ત્યારે પણ અત્યારે પણ…
ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી
ત્યારે પણ, અત્યારે પણ
હવે નથી ઓફિસ જાવાનું
ના કોઇ ઘરનાં કામે પણ
ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી
ત્યારે પણ અત્યારે પણ
હવે લટકતો કોટ કબાટમાં,
લંચબોક્સ અભરાઇ પર
હાથરુમાલ ને પેન ને પાકિટ,
બ્રીફકેસ પણ ટેબલ પર
ચશ્મા કેવળ રહ્યા સાથમાં ,
ત્યારે પણ અત્યારે પણ
છાપું લઇને હીંચકે બેસું
કોફી પીતાં ઝૂલું છું
છેલ્લું પાનું વાંચું છું ત્યાં
પહેલું પાનું ભૂલું છું
કોફી,હીંચકો, છાપું સાથી ,
ત્યારે પણ અત્યારે પણ
આમ તો સહુ છે આસપાસ
પણ કોઇની પાસે સમય નથી
પત્ની મસ્ત છે પોતાનામાં
એવું નથી કે પ્રણય નથી
દીકરી કેરો ફોન આવતો
ત્યારે પણ અત્યારે પણ
હવે બધાંયે વ્યસ્ત,મસ્ત છે ,
અસ્તવ્યસ્ત છું કેવળ હું
ઘેરાયેલા નભમાં તરતું
વરસી ગયેલું વાદળ છું
ગમતું આષાઢી આકાશે
ત્યારે પણ અત્યારે પણ
નથી કોઇ ફરિયાદ મને બસ
યાદ આવતાં વરસો એ
હુંય દોડતો ભાગતો ઊડતો
પડતો ને આખડતો એ
હતો એકલો ત્યારે પણ ને
એકલો છું અત્યારે પણ
રાહ જોઉં છું સાંજ થવાની ,
બેસું બાગને બાંકડે જઇ
મિત્રો સાથે સમય વીતાવું
જૂની ફિલ્મનાં ગીતો ગઇ
“અજીબ દાસતાં” ગાવું ગમતું
ત્યારે પણ અત્યારે પણ
– તુષાર શુક્લ