યુવાન અવસ્થામાં જ મા બાપની છત્રછાયા ગુમાવી ચૂકેલા શેઠ નવનીતલાલના પત્ની સુશીલાદેવીએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો. એક એક મિનિટના અંતરે જન્મેલી ત્રણ દીકરીઓના બાપ બનવાથી, શેઠ ખુશ હતા. હાસ્તો, ત્રણ દીકરીઓના જન્મને લીધે તેમનો નાનો પરિવાર મોટો થઈ ગયો હતો, તેઓ બેમાંથી સીધા પાંચ બની ગયા હતા. ભગવાને એક જ વરદાનમાં શેઠના પરિવારને વિસ્તૃત બનાવી દીધો હતો.
પણ, એક કૌતુક હતું… સૌથી પહેલી દીકરી અને ત્રીજી દીકરી એકદમ ગોરી ગોરી અને ખૂબસૂરત જન્મેલી. પણ, વચલી દીકરી શ્યામ હતી. શું નિયતિ પાસે રંગ ખૂટયો હતો? કે પછી ઈશ્વરના દરબારમાં પરિવારના હિસ્સામાં આવતી પ્રાકૃતિક વહેંચણી મુજબ શેઠ નવનીતલાલના ઘર માટેનો રૂપનો સંગ્રહ પૂર્ણ થઈ ગયો હતો.? ખેર.. કુદરતને જે મંજૂર… શેઠ શેઠાણી એમની દીકરીઓને લઈને ઘરે આવ્યા.
નાનકડા એ શહેરમાં સૌથી અમીર એવા શેઠ નવનીતલાલનો પ્રભાવ ચારે કોર હતો, એમની વિશાળ હવેલીમાં નોકર ચાકરનો મોટો કાફલો હતો. એમના જીવનમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. હાસ્તો… તેઓનો બે વ્યક્તિનો સુખી સંસાર પાંચ વ્યક્તિનો પ્રેમાળ પરિવાર થઈ ગયો હતો. બધા ખુશ હતા.
પણ, વ્યવહારિક જીવનની પકૃતિને લીધે કહો કે માનવીય મનની સહજતાને લીધે કહો, ત્રણે દીકરીઓને રમાડવા આવનાર પણ જાણે-અજાણે ભેદભાવ કરી દેતું હતું. દરેક મુલાકાતી સૌથી પહેલાં મોટી દીકરીને, પછી નાની દીકરીને તેડીને બહુ રમાડતાં… અને ત્યારે પેલી વચલી શ્યામલ દીકરી ભાવભરી આંખોએ કોઈનો પ્રેમ મેળવવા બધાને જોયા કરતી, પણ સગાઓ અને સ્નેહીઓ તેને ગાલ પર સામાન્ય સ્પર્શ કરીને આગળ વધી જતાં. અરે, અન્યોની ક્યાં વાત કરવી? શેઠ અને શેઠાણી પણ માનવીય સહજ સ્વભાવને લીધે શ્યામલ દીકરીને છેલ્લા ક્રમે સ્નેહ વહેંચતા. એવું નહોતું કે તે શાયમલ દીકરીને ચાહતા નહોતા, પણ તેમનું હૃદય પેલી બે દીકરીઓ તરફ વહેલું અને વધુ આકર્ષાતુ. આરોહી, અંજની અને અક્ષરા એમ ત્રણે દીકરીઓ મોટી થવા લાગી.
ધીમે ધીમે ત્રણેય દીકરીઓ પડખું ફેરવતાં, બેસતાં અને પછી ધીમે ધીમે ભાખડિયાં ભરતાં, ઢીંચણથી ચાલતાં… પણ શીખવા લાગી. ત્યારે.. દૂર બેઠેલાં પપ્પા-મમ્મી બોલે, “આવો બેટા…!” આવું બોલતી વખતે શેઠની આંખો આરોહીને અને શેઠાણીની આંખો અક્ષરાને જોતી હોય, માટે બંને બહેનો તેઓની તરફ ભાંખડિયા ભરીને જવાનું શરૂ કરી દે, પણ અંજની કોની તરફ જવું એ વિચારમાં પળવાર માટે અટકતી અને તેથી પાછળ રહી જતી. બંને બહેનો દોડીને મા-બાપની ગોદમાં લપાઈ જાય. જયારે શ્યામલ દીકરી પેલી અવઢવને લીધે પાછળ પડી જતી. અંજની છેલ્લે પહોંચે, ત્યારે શેઠ-શેઠાણીના ખોળા ભરાઈ ગયા હોય એટલે તે બંને વચ્ચે બેસીને થોડી વારે શેઠને અને પછી શેઠાણીને અને બાદમાં બંને બહેનોને જોયા કરે.
ચાલતાં શીખ્યા ત્યારે પણ એ જ સ્થિતિ થાય. પોતાની બાહો ફેલાવીને શેઠ-શેઠાણી બોલે, “આવો.. આવો. મારી દીકરીઓ.. દોડો..!” આરોહી અને અક્ષરા દોડે અને અંજની જોયા કરે. કોની તરફ જવું..? અંતે, છેલ્લે પહોંચેલી અંજની શેઠ-શેઠાણી અને બહેનો વચ્ચે જબરદસ્તીથી સમાઈ જાય.
એવું નહોતું કે શેઠ શેઠાણી અંજનીને ચાહતા નહોતા. કદાચ ભેદભાવ નહોતા રાખતા. પરંતુ ગમે તે કારણ કહો, નવનીતલાલ અને સુશીલાબેન કુદરતી રીતે વચલી દીકરીને ત્વરિત પ્રતિભાવ અથવા પ્રાથમિકતા ના આપી શકતા. અને, આ વાતની અંજનીના બાળમાનસને ખબર પડી ગઈ હતી. અંજનીને ખબર પડી જતી કે જે ભાવ અને પ્રેમ તેને પપ્પાની નજરમાં જોવો છે, તે તેને નથી મળતો. તેનું ખૂબ નાનકડું હૃદય વિચારતું, ‘જે પપ્પાને ઈશ્વરે બનાવ્યા એ જ ઈશ્વરે તેને પણ બનાવી હતી. બહેનોની જેમ તેને પણ ઇશ્વરે આંખો આપી હતી. જે ઈશ્વરે બહેનોને બનાવી હતી તેણે જ તેને પણ બનાવી હતી. તેને પણ ભગવાને નાનકડું એક દિલ આપ્યું હતું…!’
નાનકડી અંજલિ મા-બાપથી થતા સૂક્ષ્મ ભેદભાવ પકડી લેતી હતી. તે ઘડીકમાં મા અને ઘડીકમાં પપ્પાની આંખોમાં જોતી. મમ્મી પપ્પા બહેનોને રમાડતા કે સૂવડાવતા હોય ત્યારની તેમની અદા તે જોયા કરતી. અંજની ઘણું બોલવા મથતી, પણ હજુ તે બોલતા જ ક્યાં શીખી હતી? પણ, સૌથી વધુ અઘરું કાર્ય અંજની માટે ત્યારે બન્યું જ્યારે તે પણ બહેનોની સાથે બોલતા શીખી.
