“તને ના પાડી છે ને, કેટલી વાર કીધું છે, કે તારે કાકાના બંગલામાં નહીં જવાનું! સાંભળતો કેમ નથી?”
બાપાનો આ હુકમ સાંભળી સાંભળીને અમે મોટા થયા. બચપનમાં ક્યારેય ન સમજાણુ કે બાપા શા માટે ના પાડતા હતા. બસ, ફક્ત એટલી જ ખબર હતી કે અમારા ખાનદાનની કાકાના કુટુંબ સાથે વાતચીત બંદ હતી.
પણ અમે બચ્ચાઓ ક્યાં માનવાના હતા. હું કિશોર અને કાકાનો દીકરો રાહુલ, ભાઈ કરતા વધારે સારા મિત્રો હતા. મોટેરાઓ વચ્ચે જેટલી ઘૃણા અને નફરત હતી, બચ્ચાઓ વચ્ચે એટલોજ પ્રેમ અને મેળાપ હતો. ઘરમાં જેટલી પ્રતિબંધી વધતી ગઈ, અમે ભાઈઓ એટલું જ વધારે ગુપ્ત રીતે મળતા રહ્યા. અમે ચોરીછુપે લાઇબ્રરીમાં, અથવા નદીકિનારે, યા તો પછી, સાયકલ લઈને ગામથી દૂર છેવાડે નીકળી જતા. જુવાન થતા અમારી વાતચીત પણ ઘરના મોટેરાઓના મનમુટાવની આસપાસ ફરતી.
“યાર કિશોર, આવું ક્યાં સુધી ચાલશે? શું કારણ છે, કે આપણા બન્ને ઘર વચ્ચે આ વર્ષો જૂની નફરતનો અંત જ નથી આવી રહ્યો?”
મેં લાંબો નિસાસો લેતા કહ્યું,
“રાહુલ, થોડા દિવસ પહેલા બાપા મમ્મી સાથે વાત કરી રહ્યા હતા અને હું ભૂલથી સાંભળી ગયો. ત્યારે આટલું ખબર પડી કે આ બધું નાના મોટા ખેતરના લીધે થઈ રહ્યું છે.”
રાહુલ ચોંકી ગયો અને કપાળે હાથ માર્યો.
“બસ! આટલી નાની વાત ઉપર આ લોકો આટલા વર્ષોથી દુશ્મની પાડી રહ્યા છે? ખરેખર યાર, મને નહોતી ખબર કે આપણા ઘરવાળા આટલા નાના જીવના છે.”
હું થોડી વાર ચૂપ થઈ ગયો અને ખૂબ વિચાર્યા પછી રાહુલ સામે જોયું.
“રાહુલ, હવે સમય આવી ગયો છે, કે આપણે આ બાબતે કંઈક કરીએ. જો તું મારી મદદ કરીશ તો આપણે મારી યોજનામાં સફળ થઈશું.”
“તું અવાજ કર કિશોર. હવે હું પણ આ બધાથી ત્રાસી ગયો છું.”
રાહુલને મારી યોજના ગમી અને અમેં એના પર કામ કરવાનું શરૂ કર્યું. અઠવાડિયા પછી કાનૂની દસ્તાવેજો લઈને અમેં બન્ને પોતપોતાના માબાપ પાસે ગયા. વકીલની સામે અમે લખાણમાં કબૂલ કર્યું હતું કે અમને વારસામાં એમના ખેતરો નથી જોઈતા. એ લોકો ચાહે તો એને વેચી ને એમાંથી આવેલા પૈસા દાન કરી નાખે. અમને કાંઈ નથી જોઈતું. આ બધું વાંચીને બાપા મારા પર વરસી પડ્યા.
“તું ગાંડો થઈ ગયો છે! શું છે આ બધું?”
મેં વિમ્રતાની સાથે, ધીરજ રાખતા જવાબ આપ્યો,
“બાપા, આ નફરત ની જળ છે આપણા ખેતરો. અને તમે આ બધું મારા માટે કરી રહ્યા હતા ને? બાપા, આ નફરત નો સિલસિલો તમારા અને કાકા સાથે ખતમ. અમે બચ્ચાઓ આ દીવાલ તોડી રહ્યા છીએ. રાહુલ અને હું તમારા નફરત ના વારસદાર બનવા તૈયાર નથી. મને મારો ભાઈ વધુ વ્હાલો છે. તમે અમારી ચિંતા ન કરો. અમે અમારી મહેનતથી અમારું જીવન સારું બનાવી લઈશું.”
બાપાના હાવભાવમાં આશ્ચર્ય અને આઘાત હતો. એ કંઈક બોલે, તે પહેલાં હું ત્યાંથી નીકળી ગયો.
રાહુલ અને મારા લીધેલા પગલાનું પરિણામ એક મહિના પછી જોવા મળ્યું. બન્ને ઘર અને ખેતરો વચ્ચેની દીવાલ તૂટી ગઈ અને આવનારી પેઢી માટે વારસાનો વિષયાર્થ બદલાઈ ગયો.
શમીમ મર્ચન્ટ,