બ્લેક હોલના સંશોધન માટે બ્રિટનના રોજર પેનરોસ,જર્મનીના રાઇનહાર્ડ ગેન્ઝલ અને અમેરિકાના એન્ડ્રીયા ગેઝ વિજ્ઞાનીઓ ને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવશે. નોબેલ સમિતિ ના અહેવાલ મુજબ આ ત્રણે સંશોધકોએ બ્રહ્માંડની રહસ્યમય અને અદભુત રચના બ્લેકહોલ અંગે સંશોધન કર્યું છે. વિજ્ઞાની રોજનો આ સંશોધનમાં ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે તેમણે “બ્લેકહોલની રચના અંગે મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા.” અન્ય બે સંશોધકો રાઈન હાર્ડ અને એન્ડ્રીયા એ સંશોધન દ્વારા રજુ કર્યું હતું કે, “આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલ છે અને તે જ આખી આકાશગંગાના તારા નિયંત્રિત કરે છે…”
બ્લેક હોલ બ્રહ્માંડની એવી રચના છે, જેને જોઈ શકાતી નથી પરંતુ તેના મુખ પાસે રહેલુ પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ તેની હાજરીના પુરાવા આપે છે. તેનું ગુરુત્વાકર્ષણ એટલું બધું શક્તિશાળી હોય છે કે તેમાં પ્રવેશતા પ્રકાશના કિરણો પણ પરત આવી શકતા નથી.
૧૯૬૫માં રોજરે આઇન્સ્ટાઇને રજૂ કરેલી અવકાશ અને બ્લેક હોલ અંગેની થિયરી ઓફ રિલેટિવિટી અને બ્લેક હોલ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો હતો. તેમના આ સંશોધન એ નોબેલ પારિતોષિક સુધી નો રસ્તો ખુલ્લો કરી આપ્યો. ૮૯ વર્ષના રોજર યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે સંકળાયેલા છે.
ઈતિહાસમાં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર એન્ડ્રીયા ગેસ એ ચોથી મહિલા છે આ પહેલા મેડમ ક્યુરી, મારિયા મેયર અને ડોના સ્ટ્રીકલેન્ડ ને ભૌતિક શાસ્ત્રમાં નોબલ પારિતોષિક મળેલું છે.