“મા.. મા… પા.. પા…!” જેવા લાડકવાયા શબ્દો સુધી બધું સરસ હતું. પરંતુ, પપ્પા મમ્મી એક સાથે ત્રણેય દીકરીને પૂછતા, “અક્ષુ, અંજુ અને આરુ કોની..?” તે વખતે આરોહી સૌથી ઝડપથી બોલતી, “પપ્પાની.!” અને અક્ષરા બોલતી, “મમ્મીની..!’ અંજની બોલવા જતી, પણ ખબર નહીં કેમ તે અટકી જતી. કેમ કે હવે મમ્મી અને પપ્પા વહેંચાઈ ગયા હતા. બહેનો દ્વારા બોટાઈ ગયા હતા… અને તેના બાળ અનુભવોના લીધે કહો કે બોલવામાં આવતાં અચકાટના લીધે કહો, તે માત્ર “ની” બોલતી.
હા, તે માત્ર “ની” બોલતી. “પપ્પાની” અથવા “મમ્મીની” બોલવાને બદલે તે માત્ર “ની” બોલી શકતી. તેથી તેનું નામ “ની” પડી ગયું. અને “ની”ની નાનકડી દુનિયા શરૂ થઈ ગઈ.
બાકીની બંને બહેનો કરતાં તેની દુનિયા અલગ રીતે બનતી અને વિસ્તરતી ગઈ. એવું નહોતુ કે બધા દરેક વખતે ‘ની’ સાથે ભેદભાવ કરતાં હતાં, કદાચ નહીં કરતા હોય અથવા નહીં કરવો હોય. પણ, તોયે થઈ જતા એ ભેદભાવને ‘ની’ અનુભવી જતી, પારખી જતી. તેનું નાનકડું દિલ એ ભેદભાવ સમજી લેતું. તેમ છતાં, તે નહોતી ઈચ્છતી કે તેના પપ્પા અને મમ્મીને ખબર પડે કે ‘ની’ આ ભેદભાવને સમજી જાય છે, એટલે તે હસતી અને ખુશ રહેતી.
ત્રણેય બહેનોને બાલમંદિરમાં પ્રવેશ અપાવ્યો. દેખતી રીતે જ શિક્ષિકાઓ બંને રૂપાળી બહેનોને રમાડતાં. એટલે ‘ની’ નીચેની તરફ જોઈને લખવામાં ધ્યાન આપતી. અને કંઈકને કઇક ઘૂંટતી રહેતી. ઘરની અંદરની દુનિયા અને બહારની દુનિયામાં જઈને પણ ‘ની’ ને સમજાઈ ચૂક્યું હતું કે તેની શ્યામલ ઓળખનું સ્થાન ક્યાં અને કેવું છે. એવું નહોતું કે દુનિયા બધા શ્યામ લોકોને આ રીતે જોતી હશે. પણ ‘ની’ની બાબત અલગ હતી. તે બહેનો સાથે સરખામણીનો ભોગ બનતી. તેથી તે લખ્યા કરતી, ચિત્રો દોર્યા કરતી અને પછી તો પેન્સિલ, પેન, નોટબુક, અને પુસ્તકો એના મિત્રો બની ગયાં.
તેની દુનિયામાં નિર્જીવ વસ્તુઓનું અસ્તિત્વ વધી ગયું. ‘ની’ નિર્જીવ વસ્તુઓમાં ચેતના ભરી દેતી. તેણે પોતાનું એક આખું વિશ્વ રચી દીધું, જે ‘ની’ નું ભાવવિશ્વ હતું. ‘ની’ પોતાના જ વિશ્વમાં રાચવા અને રમવા લાગી. તેને નિર્જીવ વસ્તુઓ ગમતી તેનું સૌથી મોટું કારણ એ હતું કે આ વસ્તુઓ કોઈપણ ચેતનવંતી વ્યક્તિઓ તરફ ભેદભાવ નથી રાખતી. જડ વસ્તુઓ બધા માટે સમાન બની રહે છે. ‘ની’ પોતાની આગવી દુનિયા બનાવતી ગઈ. સમય સરતો ગયો. ‘ની’ની બંને બહેનોએ શાસ્ત્રીય નૃત્યના વર્ગમાં જવાનું શરૂ કર્યું. ‘ની’ને પણ પૂછવામાં આવ્યુ. પણ ‘ની’એ ના પાડી. કારણ કે તે કોઈ સરખામણીનો શિકાર બનવા માગતી નહોતી.
આવું જ અન્ય ગતિવિધિઓમાં પણ થતું. ઘર બહારની દુનિયામાં કોઈ ગતિવિધિમાં હિસ્સેદાર બનવાનું તે ટાળતી. વિશાળ બંગલાની અંદર તે એકલી રહેતી. બંગલાની બારીએ બેસીને આસપાસના લોકોની અવર-જવરને જોયા કરતી. ત્યાંથી તેની નજર પહોંચે ત્યાં સુધી જ તેની બાહ્ય દુનિયા હતી. એટલો જ વિસ્તાર તેણે પોતાની દુનિયાનો બનાવી રાખ્યો હતો.
અને તેથી જ ‘ની’નું મોટાભાગનું વિદ્યાર્થી જીવન કોરસપોન્ડન્સ અભ્યાસથી જ ચાલતું. તે સ્કૂલ, કોલેજમાં જવાનું ટાળતી. તે મોટે ભાગે પોતાના ઓરડામાં જ કંઈક ને કંઈક ક્રિએશન કર્યા કરતી. નવરાશના સમયમાં તે આદમકદના અરીસા સામે બેસીને પોતાની સાથે વાતો કરતી અને વિચાર્યા કરતી. આ અરીસો તેનો મિત્ર હતો. આમ જ બધી બહેનો યુવાનીના ઉંબરે આવીને ઉભી. તેની બહેનો કલાકો સુધી અરીસા સામે બેસીને સજ્યા કરતી. ત્યારે, ‘ની’ અરીસા સામે બેસીને વિચારતી કે ભગવાને રંગોનું સર્જન કર્યું તે ખૂબ જ સરસ કાર્ય કર્યું, તે રંગોને મનુષ્યની ભાવનાઓ સાથે જોડયા તે પણ.. માની લ્યો કે સુંદર કાર્ય કર્યું, પણ ચામડીના રંગને જોઈને મનુષ્યના મનોજગતમાં થતાં ફેરફાર અથવા દિલની ભાવનાઓમાં ઉઠતા આરોહ અવરોહના ભેદભાવના લીધે થતાં અન્યાયને ભગવાને દિલમાં જન્મવા જ કેમ દીધો..? જો ઘનઘોર રાત્રીને અંધકાર, એટલે કે કાળો રંગ સૌંદર્ય અર્પે છે તો એ જ કાળો રંગ ચામડીને સ્પર્શતા જ વર્જ્ય અથવા નિમ્ન કેમ બની જાય છે. શા માટે ભગવાને પ્રેમને સફેદ ચામડીના રંગની પસંદગી બની જવા દીધો?
