નવરાત્રી એક વૈજ્ઞાનિક તહેવાર છે એટલે કે ખૂબ ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ એની ઊજવણીમાં રહેલી છે. ક્યારેક આપણને એ સમજાય છે તો ક્યારેક નથી પણ સમજાતી પરંતુ જો વાસ્તવિક સમજણ અને વિજ્ઞાન આપણને સમજાય તો તેનો વિશેષ લાભ આપણે લઈ શકીએ. આમ તો દરેક તહેવાર વ્યક્તિમાં શારીરિક અને માનસિક શક્તિનો સંચાર કરે જ છે પરંતુ નવરાત્રિ એ દૃષ્ટિએ વધુ વિશિષ્ટ છે.
સામાન્ય રીતે લગભગ બધા જ તહેવાર દિવસે ઉજવવામાં આવે છે માત્ર નવરાત્રિની ઉજવણી જ રાત્રે થાય છે. કારણકે શરદઋતુ સખત ઉકળાટ તેમજ રોગચાળાની ઋતુ છે. આ ઋતુ જો વ્યક્તિ હેમખેમ પાર પાડી શકે તો સમગ્ર વર્ષ નિરોગી રહે તેવી માન્યતા છે. આસો માસ શરદી અને ગરમીના સંધિકાળનો સમય છે. સામાન્ય રીતે સંધિકાળમાં અનેક જીવજંતુઓ અને રોગોના જીવાણુઓનું સર્જન થાય છે. આવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારતા ગરબા અમૃત સમાન બની રહે છે. ગરબા-રાસ જેવી પ્રવૃત્તિ કે કસરત દિવસની ગરમી દરમિયાન ન કરતા રાત્રિના સમયમાં કરવાની વ્યવસ્થા ખૂબ વૈજ્ઞાનિક છે. પ્રદક્ષિણા કરવી એ માત્ર નૃત્યનો એક પ્રકાર નથી પરંતુ શરીરમાં જમા થયેલો કફ તેમજ પિત્તરૂપ વિષદ્રવ્યો બહાર કાઢવામાં ખૂબ મદદરૂપ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સહિત તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે અને શક્તિ મેળવે છે આ જ તર્ક ગરબાની ક્રિયામાં પણ લાગુ પડે છે. વોશિંગ મશીનમાં ગંદા કપડાં ગોળ-ગોળ ફરી મેલ બહાર ફેંકે છે એ જ રીતે ગરબા દ્વારા શરીરનો મેલ (વિષરૂપદ્રવ્ય) બહાર ફેકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સૃષ્ટિના દરેક પદાર્થના અણુમાં એક કેન્દ્ર હોય છે જેની આજુબાજુ ઈલેક્ટ્રોન્સ ગોળગોળ ફરે છે. જેની શક્તિ અમાપ છે. આ ઈલેક્ટ્રોન્સની શક્તિથી જ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ ચાલે છે. વિચારો નિર્જીવ ઇલેક્ટ્રોન્સમા આટલી શક્તિ હોય તો જીવંત મનુષ્યમાં કેટલી હોય? અને એ મનુષ્ય જો શ્રદ્ધાથી ગરબા દ્વારા શક્તિનો પ્રાદુર્ભાવ કરે તો શું ન પ્રાપ્ત થઈ શકે?
મનુષ્યનું શારીરિક સ્વાસ્થ્ય જ નહીં માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ ગરબાથી પ્રાપ્ત થઇ શકે. પરંતુ એ ન ભૂલવું કે આવા ગરબા કૃત્રિમ લાઈટ, બંધ હોલ અને સ્ટીરીયોફોનિકસાઉન્ડવાળા ન ચાલી શકે કેમ કે તે ફાયદા કરતા વધારે નુકશાન કરે છે. ખુલ્લી હવામાં ચંદ્રપ્રકાશની શીતળતામાં, માઇક વગર માત્ર ઢોલના તાલે કે શાસ્ત્રીય સુરોના તાલે રમવા જોઈએ. ટૂંકમાં દરેક મનુષ્યમાં શક્તિ ધરબાયેલી હોય છે માત્ર તેને ગતિમાં લાવવાનું કામ ગરબા કરે છે. આમ પણ વિજ્ઞાને સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે લયબદ્ધ તાળી પાડી તેમ જ પગની ઠેસ મારી રમાતા ગરબા શરીરમાં આવેલા શક્તિકેન્દ્રોને જાગૃત કરે છે કેમ કે આપણા હાથના પંજા અને પગના તળિયામાં શરીરના દરેક અંગના સંપર્કકેન્દ્રો આવેલા છે. એટલે તો એક્યુપ્રેશરના ઇલાજોમાં તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જાપાનના એક નિષ્ણાત ડોક્ટરનો દાવો છે કે દરરોજ સવારે અને સાંજે સ્વસ્થ ચિત્તે તાળી પાડવાથી શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે. એટલે જ કદાચ આપણા ધર્મશાસ્ત્રોમાં સવાર-સાંજ કીર્તનની સલાહ અપાઈ હશે. ગરમી-ઠંડીના આ સંધિકાળમાં પિત્તજન્ય રોગ પણ વિશેષ થાય છે જેનો નાશ કરવાની શક્તિ ગરબામાં રહેલી છે. એટલે જ કદાચ નવરાત્રિના ૧૫ દિવસ પહેલાંથી આપણે ત્યાં શ્રાદ્ધ નિમિત્તે ખીર ખાવાની વ્યવસ્થા છે. જે અતિ વૈજ્ઞાનિક છે કેમકે ખીર પિત્તશામક છે. અનેક પશ્ચિમી સંશોધનો જણાવે છે કે માનસિક તનાવ એટલે કે સ્ટ્રેસ દૂર કરવા નૃત્ય થેરાપી ખૂબ ફાયદાકારક છે. વળી ગરબા લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવે છે જે લોહીના કણોને જામવા દેતા નથી જેથી ભવિષ્યમાં હાર્ટ એટેકની સંભાવનાઓ ઘટી જાય છે. આપણે જાણીએ છીએ કે ડાયાબીટીસના દર્દીને પણ ડોક્ટર કસરત કરવાની સલાહ આપે છે.
ગરબો શબ્દ ‘ગર્ભ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જે રીતે માતાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક માતા પાસેથી પોષણ મેળવે છે તે રીતે બ્રહ્માંડરૂપી વિશાળ ઉદરમાં ઊછરી રહેલ મનુષ્યે ગરબા દ્વારા જગતજનની મા અંબે પાસેથી પોષણ મેળવવાનું છે.