અદ્વૈતવાદ મૂળરૂપે ભારતીય વેદાંતનો એક સિદ્ધાંત છે, જે એકત્વનું સૂચન કરે છે. પૌરાણિક કાળમાં પુલસ્ત્ય, મરીચિ, કશ્યપ, ભારદ્વાજ, અષ્ટાવક્ર જેવાં મહાન તપસ્વીઓથી લઈને આદિ ગુરુ શંકરાચાર્ય સુધીનાં મહાન યુગ-દૃષ્ટાઓએ આ સિદ્ધાંત પર પોતાના વિચાર રજૂ કર્યાં છે. ભારતીય દર્શન શાસ્ત્રમાં રજૂ થયેલ વિચારો તેમનાં ધાર્મિક મૂલ્યો ઉપરાંત વ્યવહારિક જીવનમાં ખૂબ મહત્વનાં છે.
અદ્વૈતવાદનો સિદ્ધાંત પ્રેમની સાચી પરિભાષા સાથે પહેલેથી વણાયેલો છે. તમસા નદીને કિનારે એકત્વમાં લીન થઈ ગયેલાં ક્રૌંચ યુગલમાંથી એક પક્ષીનો વધ જોઇને મહર્ષિ વાલ્મિકીનાં મનમાં અસહ્ય પીડા ઉત્પન્ન થાય છે અને એજ પીડાએ આપણને વિશ્વનું પ્રથમ મહાકાવ્ય રામાયણ આપ્યું. આ ઘટનામાં ક્રોંચ પક્ષીનું યુગલ સંપૂર્ણ પણે એક બીજામાં લીન હતું આવા સમયે યુગલમાંથી કોઈ એકનો વધ મહર્ષિ વાલ્મિકી માટે ખૂબ પીડા દાયક બની રહે છે.
આ ઘટનાનો સંદર્ભ તમને આગળ જતાં ધીમે ધીમે સમજાઈ જશે.
પ્રેમ શબ્દ આવતાની સાથે જ લોક-માનસમાં બે વ્યક્તિઓ ચોક્કસ પણે આવી જાય છે. હા, પ્રેમ ચેતન અને જડ પદાર્થ વચ્ચે હોઈ શકે છે. પરંતુ આપણે આજે એજ પ્રેમ વિશે વાત કરીએ જે બે ચેતના વચ્ચે રહેલો છે. કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ઉત્પન્ન થયેલી સાત્વિક અને નિશ્ચલ પ્રેમ ભાવના હંમેશા દ્વૈત (બે) થી અદ્વૈત તરફ પ્રયાણ કરે છે. સૌએ ચોક્કસપણેથી એ સ્વીકારવું જ રહ્યું કે પ્રણય સંબંધોની શરૂઆતનો મુખ્ય ભાગ ‘આકર્ષણ’ જ ભજવે છે જેને અંગ્રેજીમાં attraction કહેવાય છે. કેટલાંક લોકોનાં મનમાં પ્રશ્ન થાય કે આકર્ષણ એ પ્રેમની શરૂઆત કેવી રીતે હોઈ શકે? એતો ફકત એક પ્રકારનું ખેંચાણ થઈ ગયું! પરંતુ એજ આપણી વિચારધારાની સંકુચિતતા છે. આકર્ષણ શબ્દ ફકત ને ફક્ત શારીરિક એટલે કે દૈહિક બાબતો સાથે જોડાયેલ નથી. આ માટે એક જાણીતું અને સટિક ઉદાહરણ કહું તો એ છે મા મીરાંબાઈ, મીરાંબાઈ સંપૂર્ણપણે કૃષ્ણમય હતાં; તેઓએ કૃષ્ણને જ પોતાનો પ્રેમ માની લીધો હતો, તો શું મીરાંબાઈ કોઈ પણ આકર્ષણ વિના જ કૃષ્ણ તરફ ખેંચાઇ આવ્યાં?? શું એમને કૃષ્ણનું શારીરિક આકર્ષણ કૃષ્ણ તરફ ખેંચી લાવ્યું (જે સંભવ જ નથી કેમ કે મીરાંબાઈ શ્રી કૃષ્ણના નિર્વાણ પછીના એક જુદા યુગમાં જન્મ્યાં હતાં) ??? અહીં જે આકર્ષણ હતું એ કૃષ્ણની મહિમા પ્રત્યેનું હતું, શ્રી કૃષ્ણની દૈહિક ગેરહાજરીમાં પણ તેમનાં વિચારો જીવંત છે જેને માતા મીરાંબાઈને આકર્ષિત કર્યાં. આ ઉપરથી સામાન્ય ખ્યાલ જે આપણા મનમાં હોય છે કે આકર્ષણ ફકત દૈહિક હોય એ ખ્યાલ નીકળી જાય છે અને એ પણ સમજી શકાય છે કે આકર્ષણ વિના પ્રેમ શક્ય નથી.