તો વળી, કયારેક અરીસા સામે બેસીને પોતાનું નામ યાદ આવતાં જ ‘ની’ ઘણી વાર વિચારતી કે તેની સાથે આ ‘ની’ નામ ભલે કોઈપણ રીતે જોડાઈ ગયું હોય, પણ જગતભરની સ્ત્રીઓ આજે પણ ‘ની’ જ તો છે. તેને સાચે જ પોતાનું સ્થાન ક્યાં ખબર જ છે..? સ્ત્રી શબ્દ ‘ની’નો પર્યાયવાચી શબ્દ હોવો જોઈએ. હાસ્તો. સ્ત્રીને આજીવન નથી સમજાતું કે તે કોની..? અલગ અલગ સંબંધે આવીને પુરુષ તેના પર માત્ર અધિકાર જતાવીને ચાલ્યો જાય છે. પિતા, ભાઈ, પતિ, પુત્ર અને છેવટે સ્ત્રીએ પુરુષને મિત્ર બનાવીને પણ અજમાવી લીધો, ત્યાં પણ અસમાનતા જ હોય છે ને..? પુરુષોની લાગણીઓની જબરજસ્તી સામે ઝુકવાનું સ્ત્રીઓએ જ આવે છે. પુરુષો કયારેક તો સ્ત્રીના ભાવજગતને એ રીતે તહસનહસ કરી મૂકે છે કે સ્ત્રી સાચે જ પોતાને લાયક પણ નથી બચતી. અને ત્યારે આંખ બંધ કરીને સ્ત્રીઓ પોતાને જ પૂછી બેસે છે કે હે સ્ત્રી આખરે તું કો’ની’ ? ‘ની’ આવા જ વિચારો સાથે જીવતી રહી અને પોતાના વિશ્વને સજાવતી રહી.
સમયચક્ર ચાલતો રહ્યો. પપ્પા જોડે કોઈ પ્રસંગમાં જવાનું હોય કે ફરવા જવાનું હોય તો તેની બંને બહેનો તૈયાર થતી. પણ ‘ની’ ઘેર રહેવું પસંદ કરતી. બધા બહાર ફરવા અથવા સામાજીક પ્રસંગોમાં જાય ત્યારે શેઠાણી ઘણી વાર કહેતાં, “ની…ચાલને બેટા..!” પણ ‘ની’ જતી નહીં.
ખબર નહીં કેમ, પણ દીકરીઓ મોટી થતી ગઈ, ત્યારે સુશીલાબહેનને લાગવા લાગ્યું હતું કે ‘ની’ જોડે તેઓએ જાણે અજાણે કંઈક અન્યાય કર્યો હતો, તેમના દિલને થતું હતું કે તેઓએ ‘ની’ને કોઈ અજાણ્યું દુઃખ આપી દીધું હતું. અજાણતા થતી સતત કરતી સરખામણીએ ‘ની’ને આ સ્થિતિમાં લાવી દીધી હતી, તેવું હવે શેઠાણીને સમજાઈ ગયું હતું. ‘ની’ મમ્મીની તે વેદના પારખી જતી પણ તેમને પોતાની ઉદાસી કે એકલતા મહેસૂસ ના થવા દેતી. ઉલટાની તે ખુશ થઈને બધાના જ કામ કરતી. એકવાર ‘ની’એ તેના પપ્પા મમ્મીની વાતો સાંભળી, તેઓ હવે પોતાની જાતને ગુનાહિત મહેસૂસ કરતા હતા. તેથી ની મા-બાપની સામે હંમેશ સામે ખુશ રહેતી. ને સાચે જ ખુશ પણ હતી જ ને? તેની આગવી દુનિયામાં. જ્યાં કોઇનો કોઈ જ હિસ્સો નહોતો. તેની દુનિયાની માલિક અને ઈશ્વર પણ તે જ હતી.
‘ની’ તેની આ દુનિયા લોકોથી છુપાવીને રાખતી. તેમાં ઘટતી ઘટનાઓ વિશે બધાને અજાણ રાખતી. કારણ હતું જ ને? તે પોતે પણ અન્યોની દુનિયાથી અજાણ જ રહેતી. ‘ની’ વિચારતી કે શા માટે તેણે કોઈને પોતાની દુનિયા વિશે જણાવવું?
ઘરમાં તેઓના લગ્નની ચર્ચા થવા લાગી. આવી જ એક ચર્ચામાં ‘ની’ ને ખબર પડી કે પપ્પા ઈચ્છતા હતાં કે મોટી બહેનના લગ્ન તેમના ઉદ્યોગપતિ મિત્ર અમીધરભાઈના દીકરા સિદ્ધાર્થ સાથે થાય. તેથી એ લોકો શેઠ નવનીતલાલના ઘેર આવવાના હતા. તે દિવસે, ‘ની’ પ્રથમ માળે આવેલા ડ્રાઈગરૂમમાં કૈંક વાંચતી બેઠી હતી. ત્યારે ‘ની’ની બંને બહેનો તેની પાસે આવી. મોટી બહેન આરોહી બોલી, “ની…એક વાત કહું..?” ની બોલી, “બોલોને દીદી..!” આરોહી બોલી, “પાપાના દોસ્તનો દીકરો સિધ્ધાર્થ તેના પરિવાર સાથે મને જોવા આવવાનો છે, પણ હું મારી સાથે માસ્ટર્સમાં ભણતા નૈઋત્ય નામના એક છોકરાને ચાહું છું. હું આ લગ્ન કરી શકું એમ નથી. પણ પપ્પા માનશે નહીં, તું મને એક મદદ કરીશ? મારી બદલે પ્રથમ તું સિદ્ધાર્થ સામે જજે, તું તો મારી લાડકી બહેન છે ને?” ની બોલી, “પણ દીદી, મમ્મી કહેતાં હતાં કે એ લોકો મોટી દીકરીને જોવા આવવાના, હું કેવી રીતે જઈ શકું..? આરોહી બોલી, “અરે, હું ક્યાં બહુ મોટી છું..? એક મિનિટનો જ ફરક છે ને…આપણી વચ્ચે..!” ની બોલી, “પણ તમે પપ્પાને નૈઋત્ય વિષે કહી….!” આરોહી બોલી, “ના…હો. ની, પપ્પા નહીં માને, એમની વાત પરથી એટલી તો ખબર છે કે તેઓ આપણાં ઘરમાંથી એક દીકરી તો એ ઘરમાં મોકલશે…!” ની બોલી, “તો અક્ષરાને…!”
અક્ષરાએ ‘ની’ની વાત કાપતાં કહ્યું, “એ જ તો પ્રોબ્લેમ છે, ‘ની’, હું દીદી માટે કંઈ પણ કરવા તૈયાર છું, પણ હું તો સાગર નામના એક યુવકને ખૂબ ચાહું છું, અન્યથા આપણી વહાલી દીદી માટે હું કઈ પણ કરત…!” અક્ષરાએ ખૂબ જ નાટકીય રીતે પોતાની મજબૂરી મૂકી હતી એટલે વધુ કોઈ સંભાવના નહીં બચતા ‘ની’ બોલી: “પણ પપ્પાને કહેવું કેમ? અને કહેવું શું…?” બંને બહેનો બોલી ઉઠી, “ઓહ, એ એકદમ સરળ છે. જેવો છોકરો જોવા આવે.. તારે પહેલાં પાણી આપવા જવાના બહાને સિદ્ધાર્થને જોઈ લેવાનો અને આવીને તરત મમ્મીને કહેવાનું કે તને સિદ્ધર્થ ખૂબ જ પસંદ છે…!” ની બોલી, “હું એમ કરીશ તો તમારું કામ સરળ થઈ જશે? મમ્મી માની જશે? અને માનો કે એ છોકરો મને નહીં ગમાડે તો?”
આરોહી બોલી, “તું અમે કહીએ એમ કરજે ને… ‘ની’ મમ્મીને સમજાવવાનું અમારા પર છોડ અને તને છોકરો પસંદ છે એવું તું કહે એ બાદ સિદ્ધાર્થ તને નહીં ગમાડે, તો એમ પણ પછી મમ્મી પાપા એ ઘરમાં આપણને કોઈને નહીં પરણાવે, કેમ કે એમ કરવાથી બહેનોને અંદરોઅંદર દુઃખ થશે એવું મમ્મી પપ્પા વિચારશે…!”
