કરી છે અમે એકધારી પ્રતીક્ષા,
નસેનસમાં જાણે ઉતારી પ્રતીક્ષા.
બધા કામમાંથી મેં નિવૃત્તિ લીધી,
હવે કામ એક જ તમારી પ્રતીક્ષા.
કદીપણ ન આવ્યા તમે એટલે તો,
છે વર્ષો પછી પણ કુંવારી પ્રતીક્ષા.
સતત ધ્યાન રાખ્યું કે આંસુ ન આવે,
અમારે નથી કરવી ખારી પ્રતીક્ષા !
કદી ગીત ગાયાં, કદી ખૂબ નાચ્યા,
અમે એવી રીતે સંવારી પ્રતીક્ષા.
બધા માર્ગ સુંદર, સુંવાળા બનાવ્યા,
અમે રોજ થોડી સુધારી પ્રતીક્ષા.
પ્રતીક્ષા વિશે હું વધારે તો શું કહું?
સમય કાપવાની કટારી પ્રતીક્ષા.
– કિરણસિંહ ચૌહાણ