આ વાર્તા આપેલ ચિત્રના રૂપક પરિપ્રેક્ષ્ય પર આધારિત છે
એવું લાગી રહ્યું છે, જાણે યુગો પહેલા જે અરીસો અમારાથી તૂટી ગયો હશે, તે આજે એક દાયકાના અંધકાર અને દુર્ભાગ્યને અમારા વર્તમાન પરિસ્થિતિમાં ભેળવી ગયો.
ક્યાંથી શરૂ કરું…ખબર નહીં. આખું દુ:ખ જાણે એક દુષ્ટ વર્તુળ હતું, જેમાં એક આફતે બીજી તકલીફને આમંત્રણ આપ્યું, અમારી પડતી થવા લાગી અને અમારી બધી ખુશીઓને એક ભૂખ્યા નાગની જેમ ગળી ગઈ.
“માલતી, શું આજે તારે પાઠશાળાએ નથી જવાનું?”
મમ્મીએ મને પાછળથી અવાજ દીધો. મારી નજર બારીની બહાર, અમારા ગામના એકમાત્ર વિશાળ બંગલા તરફ ઈર્ષ્યાપૂર્વક જોઈ રહી હતી. મારી વેદનાને નિસાસા પાછળ છુપાવતા, મેં મારા આંસુ લૂછયા અને મમ્મી તરફ વળી.
નજીક આવતા, મારી આંખમાં આંસુ જોઈને મમ્મી નિરાશ થઈ ગઈ. મારા ખભા પર હાથ મૂકીને તેમણે ટિપ્પણી કરી, “માલતી, તું ભગવાનની કૃત્ય ઉપર ક્યાં સુધી રડતી રહીશ? હવે એ વાતને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે.”
“ભગવાનની ક્રૂર કૃત્ય, મમ્મી!” બોલતા પહેલા જ મારા શબ્દો ગૂંગળાઈ ગયા.
મેં ફરી બારીની બહાર જોયું અને બંગલા તરફ ઈશારો કર્યો. “કેટલાક લોકો સોનાની ચમચી લઈને જન્મે છે. મને લાગે છે કે પ્રભુએ આપણા હિસ્સાનો સૌભાગ્ય પણ તેમને આપી દીધો છે. જુઓ તેઓ કેટલા ખુશ છે!”
“માલતી..!?!”
મમ્મીએ મારો હાથ પકડ્યો અને અમે અમારા નાનકડા ખખડી ગયેલા ઘરની જમીન ઉપર બેસી ગયા. “માલતી, વાડની બીજી બાજુ ઘાસ હંમેશા લીલું જ દેખાય. શ્રીમંત હોવાને સુખ સાથે કોઈ લેવાદેવા નથી. કેમ ભૂલી ગઈ, તે જ બંગલાની માલકીન આજે આપણી મદદ કરી રહી છે. તેણે તારી મમ્મીને તે સમયે નોકરી આપી જ્યારે આપણે બધું જ ગુમાવી દીધું હતું. અને બેટા, તેમના ઘરે કામ કર્યા પછી જ મને ખબર પડી કે શ્રીમતી ચૌધરી દિલની મરીઝ છે, તેમને ડાયબીટિસ છે અને પરિવાર હોવા છતાં, તેમની સાથે વાત કરવાવાળું કોઈ નથી. કલ્પના કર, તે કેટલી ઉદાસી અને એકલતા અનુભવતી હશે?”
મમ્મીએ મારા વાળ સહેલાવ્યા, અને મને બાથમાં લેતા, પ્રેમથી સાંત્વના આપી, “માલતી, દરેકના જીવનમાં મુશ્કેલ તબક્કો આવે છે, તેને કસોટીનો સમય સમજવાનો. તું મારી બહાદુર છોકરી છે અને સમગ્ર સમય દરમિયાન મજબૂત રહી, તો પછી આજે શા માટે નિરાશા દર્શાવે રહી છે? ચિંતા નહીં કર, જલ્દી જ બધું સારું થઈ જશે.”
એક ઊંડો નિસાસો લઈને મેં મન વગર કહ્યું, “ચાલો જોઈએ. ભગવાન જાણે આપણાં ઉદાસ દિવસો ક્યારે બદલાશે?”
મમ્મી ઊભી થઈ, મને તેની સાથે ખેંચી અને પર્સ ખભા પર મુકતા કહ્યું. “બસ. બહુ થઈ ગયું રોવા-ધોવાનું અને ફરિયાદ કરવાનું. તૈયાર થા અને કામે જા. મને પણ મોડું થાય છે, સાંજે મળીશું.”