‘ની’એ મનોમન વિચાર્યું, “બંને બહેનો ફૂલપ્રૂફ યોજના બનાવીને જ આવી હતી, કંઈ નહીં ચાલો. એમ પણ કયારેક તો લગ્ન કરવાના જ હતા ને? તો આજે બહેનોના કામમાં આવી જાઉં..!” ની બોલી, “સારું તમે બંને કહો તેમ…!” આરોહી ‘ની’ ને ભેટીને બોલી, “તું કેટલી સારી છે ‘ની’.. અને તું અમારા બધાની વહાલી છે, અને તને કોઈ કેમ ના ગમાડે..? તું કેટલી સુંદર છે..!” બોલતી અને ખુશ થતી બંને બહેનો ગઈ. બહેનોના છેલ્લાં શબ્દો સાંભળીને ‘ની’ને થોડોક આઘાત લાગ્યો. તે ચૂપ રહી. નિયતિના આ ખેલનો સામનો કરવા પણ ‘ની’ તૈયાર થઈ ગઈ.
બધું જ નક્કી કર્યા મુજબ ભજવાયું. ‘ની’ એ સુશીલાબહેનને કહ્યું કે તેને છોકરો ગમે છે. ‘ની’ ની વાત સાંભળીને ચકિત થયેલા સુશીલાબહેને નવનીતલાલને અંદર બોલાવીને ‘ની’ની વાત જણાવી અને સાથે સાથે એમ પણ કહ્યું, “’ની’ એ જિંદગીમાં પહેલી વાર કંઇક સામે ચાલીને માંગ્યું છે, હવે તમે આરોહી અને અક્ષરાને બહાર ના બોલાવશો. તમે એ લોકો સાથે ‘ની’ની જ વાત ચલાવો. આમ પણ એ લોકોએ એકેય દીકરીને જોઈ જ ક્યાં છે..?” નવનીતલાલને વાત યોગ્ય લાગી. તેમણે સિદ્ધાર્થના પરિવાર આગળ ‘ની’ને જ કન્યા તરીકે રજૂ કરી. અને ‘ની’ નું નક્કી થઈ ગયું. છોકરાએ ‘ની’ને પસંદ કરી લીધી. ઉદ્યોગપતિ અમીધરભાઈના વચલા દીકરા સાથે ‘ની’ની સગાઈ થઈ ગઈ. થોડાક સમયમાં ‘ની’ના સિદ્ધાર્થ સાથે લગ્ન ધામધૂમથી થઈ ગયા.
લગ્ન પહેલાં ‘ની’ ને પૂછવામાં આવ્યું હતું, “બેટા, લગ્નમાં તારે શું જોઈએ છે? તું જે કહે એ તને લઈ આપીએ, ગાડી, ઘર, ઝવેરાત, કપડાં… તું જે કહે તે..!” ‘ની’એ કહ્યું, “આપના આશીર્વાદ અને મારા રૂમનો તમામ સામાન, જો તમને કોઈને વાંધો ન હોય તો..!” સિદ્ધાર્થે ‘ની’ને પૂછેલું ત્યારે પણ ‘ની’એ આવું જ કંઈક તેને પણ કહી રાખેલું, “તમારા એ વિશાળ ઘરમાં મારા માટે એક અલાયદો ઓરડો આપજો, જ્યાં હું મારી વસ્તુઓ અને મારા પિયરનો સમાન મૂકી શકું..!” આમ, ‘ની’ની દુનિયા એ જ શહેરમાં પિતાના ઘરના ઓરડામાંથી સ્થળાંતર કરીને પતિના બંગલાના એક ઓરડામાં પહોંચી હતી.
પણ.. સગાઈથી લગ્ન દરમ્યાન એક ઘટના પણ બની હતી. જેના કારણે બાળપણથી લાગણી ભૂખી રહી ગયેલી ‘ની’ સાસરીમાં એવી લાગણી ભૂખી જ રહી ગઈ. સિદ્ધાર્થે ‘ની’ને પહેલીવાર જોઈને હા પાડી દીધી. અને બધું પાકું થઈ ગયું ત્યાર બાદ તેણે ‘ની’ની બંને બહેનોને સગાઈમાં જોઈ. પોતાની બંને સાળીઓને જોઈને સિદ્ધાર્થની આંખોના બદલાતા ભાવ ‘ની’ એ જોઈ લીધા હતા. તેને સમજાઈ ગયું હતું કે અહીં પણ સરખામણીમાં પોતે હારી હતી. પતિનો અફસોસ તેને વર્તાઈ ગયો હતો. તેની બંને બહેનોની હાજરીમાં ખીલી ઉઠતો સિદ્ધાર્થ ‘ની’ સાથે એકાંતમાં લગભગ મુક જ બની જતો. સિદ્ધાર્થના એ અસંતોષ અને અફસોસને પારખી ગયેલી ‘ની’ના નવી દુનિયાના નવાં સપનાં રોળાઈ ગયા હતા. લગ્ન બાદ પણ સિદ્ધાર્થનો આવો સિલસિલો ચાલ્યો. સમય વીતવા લાગ્યો.
‘ની’ને ઝટકો આપે તેવી ઘટના હજુ બાકી હતી. તેની બંને બહેનોએ મા-બાપની પસંદગીથી લગ્ન કર્યા, પણ કોઈ અન્ય છોકરા જોડે. તેઓ કયારેય કોઈના પ્રેમમાં હતી જ નહીં. જયારે ‘ની’એ તે વિશે પૂછ્યું તો તેઓએ એ બાબતે ‘ની’ને એવો ખુલાસો આપ્યો કે તે વખતે તેઓ લગ્ન કરવા માટે તૈયાર નહોતા, બસ…
‘ની’ને સમજાઈ ગયું કે બંને બહેનો ખોટું બોલી હતી તેમણે કોઈ પણ રીતે સિદ્ધાર્થને જોયો હશે અને તેઓને સિધ્ધાર્થ નહીં ગમ્યો હોય. એટલે પપ્પાના નિર્ણયને ફેરવવા માટે જ ‘ની’ નો ઉપયોગ કરાયો હતો. સિદ્ધાર્થના પરિવારમાં લગ્ન કરવા અંગેના મમ્મી-પપ્પાના મક્કમ નિર્ધારની માહિતી હોવાથી બહેનોએ તેનો ઉપયોગ કરી લીધો હતો, તેવું ‘ની’ ને હવે સમજાયું હતું. પણ, ખેર… બહેનોને શું દોષ દેવો..? અહીં તો નિયતીએ જન્મથી જ અન્યાય કરવાનું શરૂ કર્યું હતું.
સાસરીમા ‘ની’ને જેઠાણી હતા અને એક વર્ષ પછી દિયરના લગ્ન થતા દેરાણી પણ આવી ગયા. ‘ની’પરિવારને સર્વશ્રેષ્ઠ આપતી. તે સૌનું ધ્યાન રાખતી. પણ, પેલી સહજ સરખામણી અને પતિની ઉદાસીનતાને લીધે ‘ની’ અહીં પણ બધા સાથે બહાર ફરવું ટાળતી. તે તેના વડસાસુની સેવા કરવા ઘેર રહેતી. અને પોતાના ઓરડામાં પોતાની દુનિયા સજાવતી. એ વાત અલગ હતી કે ‘ની’ના સસરા તેને ખૂબ સાચવતા, અને તેના પર હંમેશા આશીર્વાદ વસાવતા. તેઓ સત્સંગી અને સજ્જન વ્યક્તિ હતા. આમ ને આમ ‘ની’ને સાસરીમાં ત્રીજું વર્ષ પૂરું થયું.
