નવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. મૂલતઃ ગરબાનું ઉદગમ સ્થાન ગુજરાત છે. હવે તમારે જાણવું હશે કે આને ગરબા કેમ કહેવાય છે, બીજું કાંઈ કેમ નહીં? ગરબા શબ્દ મૂળરૂપે ગર્ભદીપ શબ્દને રજુ કરે છે. જ્યાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબે માંની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે. અંદર દીવો હોય એવો કાણાંવાળો માટીનો કે ચાંદી કે પછી ત્રાંબા ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.
▶️ નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે. છિદ્રોવાળી નાની માટલી જેને ઘટ / ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુ પાંદડા શણગારી તેમાં અંબે માંની જ્યોત પ્રગટાવામાં આવે છે. તદુપરાંત વિશ્વમ્ભરી સ્તુતિ અને અંબે માંની આરતીનું ગાન અને પૂજા કરવામાં આવે છે અને તે પછી ગરબાની શરૂઆત કરવામાં આવે છે.
▶️ નવરાત્રી માટે પૂજા સામગ્રી
● માતા અંબેની પ્રતિમા અથવા ચિત્ર
● લાલ ચુંદડી
● આંબાના પાન
● ચોખા
● દુર્ગા સપ્તશતીની પુસ્તક
● લાલ દોરી
● ગંગાજળ
● ચંદન
● નારિયેળ
● કપૂર
● જવના બીજ
● માટી ના વાસણ
● ગુલાલ
● સુપારી
● પાનના પાંદડા
● લવિંગ
● ઈલાયચી
▶️ નવરાત્રી પૂજા વિધિ
● સવારે વહેલા ઊઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો
● ઉપર આપેલી પૂજા સામગ્રીને ભેગી કરો
● પૂજાની થાળી સજાવો
● મા અંબેની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રોમાં મૂકો
● માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરેક દિવસે પાણી છાંટો, જેનાથી જવેરા ઉગશે. ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિની શરુઆત બાદ પહેલો પાક જવનો થયો હતો. તેથી દેવી-દેવતાઓની પુજા સમયે હંમેશા જવ ચઢાવવામાં આવે છે. માન્યતા અનુસાર જવ વાવવા પાછળનું કારણ એજ છે કે અન્ન બ્રહ્મ છે અને આપણે અન્નનું સન્માન કરવું જોઇએ. નવરાત્રી દરમિયાન જવનું ઝડપથી અને સારી રીતે વધવુ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિમા જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમા સુખ અને સંપતિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃધ્ધિ આવે છે.
● પૂર્ણ વિધિ મુજબ શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં કળશ સ્થાપનાનો શુભ સમય 26 સપ્ટેમ્બરે સવારે 6:17 થી 7:55 સુધીનો છે પરંતુ જો કોઈ કારણસર તમે આ મુહૂર્તમાં સ્થાપના ન કરી શક્યા હોવ તો અભિજીત મુહૂર્તમાં પણ સ્થાપના કરી શકો છો. આ મુહૂર્ત 26 સપ્ટેમ્બરે 11.54થી 12.42 સુધી છે. આ મુહૂર્તમાં પણ કળશ સ્થાપનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં સૌથી પહેલા કળશમાં ગંગાજળ ભરો, તેના મુખ પર આંબાની પાંદડીઓ લગાવો અને ઉપર નાળિયેર મૂકો. કળશને લાલ વસ્ત્રથી વીંટો અને લાલ દોરીના વડે તેને બાંધો અને માટીના વાસણ જોડે મૂકી દો.
● ફુલ, કપૂર, અગરબત્તી, જ્યોતની સાથે પંચોપચાર પૂજા કરો
● નવ દિવસ સુધીમાં માતાજી સંબંધિત મંત્રનો જાપ કરો અને માતાનું સ્વાગત કરી તેમનાથી સુખ-સમૃદ્ધિની કામના કરો
● અંતિમ દિવસે અંબે માંના પૂજન, આરતી પછી ઉગેલા જવેરાવાળા માટીના પાત્રનું ચોખ્ખા પાણીમાં વિસર્જન
માનસી દેસાઈ