી તેની પાંખો ફફડાવી અને તેનું હૃદય તેના મોંમાં આવી ગયું. પછીથી તેને સમજાયું કે પાંખો ખરેખર તેને હવામાં સ્થિર રાખે છે. આ બાબતે તેને બહાદુર બનાવ્યો અને તેની ઉડાન સરળ થઈ ગઈ. તેના ચહેરા પરનું સ્મિત અજોડ હતું.
હવે, આપણું બચ્ચું એક સુંદર સફેદ પુખ્ત દરિયાઈ પંખીમાં પરિવર્તિત થઈ ગયું છે. પાણીના વિશાળ વિસ્તાર પાસે બેસીને, તે ગર્વથી પોતાની પાંખો ખોલીને ફેલાવી રહ્યો છે. ઠંડો પવન, અને નૃત્ય કરતી
લહેરોમાં અસ્ત થતા સૂર્યની પ્રશંસા કરતી વખતે, તેણે વિચાર્યું, “જો મેં મારા ડર પર કાબુ ન મેળવ્યો હોત, અને હિંમત ન બતાવી હોત, તો મને ક્યારેય ખબર નહીં પડતે કે દુનિયા કેટલી સુંદર છે! આભાર પ્રભુ, કે આ બધા સૌંદર્યથી હું વંચિત ન રહ્યો!”
શમીમ મર્ચન્ટ