એક દિવસે સસરા અમીધરભાઈએ ઘરે આવીને જાહેરાત કરી કે, તેમના ત્યાં પરમ દિવસે ગુજરાતના જાણીતા સંત વ્રજમોરારીજી પધારવાના છે. સૌએ તેમને આવકારવાના છે, વળી તેઓ બે દિવસ આ બંગલામાં રોકવાના હતા. તેઓ આ શહેરમાં ભાગવત સપ્તાહની વ્યાસપીઠ શોભવવા આવ્યા હતા. અને બે દિવસના એ રોકાણ દરમિયાન સપ્તાહ પતાવીને સાંજે અમીધરભાઈને ઘેર આવીને સત્સંગ કરવાના હતા. અમીધરભાઈને બંગલે તેમના સ્વાગતની પૂરજોશમાં તૈયારી થઈ રહી હતી. વિશાળ મંડપ લાગી ગયો હતો. ઘરની બહાર બગીચામાં પણ સાજ-સજાવટ થઈ હતી.
સરસ મજાના સ્ટેજ પર ગાદલા, રેશમી ગાલીચો અને ગોળ તકિયા વડે સજાવીને વ્યાસપીઠ બનાવાઈ હતી. ભગવાન રામની સુંદર પ્રતિમા પણ પધરાવી હતી. ગુરુજી માટે બેઠક સ્થાનની બાજુમાં, સુગંધથી ભરપૂર ફૂલ ગોઠવવામાં આવેલા હતા. એક સંત માટે આટલી બધી સાજ સજાવટ જોઈને ‘ની’એ વિચાર્યું કે કે આટલી બધી સાજ સજાવટ અને તે સત્સંગ સાંભળવા? સત્સંગ બોલવા અને સાંભળવાનો જ વિષય હતો, વળી અહીં માત્ર ઘરના લોકો બેસવાના હતા. બહારના કોઈને આમંત્રણ હતું જ નહીં, તો આટલું મોટું આયોજન કેમ..?
અને વ્રજમોરારીજી આવ્યા. શ્રી રામ ભગવાનની મૂર્તિને પ્રણામ કરીને તેઓ પોતાના સ્થાન પર બિરાજમાન થયા. બધા તેમને પ્રણામ કરીને એમની સામે નીચે જમીન પર પાથરેલી શેતરંજી પર બેસી ગયાં. આભાર અને આશીર્વાદ વચન બાદ ગુરુજીએ ધર્મની ચર્ચા શરૂ કરી. તેમણે ઘણી ધર્મની વાતો કરી. છેલ્લે બધાને ઉદ્દેશીને કહ્યું, “તમારે કોઈએ કંઈ પૂછવું છે? તમારા મનમાં કોઈ સવાલ હોય તેનું સમાધાન માંગી શકો છો.” કોઈએ કંઈ પૂછ્યું નહીં પણ ‘ની’એ હાથ ઊંચો કર્યો.
ની બોલી, “તમે તમારા પ્રવચનમાં કહ્યું કે સમાનતા સૌથી મોટો ધર્મ છે. તમે આજે સમાનતા વિશે કહ્યું, તમે એમ પણ કહ્યું કે તમે દરેક વ્યક્તિ-વસ્તુને સમાનભાવે જોઈ શકો છો, શું આ સત્ય છે? તમે દરેક વસ્તુ વ્યક્તિને સમાન ભાવથી જોઈ શકો છો?” ગુરુજી બોલ્યા, “બેશક, હું તમામ વસ્તુ સમાન ભાવે જોઉં છું.” ‘ની’એ કહ્યું, “તો આપ આરામથી અમારી સાથે આવીને નીચે બેસી શકયા હોત, આપ જાણો છો કે આપના માટેની બેઠક વ્યવસ્થા માટે બે દિવસથી અહીં તૈયારીઓ ચાલી હતી? શુ આ અસમાનતા નથી?”
બધા જ વિચારમાં પડી ગયા. ‘ની’ના સસરાને થયું, “કેમ ‘ની’ આવું બોલે છે? ગુરુજીને કેવું લાગશે? પણ તેઓ ‘ની’ ને કંઈ કહે તે પહેલાં ગુરુજી બોલ્યા, “વાહ, ખૂબ સરસ વાત કરી, મને આજ સુધી કોઈએ આવું નથી પૂછ્યું, મને લોકો ઊંચા આસને બેસવા કહે છે, પણ કેમ બેસવાનું એ નથી પૂછતાં, એ વાત અલગ છે કે તે માટે મારી પાસે ઘણા ધાર્મિક તર્ક છે, પરંતુ વ્યાસપીઠ પર બેસવાની બાબતને સમાનતા સાથે જોડીને કહેનાર કોઈ મને અહીં વ્યક્તિ મળ્યું, બીજો કોઈ સવાલ હોય તો પણ પૂછી લે, બેટા… અને હા… તારા પહેલાં સવાલનો જવાબ પણ હું આપીશ હોં ને..?”
‘ની’એ તેના સસરા સામે જોયું. તેમણે ‘ની’ને આંખોથી સંમતિ આપી. તે ઉભી થઈ. ગુરુજીને અને બાદમાં બધાને પ્રણામ કરતી ગુરુજીની સામે નીચે જઈને બેસી ગઈ. અને તેણે સવાલો શરૂ કર્યા, “ધર્મ શું છે?” ગુરુજી બોલ્યા, “આપણને સમજાય તે.”
“ની”બીજો સવાલ પૂછવા જતી હતી તે પહેલાં જ ગુરુજીએ કહ્યું, “આપણે એકબીજાને એક પછી એક સવાલ સામસામે પૂછીશું ચાલશેને..?” ‘ની’ એ સંમતિ આપી. ગુરુજીએ સવાલ પૂછયો,”ફરજ શું છે?” ‘ની’એ જવાબ આપ્યો, “આપણી આસપાસ રહેતા જીવ માત્રની પ્રત્યે શુદ્ધ લાગણી અને માયા રાખીને જીવન જીવવું તે આપણી મનુષ્યની એટલે કે પરમપિતાના સંતાન તરીકે સૌથી પહેલી ફરજ છે, ઇશ્વર આપણને દેહ આપીને આપણી પાસેથી આ જ અપેક્ષા રાખે છે, તેવું મારી સમજ કહે છે.”
હવે, ‘ની’એ સવાલ પૂછ્યો, “ઈશ્વર કોણ છે?” ગુરુજીએ જવાબ આપ્યો, “આપણી અંદર અને બહારની બધી જ ઉર્જા ઇશ્વર છે, જે દેખાય છે અને નથી દેખાતો તે પણ ઈશ્વર છે, આપણે જોયેલી, ના જોયેલી અને અનુભવેલી, ના અનુભવેલી તમામ વસ્તુઓનું સર્જન કરનાર ઈશ્વર છે..!”
