સાંજ નો સમય હતો.ઘરના આંગણામાં નિર્ભયા રોજ ની જેમ એની ડાયરી લઈને હીંચકે બેઠી.
જેવું નામ એવું જ વ્યક્તિત્વ. સુંદર દેખાવ ને પ્રભાવશાળી ચેહરો. આંખો રમતિયાળ માછલી જેવી અને અડકો તો પણ ડાઘ પડે એવું એનું રૂપ. તેજ એટલું જાણે સાક્ષાત માં દુર્ગા બેઠા હોય. એને રોજ દિવસ માં સારું કે કંઇક નવું શું કર્યું? એ લખવાનો શોખ હતો.
હજી લખતી જ હતી કે એટલામાં સૃષ્ટિ ત્યાં આવી. એકદમ ડરેલી ને હાથ માંથી લોહી નીકળતું હતું. કંઇ જ પૂછ્યા પેહલા નિર્ભયા દોડી ને ફર્સ્ટ એડ બોક્સ લઈ આવી. હાથ ની માવજત થી સારવાર કરતા નિર્ભયા એ પૂછ્યું, ‘ આ બધું શું છે બેટા? આ કેવી રીતે વાગ્યું? અને તું આટલી ડરેલી શાં માટે છો? ‘ દીદી મને બહુજ ડર લાગે છે. હું ઘરે નહિ જાઉં. ‘ ‘ અરે પણ થયું શું એતો જણાવ કદાચ હું તારી કંઇક મદદ કરી શકું. ‘ નિર્ભયા એ ભાર આપતા કહ્યું.
‘ દીદી મે મારા કાકા ને માર્યું છે અને આ ઘાવ પણ એનો જ છે. ‘ સૃષ્ટિ બોલી. ‘ કારણ? મને વિશ્વાસ છે તે કંઇ ખોટું તો નહિ જ કર્યું હોય હવે મને માંડીને વાત કર. ‘
હા તો દી તમે સાંભળો, ‘ હું નાહી ને નીકળી અને રૂમ માં કપડાં પહેરતી હતી. મને દરવાજા પાસે કોઈક છે એવું લાગ્યું. થોડું નજીક જઈને જોયું તો કી હોલ માંથી કોઈક રૂમ માં જોવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ટેબલ આડું રાખી કપડાં પેહરી હું બહાર નીકળી. તો દરવાજા પાસે કોઈ જ નહોતું. આવું ૨-૩ દિવસ થયું. એટલે મને વહેમ થયો. આ વખતે મે નક્કી કર્યું નહાવા જવા માટે રૂમ માં તો ગઈ પરંતુ બાથરૂમ નો દરવાજો ખાલી ખોલ્યો અને બંધ કર્યો અને હું દરવાજા પાસે સંતાઈ. ‘ નિર્ભયા એ આતુરતાથી પૂછ્યું, ‘ પછી શું થયું? ‘ પછી ૫ જ મિનિટ માં મે રૂમ નો દરવાજો ઓચિંતો ખોલ્યો. અને જોઉં તો આ શું એતો મારા કાકા હતા. રોજ હું નહિ ને નીકળું ને મારા રૂમ માં એ મને જોવાનો પ્રયાસ કરતાં આવું વિચારીને પણ હું સ્તબ્ધ થઈ ગઈ. ‘
નિર્ભયા એ પૂછ્યું, ‘ આગળ તે શું કર્યું? ‘ ‘ મે પપ્પા ને બોલાવાનો પ્રયાસ કર્યો તો મને રૂમ માં ધકેલી ને કહેવા લાગ્યા, ‘ કોઈને કહીશ નહિ. હું રોજ મારી ઢીંગલી ને પોકેટમની આપીશ ઓકે?’
તો પણ મે ગુસ્સા થી એમની તરફ જોયું અને આગળ વધી. તો મને રોકવા મારા બંને હાથ જકડી રાખ્યા અને કહેવા લાગ્યા, ‘ જો તું કોઈને કહીશ તો હું તારું ભણવાનું બંધ કરાવી દઈશ. ‘ એણે એમ કે હું દરી જઈશ. ગુસ્સો એટલો આવ્યો મને કે એક તો ચોરી ઉપરસે સીનાજોરી. ધક્કો માર્યો મે એમને અને તમે શિખવેલ કરાટે ના દર્શન કરાવ્યા. આ એમાં જ લાગી ગયું.’ નિર્ભયા હસવા લાગી. ખૂબ જ ખુશ થઈ સાંભળીને અને સૃષ્ટિ ની પીઠ થાબડતા બોલી , ‘ શાબાશ મારી જાંસી ની રાણી. મને ગર્વ છે તારા પર. ‘
‘ દીદી આ શું? મને એમ કે મને કોઈ ઠપકો આપશો કે હમણાં સમજાવશો. કે આમ કરાય આમ ન કરાય. ‘ અચરજ પામેલી સૃષ્ટિ એ કહ્યું. વળતા માં નિર્ભયા બોલી, ‘ ઠપકો શાં માટે ? તે કંઇ જ ખોટું નથી કર્યું. મને તો ગર્વ છે કે તે પોતાની જાત માટે કંઇક પગલું ભર્યું. ‘ સૃષ્ટિ ફરી બોલી, ‘ દીદી આટલી સહજતાથી મારી વાતનો સ્વીકાર અને પ્રોત્સાહન ખરેખર તમે બધા થી અલગ છો. તમને તો ક્યારેય આવી મુશ્કેલી જોવી પણ નહિ પડી હોય એવું હું માનું છું. ‘
‘ ના એવું નથી. મે જોયુ છે ઘણું અને હું ઇચ્છુ છું કે તને એનો અંશ માત્ર પણ જોવો ના પડે. પણ તોય એવું શક્ય નથી કારણ કે એક ઘર છોડીને બીજા ઘર ની આ જ કહાની છે. જેની જલક તે આજે જોઈ એના બઉ ખરાબ પરિણામો હું ભોગવી પણ ચૂકી છું. ‘ સૃષ્ટિ એ સહજતાથી કહ્યું ‘ તમે જો સંકોચ ના અનુભવતા હોય તો મારી સાથે વાત કરી શકો છો. મને જણાવો શું થયું હતું. ‘ નિર્ભયા બોલી, ‘ સારું હું જણાવીશ તું જા નાહી લે અને જમી લે હું તારા ઘરે ફોન કરી દઉં છું કે તું આજે અહીં જ રાત રોકાશે. ‘ જમણવાર પતાવી ને બંને રૂમ માં સુવા માટે ગઈ પણ સૃષ્ટિ ને હવે ઊંઘ થોડી આવે? ફરી નિર્ભયા ને પૂછ્યું, ‘ દી શું થયું હતું? મને જણાવો ને.પ્લીઝ.’ ‘ હા હા હું કહું છું એટલું કહી નિર્ભયા એ વાત શરૂ કરી.
(ક્રમશ:)