મમ્મી, પપ્પા અને હું; અમે, દિવાકર પરિવાર, બે વર્ષ પહેલા સંપૂર્ણ રીતે ખુશ હતા. અમારું પોતાનું ઘર અને સુંદર ખેતર હતું. પછી અશુભ નિયતિએ અમને તેના ચુંગાલમાં જકડી લેવાનો નિર્ણય લીધો. ગામના અમુક બદમાશ યુવાનોએ પીધેલી હાલતમાં અમારા ખેતરમાં આગ લગાડી નાખી. બધું બળીને રાખ થઈ ગયું અને અમે કંઈપણ બચાવી ન શક્યા.
અલબત્તા, ગુનેગારો પોલીસના હાથે ઝડપાઈ ગયા, પણ મારા પપ્પાને લકવો મારી ગયો અને તેઓ પથારીવશ થઈ ગયા. મમ્મી અને હું પપ્પાની સંભાળ રાખવા અને બહાર કામ કરવા વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. પપ્પાની સારવાર મોંઘી હતી અને અમારે ઘર વેચવું પડ્યું. અઢાર મહિનાની વેદના પછી પપ્પાનું હૃદયરોગના હુમલાથી અવસાન થઈ ગયું.
અમારા દુ:ખ અને વ્યથાની કોઈ સીમા ન રહી. તેમ છતાં, મમ્મી મારા કરતાં વધુ હિંમત વાળી નીકળી. તેણે ન ફક્ત પોતાની જાતને સંભાળી લીધી, પરંતુ મને પણ સારા ભવિષ્ય માટે આશાવાદી બનાવી, પ્રોત્સાહિત કરતી રહે છે. મમ્મી કહે છે, કે દરેક નિરાશામાં એક આશાનું કિરણ છુપાયેલું હોય છે. કોણ જાણે, અમારો વારો ક્યારે આવશે!
તો આ છે મારું ઉદ્દેશ્યહીન, કંટાળાજનક જીવન, જે હું અત્યારે જીવી રહી છું. હું માલતી દિવાકર, ચોવીસ વર્ષની દિશાહિન, ગ્રેજ્યુએટ યુવતી; ગામની પાઠશાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. મારી રુચિઓ અને શોખ ક્યારના ગાયબ થઈ ગયા છે, અને હું ભાગ્યે જ મારા મિત્રો સાથે ફરવા જાઉં છું. તેમાંથી કેટલાકના તો લગ્ન પણ થઈ ગયા છે.
* * * * * *
“માલતી, જો તો કોણ આવ્યું, હું રોટલી વણી રહી છું.”
“જી મમ્મી.”
બેલ વાગી અને હું દરવાજો ખોલવા ગઈ. તે ટપાલી હતો. તેના હાથમાં એક પરબિડીયું હતું જેના પર સત્તાવાર સ્ટેમ્પ હતી. “મારી પાસે શ્રીમતી મધુ દિવાકર માટે રેજીસ્ટર એડી છે.”
“મમ્મી, તમારા માટે છે.”
ટપાલીના ગયા પછી, જ્યારે મમ્મીએ કવર ખોલ્યું અને પત્ર વાંચ્યો, ત્યારે તેના ચહેરા પર એટલી મોટી સ્મિત ફેલાણી, જે મેં બે વર્ષમાં ક્યારેય નહોતી જોઈ.
“મમ્મી, આ શું છે?”
મમ્મીએ મને આલિંગન કરી અને બોલી ઉઠ્યા. “ખેતર બળવાથી જે નુકસાન થયું હતું, તેનું સરકારે વળતર આપ્યું છે.”
મારી આશા વધાર્યા વિના મેં તેમને હળવેથી પૂછ્યું, “કેટલું છે?”
મમ્મી જોરથી બોલ્યા, “૫૦,૦૦૦/- માલતી!!”
હું અવિશ્વસનીય થઈ, મમ્મીને જોતી રહી. “હ…….!!! શું ખરેખર મમ્મી?”
તેમણે મને ફરીથી ગળે લગાડતા કહ્યું, “બેટા, મેં તને નહોતું કહ્યું, કે આશા ન છોડ? સૂર્ય હંમેશા ત્યાં જ હોય છે, અને ચોક્કસ કાળા વાદળોની પાછળથી ચમકીને બહારે આવે છે.”
તેમનો આનંદ ચેપી હતો અને મને પણ વળગી ગયો. મારા મોઢે જે સ્મિત આવ્યું તે એમની ખુશીનું પ્રતિબિંબ હતું.
આગળ વાત ઉમેરતા પહેલા મમ્મીએ મને કપાળે ચુંબન કર્યું, અને ઉત્સુકતાથી કહ્યું “હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણા સૂર્યપ્રકાશી અને મેઘધનુષી દિવસો ફરી આવી ગયા છે. માલતી, આપણી બચત અને સરકારના આ પૈસાથી, આપણે આપણા ઘરનું સમારકામ કરીશું અને એક સારા, યોગ્ય છોકરા સાથે તારા લગ્ન પણ કરાવીશ.”
નિરાશા પછી આશા છે અને અંધકાર પછી ઘણા સૂર્ય છે. – રૂમી
શમીમ મર્ચન્ટ