ગુરુજીએ સવાલ પૂછ્યો, “તારા મતે ઈશ્વર કોણ છે? અને ઈશ્વરથી મહાન કોણ છે?” ગુરુજીના આ સવાલથી ખીલી ઉઠેલી ‘ની’ બોલી, “હું તમારી વાત સાથે એ રીતે સહમત છું કે સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર છે, પણ મારા મતે ઈશ્વર એક પુરુષ છે, તમે ભલે તેને કોઈ આકારમાં બાંધતા નથી કે અથવા તમે કહેતા હોવ કે તે માત્ર જ્યોત સ્વરૂપ છે. પણ ખબર નહીં, કેમ? મારું મન મને હમેશા એવું કહે છે કે જગતનું સર્જન કરનાર ઈશ્વર જરૂર પુરુષ છે, અને મારા આવા જવાબનું કારણ તમને મારા બીજા જવાબ સમજાવશે, હવે આપનો બીજો સવાલ, ઈશ્વરથી મહાન કોણ? તેના જવાબમાં હું કહું છું હું ઈશ્વરથી મહાન છે સ્ત્રી… કારણ કે, ઈશ્વર પોતાની રચનામાં કોઈ ભૂલ કરી શકે, સ્ત્રી નહીં, ઈશ્વરે સર્જેલ સૃષ્ટિ કરતાં એક સ્ત્રીની ભાવ સૃષ્ટિ હજાર ઘણી મોટી અને લાખ ઘણી સુંદર તેમ જ અદ્ભૂત હોય છે. ઈશ્વર હંમેશા રચના કરીને છૂટી જાય છે, જયારે સ્ત્રી જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની રચનાની માવજત કરતી રહે છે, મઠારતી રહે છે, મૃત્યુ બાદ મળનારા કાલ્પનિક સ્વર્ગની કરતાં એક સ્ત્રી તમારા જીવનમાં જીવતેજીવ ઈશ્વરના સ્વર્ગથી અદકેરું અને સુંદર સ્વર્ગ રચી શકે છે. ઈશ્વર કોઈના જન્મની ખાતરી આપી દે છે, પણ એ જીવનનું જતન સ્ત્રી કરે છે, તે જીવના સર્જનમાં રહી ગયેલી કોઈપણ ખામી તે જીવનું જીવન ધરમૂળથી બદલી નાખે છે, તેમ છતાંય પોતાની રચનામાં રહી ગયેલ ભૂલ બદલ ઈશ્વર પાસે કયારેય પસ્તાવો કરતો નથી, તે બસ, એક જીવમાં બીજા જીવ રૂપી ઉર્જા મૂકીને વહેટી થઈ જાય છે. ઈશ્વરે રચેલી દુનિયાને મેં જેટલી જોઈ અને જાણી છે તે પરથી હું તમને કહું છું કે આસપાસ રહેલી એ દુનિયામાં, અને ચેતનવંતા લોકોની વાત છોડો પણ નિર્જીવ વસ્તુમાં પણ ઉર્જા પૂરવાનું કાર્ય સ્ત્રી કરે છે, મેં પોતે પણ એક સ્ત્રી તરીકે એવી વસ્તુમાં ઉર્જા પૂરી છે, અને મને એનો ગર્વ છે. હા…મારી આસપાસ રહેલી દુનિયામાં ફેલાઈ રહેલી ઉર્જામાં મારો પણ ફાળો છે..!” ‘ની’ હજુ ભાવાવેશમાં બોલી રહી હતી, પણ તેની આ અસ્ખલિત લાગણીઓ અને આ સ્તરનું જ્ઞાન જોઈને ગુરુજી ઊભા થઈ ગયા. ગુરુજીની સાથે સાથે બધા જ ઉભા થઈ ગયા. ‘ની’ પણ બોલતા અટકી અને ઊભી થઈ ગઈ.
ગુરુજીએ ‘ની’ ના માથે હાથ મૂક્યો અને સૌને કહ્યું, “આ દીકરી એક શુદ્ધ આત્મા છે, અદ્ભુત છે. ધન્ય છે આ દીકરીને.. અને અમીધરભાઈ.. આપ નસીબદાર છો કે આટલી જ્ઞાની વ્યક્તિ આપનું ઘર શોભાવે છે, જે ઈશ્વરને માત્ર જાણતી નથી પણ પોતાની અંદર લઈને ફરવાની ક્ષમતા ધરાવે છે. આવી વ્યક્તિ તમારા પરિવારમાં છે, તે ગૌરવ લેવાની વાત છે, તમારે સૌએ ‘ની’ ને સમજવાની, જાણવાની જરૂર છે, અન્ય કોઈ સત્સંગની જરૂર જ નથી..!”
‘ની’ના સસરાએ આવીને તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, “ખુશ રહેજે બેટા..!” તે દિવસે બધાની દ્રષ્ટિ ‘ની’ માટે બદલાઈ ગઈ. એ આખો સમય અદ્ભુત બની રહ્યો. ભાગવત સપ્તાહ દરમ્યાન ‘ની’એ બધાની ખૂબ સેવા કરી. હવે ‘ની’ પરિવારનું કેન્દ્ર બની ગઈ હતી. સપ્તાહ પૂરી કરીને બધાને આશીર્વાદ આપતા અને ‘ની’ને વિશેષ આશીર્વાદ આપીને ગુરુજી ગયા. ‘ની’એ મનોમન વિચાર કર્યો, ‘સંતના પગલાં કંઈક તો તાકાત હોય છે, કંઈક તો એવું અનુભવાય છે જે તમારી દુનિયા બદલી કાઢે છે…!’
અને ‘ની’ માટે એક નવીન ઘટના ઘટી. ગુરુજી ગયા તેની બીજી જ સાંજે સિદ્ધાર્થે તેનો પરિવાર અને ની’ના પરિવારને પણ નિમંત્રિત કર્યો. બંને પરિવારના તમામ સભ્યોની સામે સિદ્ધાર્થ ‘ની’ને કહ્યું, “‘ની’, મને માફ કરજે, ખરેખર મેં તને ઓળખવામાં ભૂલ કરી, મેં તને હંમેશા નજરઅંદાજ કરી..!” સિદ્ધાર્થની નિખલાસ કબૂલાતને ‘ની’ એ વધાવી લીધી. બધા ખૂબ ઉત્સાહમાં આવી ગયા. પણ સિદ્ધાર્થ હવે ‘ની’ને સાચે જ જાણવા અને સમજવા માંગતો હતો તેથી તે બોલ્યો, “‘ની’, તે દિવસે ગુરુજીની સામે તું કહેતી હતી કે તેં તારી પોતાની આગવી દુનિયા સર્જી છે, સજાવી છે અને તારી એ દુનિયામાં ઉર્જા ભરી છે, તો હું અમારા સૌ વતી તને વિનંતી કરું છું કે તારી એ દુનિયામાં અમને લઈ જા, અમને અનુભવવા દે તારી એ ઉર્જાને, તું એમ કરીશ તો મને લાગશે કે, મને માફ કર્યો…તું અમને તારા અંતરની વાતો કર, તારા ભાવવિશ્વના દર્શન કરાવ…!”
સિદ્ધાર્થની આ વાતમાં ‘ની’ના મમ્મી પપ્પા અને બહેનોએ પણ સાથ પૂરાવ્યો. ‘ની’ થોડીક વાર કંઈક વિચારટી ઉભી રહી અને પછી બોલી, “સારું, હું આપ સૌને આવકારવા તૈયાર છું, પણ, તમારે સાચે જ મારી દુનિયા જોવી હોય તો થોડી ધીરજ ધરવી પડશે. મારી દુનિયા થોડી નાની છે, પણ તેને તમારી સમક્ષ લાવી મૂકવા મારે તેને થોડીક ગોઠવવી પડશે, તેની ગોઠવણી થોડોક સમય માંગશે, હા. કેમ કે એ લાગણીની દુનિયા છે અને લાગણી હમેશાં સમય માંગે છે, સમય આપવો જોઈએ, આખરે એને સમય જ જોઈતો હોય છે..!”
