“જો જરૂરી ન હોત તો હું જાત જ નહીં.”
“તમે ચિંતા ના કરો માસી, હું છુને, માસાનું ધ્યાન રાખીશ.”
“જીવતી રહે દીકરી, ખુશ રહે.”
રમાએ મરિયમનાં માથે હાથ ફેરવતાં કહ્યું.
ભાઈ અતિશય બીમાર હતો અને રમાને ઓચિંતાનું અમદાવાદ જવાનું થયું. સિત્તેર વર્ષનાં એમનાં પતિ હસમુખભાઈને હ્રદયની બિમારી હતી. એક દીકરી હતી; પણ પોતાનાં પરિવારમાં વ્યસ્ત અને ઘણી દૂર રહેતી હતી. બસ, અટકે સટકે પાડોશી મરિયમનો આશરો હતો. હસમુખભાઈએ રમાને જવાની રજા તો આપી; પણ એમને એક ડગલું પણ રમા વગર ચાલતું નહીં. રમા સુરતથી અમદાવાદ હજી માંડ પ્હોંચી ત્યાંતો પાછળથી હસમુખભાઈની તબિયત બગડી. અને એવી બગડી કે ઊભાં પણ ન થઈ શકે. મરિયમ ચાનું પૂછવા આવી તો જોયું હસમુખભાઈનો શ્વાસ ફુલી રહ્યો હતો અને આંખો ઉપર ચડી ગઈ હતી.
તરતજ, પાણી પીવડાવવા મરિયમે હસમુખભાઈને જેમ તેમ બેઠાં કર્યાં. મરિયમે હસમુખભાઇને જેવા બેઠાં કર્યા કે એમને તરતજ ઊલ્ટી થઈ ગઈ. જેનાથી મરિયમના કપડાં પણ ખરડાઈ ગયાં. હસમુખભાઈને બોલવાનાય હોંશ કોશ નહોતાં. એક ક્ષણ માટે મરિયમ પણ ચોંકી ગઈ, પણ હસમુખભાઈને ધરપત આપતાં બોલી,
“કંઈ વાંધો નહીં માસા, હું હમણાં જ કપડાં બદલીને આવું છું.
પછી તો મરીયમનો પતિ સાદિક આવ્યો, હસમુખભાઈનાં કપડાં બદલાવ્યા અને એમ્બ્યુલન્સ બોલાવી. એમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં, પછી જરૂરી બધા ફૉન ફેરવ્યાં. દીકરી બીજાં દિવસે આવી અને રમા ત્રણ દિવસ પછી. ત્યાં સુધી મરિયમ અને સાદિક હસમુખભાઈ પાસે હૉસ્પિટલમાં રહ્યાં અને ડોક્ટર દ્વારા સૂચવેલી બધી માવજત કરી. હસમુખભાઈ અને એનો પરિવાર મરિયમ અને સાદિકનો આભાર માનતાં ન થાક્યાં. મરિયમના કપાળે ચુંબન કરતાં રમાએ કહ્યું,
“દીકરી, તારૂં અને અમારું કોઈ સગપણ નથી. પણ
સંબંધ સાચવતાં તારી પાસેથી શીખવું પડશે.”
Related