“મયંક, જો નિખિલ આજે અહીં હોતે તો એમ.બી. એ ના કયા વર્ષમાં હોત?”
પત્ર લખતા પહેલા માહીએ તેના પતિને પુષ્ટિ કરવા માટે પુછ્યું. સ્તબ્ધ થઈ, મયંક માહીને જોતો રહી ગયો. આ સ્ત્રી પાસે કેટલી સહનશીલતા હતી? આટલી મોટી વેદના અને દુ:ખ સહન કરવા તે આટલું વિશાળ હૃદય ક્યાંથી લાવી? પ્રેમ સાથે, મયંકનું હૃદય તેની પત્ની માટે ગર્વ અને સમ્માનથી ભરાઈ આવ્યું. તેણે હળવેકથી કહ્યું, “કદાચ બીજા વર્ષમાં.”
માહી એક ક્ષણ માટે ધ્રૂજી ગઈ. તેણે પોતાના આંસુ છુપાવવા ઝડપથી મયંકની સામેથી નજર ફેરવી અને પત્ર લખવાનું શરૂ કર્યું.
“મારી પ્રિય મમ્મી,
આશા છે કે તમારી તબિયત પહેલા કરતા સારી હશે. દિલગીર છું, આ વખતે તમને લખવામાં વિલંબ થયો. મને કૉલેજમાં એક નવો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે, જેને સમયસર પૂરું કરવા માટે, હું દિવસરાત એક કરી રહ્યો છું. પરંતુ મારા વિશે હ્રુદય પર બોજ લેવાની જરૂર નથી. હું સારું અને નિયમિત ખાઉં છું. તદુપરાંત, ઊંઘ પૂરી કરવાનો પણ પ્રયત્ન કરું છું.
હું તમારા છોલે ભટુરે ખૂબ જ મિસ કરું છું. પ્લીઝ, દીદીને કહેજો કે મને તમારી રેસીપી મોકલે, હું તેને બનાવવાનો પ્રયત્ન કરીશ. જો કે, મને ખાતરી છે કે તેનો સ્વાદ તમારા જેવો નહીં આવે.
મમ્મી, તમારી ખૂબ કાળજી રાખજો અને દવાઓ નિયમિત લેતા રહેજો. એક પણ ડોઝ ભૂલશો નહીં, ઠીક છે? અમારા બધા માટે તમારે જલ્દી સ્વસ્થ થવાનું છે. કહેવાની જરૂર નથી, હું જાણું છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે.
તમારો પ્રેમાળ પુત્ર,
નિખિલ.”
માહી એના સ્વર્ગસ્થ ભાઈના નામના હસ્તાક્ષર કરતી વખતે એકદમ ભાવુક થઈ ગઈ, અને પોતાની લાગણીઓને અંકુશમાં રાખી ન શકી. તેનું દુ:ખી હૃદય ભરાઈ આવ્યું, અને રોકાયેલા આંસુ ગાલ ઉપર છલકી આવ્યા.
તેનો નાનો ભાઈ નિખિલ, ઘણા બધા સપના અને આકાંક્ષાઓની સાથે અભ્યાસ માટે લંડન ગયો હતો. તેની વિદાયથી મમ્મી ખૂબ નારાજ થઈ હતી. ત્યારે નિખિલે તેમને એમ.બી.એ પૂર્ણ કર્યા પછી ઘરે પરત ફરવાનું વચન આપતા સાંત્વના આપ્યું.
“મમ્મી, તમે ચિંતા ના કરો. હું ત્યાં ફક્ત ભણવા જાઉ છું. ન નોકરીની પાછળ, અને ન છોકરીની પાછળ દોડીશ. મને તો મારા વ્હાલા મમ્મી સાથે રહેવું છે.”
નિખિલની ઈચ્છાઓને સ્વીકારી, મમ્મીએ સ્મિત કરતાં તેનું નાક ખેંચ્યું અને બાથમાં લઈ લીધો.
નિખિલ સાથે પરિવારની એ છેલ્લી મુલાકાત હતી. છ મહિના પહેલા કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ ગયું. તેના કુટુંબના સદસ્યો પર એક સાથે બે બોમ્બ ફૂટ્યા. એક તરફ નિખિલની મૃત્યુના સમાચાર આવ્યા, અને બીજી બાજુ મમ્મીને જાનલેવા બીમારીનું નિદાન થયું.
માહીની આખી દુનિયા જાણે ઉથલપાથલ થઈ ગઈ, અને તે એકદમથી પડી ભાંગી. પરંતુ તેને અન્ય પરિવારજનોને સાચવવાના હતા, ખાસ કરીને તેની મમ્મીને, જેથી એને પોતાને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી હતું.
મયંકને પત્ર સોંપતા, માહી ગદગદ થઈ, ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મયંક આવીને તેની બાજુમાં બેઠો અને માહીને પોતાની બાંહોમાં લઇ લીધી. તે એને શું આશ્વાસન આપતે? તેની પોતાની આંખો ભીની હતી. માહીના માથે હાથ ફેરવતા, મયંક એ તેને ધીમેથી પૂછ્યું, “માહી, આવું ક્યાં સુધી ચાલશે? નિખિલના કાર અકસ્માતના સમાચાર તું ક્યાં સુધી મમ્મીથી છુપાવીશ?”
માહીએ તેના આંસુ લૂછ્યા અને પીડાભર્યા અવાજમાં જવાબ આપ્યો, “જ્યાં સુધી મમ્મી શ્વાસ લઈ રહી છે, ત્યાં સુધી. ડૉક્ટરે કહ્યું છેને, કે એમની પાસે અમુક મહિના જ બાકી છે. મયંક, મમ્મી નિખિલનું દુઃખ સહન નહીં કરી શકે. નિખિલના નામથી, મારા લખેલા પત્રો, કાંઈ નહીં, પણ તેમની આશા તો બાંધી રાખે છેને!”
મયંકે માહીના કપાળે ચુંબન કર્યું અને બન્ને એકબીજાને વળગીને થોડીકવાર ચૂપચાપ બેઠા રહ્યા. અમુક સેકંડ પછી, માહીએ કહ્યું, “મયંક, સારું છે કે મમ્મી સાંભળી નથી શકતી, નહીંતર જો તે નિખિલ સાથે ફોન પર વાત કરવાની જીદ કરતે તો આપણે શું કરતે?”
એક ચીંથરેહાલ નિસાસો લેતા, મયંકે હામી ભરી અને કહ્યું, “સાચું કહ્યું માહી. કદાચ આ તારા પત્રો છે જે પુત્ર માટે મમ્મીની રાહને અર્થ આપે છે.”
માહીના ચહેરાને પોતાના બંને હાથમાં લેતા, મયંકે એની સામે પ્રેમથી જોયું અને તેની પ્રશંસા કરી,
“તું કમાલની વ્યક્તિ છે માહી, અને એ જ કારણ છે, જે તને એક સંપૂર્ણ પત્ની, બેન અને દીકરી બનાવે છે.”
ત્રણ મહિના પછી, તેનો પુત્ર જલ્દી પાછો આવશે, એવી આશા સાથે મમ્મીનું અવસાન થઈ ગયું.
શમીમ મર્ચન્ટ