આટલું બોલતી ‘ની’ ઘરના નોકર ચાકરને લઈને પોતાના ઓરડામાં ગઈ. બાદમાં તેઓની મદદથી એ બંગલાની વચ્ચેના સૌથી વિશાળ હોલની વચ્ચે મોટા પડદા મુકાવ્યો. એ પડદાની પાછળની પોતાની દુનિયા સજાવી, ત્યાર બાદ પોતે તૈયાર થાય છે. હા… ‘ની’ તૈયાર થાય છે, પગમાં ઘૂંઘરું સજાવે છે અને થોડીક વાર બાદ ધીમું શાસ્ત્રીય સંગીત વાગે છે, અને પડદો ખૂલે છે. તા..થક..થૈ..થૈ.. તા ..તા… બધાના આશ્ચર્યની વચ્ચે ‘ની’ શાસ્ત્રીય સંગીતના તાલ પર આધારિત આરંગેત્રમ નૃત્ય કરે છે. તેની એક એક મુદ્રા અને ભાવથી બધા ચકિત થઈ જાય છે. પણ, હજી આ હજુ શરૂઆત હતી. ‘ની’ એમ જ આરંગેત્રમ કરતી કરતી… પાછળ ગોઠવાયેલા ઘણા બધા કેનવાસ પરથી પડદા હટાવતી જાય છે, એ ચિત્રો…’ની’ના જીવનની આખી કહાની કહી રહયા હતા. હા..બાળપણથી અત્યાર સુધીની ‘ની’ ની કહાનીને ‘ની’એ ચિત્રો દ્વારા કંડારી મૂકી હતી. ‘ની’ નું સમગ્ર ભાવ વિશ્વ તે ચિત્રમાં સમાયેલું હતું. બધા આશ્ચર્યજનક રીતે ‘ની’ ને જોઈ રહ્યા હતા. પણ, હજુ એક આશ્ચર્ય બાકી હતું. ‘ની’ એક ઓડિયો પ્લેયર ચાલુ કરે છે. ‘ની’ના સ્વરમાં રેકોર્ડ થયેલા ગીતો રજૂ થાય છે.
બાળપણથી લઈને યુવા વય સુધીના તેના અવાજમાં ગીતો અને કવિતાઓ સૂર રેલાવી રહ્યા હતા. બધાનું હ્રદય ખુશ થાય છે. એક પછી એક એવા આશ્ચર્યોથી પરિવારના તમામ સભ્યો હતપ્રભ બની રહે છે. બધા વિચારમાં છે કે ‘ની’ નૃત્યકાર, ચિત્રકાર અને ગાયક છે, તેનો સૂર આટલો મધુર છે, કોઈએ ક્યારેય સાંભળ્યો જ નહીં?
નવનીતલાલ, સુશીલાબહેન, આરોહી અને અક્ષરાને થયું કે જિંદગીના આટલા વર્ષો સાથે રહીને પણ અમને કંઈ ખબર જ ના પડી? અમે ‘ની’ ને કયારેય સમજ્યા જ નહીં? સાંભળી જ નહીં..? કે પછી અમે તેને બોલવાનો મોકો જ ના આપ્યો? તેની લાગણીઓ રજૂ કરવાનો અમે તેને મોકો જ ના આપ્યો..? લગભગ બધાની આંખો આશ્ચર્યજનક રીતે ચકિત હતી.
અને, ‘ની’ માઇક હાથમાં લઈને બોલી, “આ મારો ખજાનો છે, આનાથી વૈભવી ખજાનો દુનિયામાં કોઈ જ ના હોઈ શકે, ખજાનો એ નથી જે તમે આખી દુનિયા રખડીને શોધો છો અને પોતાની પાસે છુપાવો છો, ખજાનો એ છે જે તમે પોતે સર્જેલો હોય છે, તમારી ભીતર હોય છે, અને તેને તમે દુનિયા સમક્ષ દુનિયા માટે લઈ આવો છો. આજે હું મારા હાથે મારો ખજાનો તમારી આગળ રજૂ કરી દઉં છું, આ મારી દુનિયા કેવી લાગી? મારી આ દુનિયાની એક એક વસ્તુમાં ઉર્જા મેં ભરેલી છે, મારી આ દુનિયામાં કોઈ ક્ષતિ મેં નથી રહેવા દીધી કેમ કે હું ઇશ્વર નથી, હુ સ્ત્રી છું. આ બધું મેં જાતે જ કરી દીધું. જાતે શીખી લીધું. કલ્પના કરીકરીને, ક્યાંકથી કંઈક જોઈજોઈને, આપણી અંદર રહેલા ઈશ્વરની મદદથી. લોકો સવારે ઉઠીને બહાર દુનિયા જોવા નીકળતા હતા, બિલકુલ ત્યારે જ હું મારી ભીતર દુનિયા સજાવતી હતી. તમે જ્યારે બાહ્ય દુનિયાના રંગોની અનુભૂતિ કરવાની વાત કરતાં હતાં, ત્યારે હું મારા આંતરિક વિશ્વની અંદર મેઘધનુષ્ય સજાવતી હતી અને મને આનંદ હતો કે તમારી દુનિયામાં જે વસ્તુ ઈશ્વર લઈ આવતો, તે બધું મારી દુનિયામાં હું જાતે બનાવી લેતી હતી. તમે તમામ રંગોને જીવીને આવતાં, પણ હું પહેલાં મેઘધનુષ સર્જતી અને પછી તેના રંગો જીવતી. હાસ્તો, એ મારી આગવી વસ્તુ હતી, એક રીતે કહો તો હું નસીબદાર હતી કેમ કે તેમાં કોઈનો હિસ્સો નહોતો, એવું નહોતું કે.. મને મારી દુનિયામાં કોઈ જોઈતું નહોતું, પણ કોઈ મારી દુનિયામાં આવવાનો પ્રયત્ન, વિચાર કે માંગ કરતું નહોતું, અને મને કોઈ ફરિયાદ પણ નહોતી. કેમ કે… ફરિયાદ માટે પણ તમારું માઈન્ડ સેટ હોય છે, તમારે તેવો સ્વભાવ કેળવવો પડે છે, મારી ફરિયાદ હતી જ નહીં, મને એવું કંઈ થતું પણ નહીં, પણ ખબર નહીં કેમ જયારે ગુરુજી સમાનતા માટે બોલતા હતા ત્યારે મારાથી ના રહેવાયું અને હું બોલી ઉઠી કે બાહ્ય દુનિયા અસમાનતા ભરપૂર છે…!” આમ જ ‘ની’ બોલતી રહી, તેના હૃદયના તમામ પટલ ખોલતી રહી. તેની બહેનો, બંને જીજાજી અને મમ્મી-પપ્પા અને સાસુ-સસરા, સિદ્ધાર્થ અને અન્ય તમામ વ્યક્તિઓ ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં. બધાની આંખોમાં આંસુ હતાં.
‘ની’ ટટ્ટાર ઉભી રહીને પોતાની વાર્તા એ રીતે કહી રહી હતી કે જાણે કોઈ પ્રાર્થના ના કરતી હોય? હા.. તેણે પોતાનું સમગ્ર જીવન જાણે કે પ્રાર્થના બનાવી દીધું હતું. એક એક શબ્દમાં ‘ની’ની લાગણીઓ નીતરી રહી હતી. ‘ની’ આગળ બોલી, “હું સમજણી થઇ ત્યારથી મેં જોયું છે કે સંસારમાં સૌથી વધુ મૂલ્યવાન તમારૂ આંતરિક વિશ્વ છે તમે જે બાબતો પાછળ દોડો છો તે ક્યારેય એટલી મહત્વની હોતી જ નથી, જેટલી મૂલ્યવાન તમે તેને બનાવો છો, બની શકે જીવન જીવવા માટે કેટલીક બાબતો જરૂર પડે છે, પણ એનો મતલબ એ જ ભૌતિક વસ્તુઓ તમારું અંતિમ સત્ય છે. તમારું અંતિમ સત્ય તમારી ભીતર જ હોય છે, તમે પોતાનાથી બહાર જેટલા વધુ રહો છો, તેટલા તમે અસત્ય જીવન જીવ્યા કરો છો, કેમ કે બાહ્ય જીવન જીવવા મોટા ભાગે તમારે તમે જે છો એ બની રહ્યા સિવાય જીવવું પડે છે, અને તમારું તમે જે છો એ બન્યા, એ જીવવું જ સૌથી મોટું અસત્ય છે, તો પછી તે અસત્ય શું કામનું? અને એ અસત્યની સાથે કરેલા પ્રામાણિક કાર્યોની પણ માન્યતા કેટલી? સંસારમાં સૌથી અઘરું કાર્ય કોઈ મને પૂછે છે ને હું તમને બધાને જોઈએ એટલું કહી શકું છું કે આપણે જે છીએ તે બની રહેવું સૌથી અઘરું કાર્ય છે. અને હું મારા માટે કહું છું કે હું જે છું, હતી તે જ બની રહી, મેં ખૂબ સરળતાથી મારો રોલ નિભાવી દીધો બસ… તમે પણ સરળતાથી તમે જે છો, તે બની જાઓ તો હું માનું છું કે તમારા દિલમાં પણ એક ખજાનો છે, જે ખુલી જશે, તમારી અંદરનો એ ખજાનો ખોલવાનો વિચાર તો કરો.. સમગ્ર સૃષ્ટિ ધનવાન થઈ જશે, અતિ સુંદર અને મનોરમ્ય થઈ જશે, અને પરમ પિતાને ખૂબ આનંદ થશે. પરમ પિતા સમજાય છે? જેમણે તમને અને મને જન્મ આપ્યો, આકાર આપ્યો અને ફાઇનલી આ રંગ આપ્યો.. હા.. રંગ? તમને રંગ સમજાય છે..?” એક ક્ષણ માટે ‘ની’ અટકી ગઈ. તેની બંને આંખમાં એક એક આંસુ આવીને ઊભું રહ્યું. તેણે આંખમાંથી વહેતા એ આંસુઓને આંગળીના ટેરવે લઈને હવામાં ઉછાળ્યા, તે થોડીક વાર અટકી, તેના ગળે ડૂમો ભરાયો.
તે કંઈ બોલવા જાય એ પહેલાં ‘ની’ની બહેનો અને મમ્મી પપ્પા દોડીને ‘ની’ને વ્હાલથી ભેટ્યા. લગભગ બધાં રડતાં હતાં. દરેકની આંખના આંસુ ગાલ સુધી પહોંચી ગયા. ઉપરની ગેલેરીમાંથી આવતા સૂર્યના કિરણો તે આંસુઓ પર પડ્યાં. એક અનોખું પ્રિઝમ રચાયું અને તેનાથી હોલમાં લાગેલા પડદા પર અનોખો મેઘધનુષ રચાઇ ગયો. ‘ની’ ની બંને બહેનો પોતાના હાથથી ‘ની’ના ગાલ પંપાળી રહી હતી અને બોલી રહી હતી, “”ની’, અમને તારા જેવી બનાવી દે, તારા દિલ જેવી સુંદર બનાવી દે, તારા જેવી ખૂબસૂરત બનાવી દે… WE want to be like YOU and WE mean IT.. WE love YOU so much…YOU are simply Superb..!” બધાં હેતથી ‘ની’ને વળગી રહ્યા. થોડીક વાર બાદ વાતાવરણ સામાન્ય બન્યું.
‘ની’ બધાને પ્રમાણ કરતી મા પાસે ગઈ. સુશીલાબહેન તેને વળગીને બહુ રડ્યાં. તેમણે ‘ની’ પર એટલી બધી લાગણી વરસાવી કે અને ‘ની’ નો બાહ્ય ખજાનો આજે ભરપૂર થઈ ગયો.
પછી વાતાવરણ સહજ થતાં ‘ની’ બોલી, “સૌના પ્રેમ અને લાગણીથી મારો ખજાનો મિનિટોમાં સેકડો ઘણો વધી ગયો, દુનિયાના કોઈ ખજાનામાં આવી તાકાત નથી હોતી. ભૌતિક ખજાનો જિંદગીના અંત સુધીની અંધાધૂંધ દોડ બાદ મળે છે અને તે ખજાનો ક્ષય પણ થતો જાય છે, જ્યારે મારે ઊંધું થઈ ગયું, મારો ખજાનો હજુ ખૂલ્યો જ હતો કે પળમાં તો વિરાટ બની ગયો, આપ સૌએ પ્રેમ અને લાગણીથી મારા ખજાનાને વિરાટ બનાવી દીધો..!”
સિદ્ધાર્થ બોલ્યો, “‘ની’, મેં તને ઓળખવામાં ભૂલ કરી પણ હું કબૂલ કરું છું કે તને પામીને હું ધન્ય થઈ ગયો છું. મને ખૂબ આનંદ છે કે મારા જીવનમાં ‘ની’ છે, હું તારા લાયક બનવા પ્રયત્ન કરીશ…!”
આમ, એ અદ્ભૂત દિવસ પસાર થયો. સૌ પોતપોતાના ઘરે ગયા.
** ** ** ***
એક મહિના પછી શહેરમાં સૌથી મોટું એક્ઝિબિશન યોજાયું હતું. ‘ની’એ બનાવેલા તૈલચિત્રોની હજારો રૂપિયાની બોલી લાગી રહી હતી. કોઈએ ‘ની’ને પૂછ્યું,”‘ની’, તમે તમારું ભાવ વિશ્વ વેંચી રહ્યા છો?” ‘ની’એ જવાબ આપ્યો, “ના, ના, એવું નથી, ભાવ વિશ્વ મારુ આંતરિક જગત છે, જે હું ઇચ્છુ તોય ના વેંચી શકું, અને રહી વાત આ ચિત્રોની… તો તે વેંચીને.. તેમાંથી મળનારા રૂપિયાથી એક એડવેન્ચર પાર્ક અને એક સ્વાવલંબી સંસ્થા બનાવવા જઈ રહી છું. જેનું નામ છે, “THE WORLD OF ‘NI’…” જ્યાં કોઈ પણ જાતની અસમાનતાને સ્થાન નહીં હોય, જ્યાં સ્ત્રીને સમજાશે કે સર્વની છે, જ્યાં સ્ત્રીને પોતાની જાતને એમ પૂછીને એકલા નહીં પડી રહેવું પડે કે સ્ત્રી તો કો’ની’, જ્યાં સ્ત્રીનો દરજ્જો ભગવાનની સમકક્ષ હશે, જ્યાં જીવનને લગત બધા નિયમો સ્ત્રીએ જ બનાવ્યા હશે…!”
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”