આકર્ષણ , શારીરિક સંભોગ , વાર્તાલાપ આ બધા પરિબળો બે વ્યક્તિઓ કે બે પ્રતિભાઓને જોડવાની શરૂઆત ચોક્કસ પણે કહી શકાય. આ બધીજ પરિસ્થિતિ દ્વૈતવાદનું સૂચન કરે છે. અધ્યાત્મ હોય કે સાંસારિક જીવન હોય ‘એકતા’જ તેનું વિકાસ મૂળ છે. પ્રેમ જેમ જેમ દ્વૈતથી અદ્વૈત તરફ એટલે કે જુદાંપણા માંથી એકત્વ તરફ જાય છે તેમ તેમ પરાકાષ્ઠાની સમીપ આવતો જાય છે. પ્રેમમાં અદ્વૈત એટલે કે પ્રેમની એકત્વ તરફની ગતિ. જ્યારે દૈહિક અને બાહ્ય દેખાવથી ઉપરવટ જઇને બે આત્મ તત્વો વચ્ચે જ્યારે અનુસંધાન કેળવાય છે ત્યારે તે પ્રેમ એકત્વ પામ્યો ગણાય છે. ( આ પ્રેમ ફકત ને ફકત બે પ્રેમી પંખીડાઓ વચ્ચે હોય એ પણ જરૂરી નથી.)
અમેરિકન લેખક રિચાર્ડ બેકની નવલકથા “A bridge across forever”માં ‘soul-mate’ શબ્દ પ્રયોજાયો જેનો અર્થ સામાન્ય રીતે આત્મ-પ્રિય થાય. આ શબ્દ પણ પ્રેમમાં રહેલાં અદ્વૈતવાદનું સૂચન કરે છે. અહીં પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચે નહિ પણ બે આત્મ તત્વ વચ્ચે દર્શાવવામાં આવ્યો છે. આદિગુરુ શંકરાચાર્ય અને બીજા ઘણાં મહાન ઋષિઓ દ્વારા સૂચવેલા અદ્વૈત સિદ્ધાંતમાં પણ બ્રહ્મ અને જીવનાં એકત્વની વાત થયેલી છે, માટે જ બૃહદારણ્યક ઉપનિષદ જે યજુર્વેદના અંતિમ સાર સમાન છે તેમાં કહેવામાં આવ્યું છે કે “અહમ્ બ્રહ્માસ્મિ” એટલે કે “હું બ્રહ્મ છું”. અહીં માનવને સ્વ અને ઈશ્વર પ્રત્યેના એકત્વની જ્ઞાન થાય છે ત્યારે જ તેનું જીવન સાર્થક બને છે. આવી જ રીતે પ્રેમની સાર્થકતા પણ એકત્વમાં રહેલી છે.
પ્રેમમાં જ્યાં દ્વૈત ભાવ આવે છે ત્યાં દુઃખ અને વેદના જેવા ભાવ મનુષ્યને રંજાળે છે. આપણે ઉપર ક્રોંચ પક્ષીના યુગલની વાત કરી ત્યાં એક પક્ષીનું મૃત્યું થતાં બીજું પક્ષી આક્રંદ કરે છે અને દુઃખી થાય છે, કેમ કે ત્યાં જુદા થયાનો ભાવ તેને વિચલિત કરી મૂકે છે. પ્રેમમાં દ્વૈત અને અદ્વૈત બંનેના પૂરક છે. કેટલાંક કિસ્સાઓમાં વિરહ કે જુદાં થવાની ઘટનાને અયોગ્ય કહીને તેને નકારી પણ નથી શકાતું. સામે એકત્વમાં દૈહિક સંબંધો વિના પણ ટકી રહેવાની ક્ષમતા છે એ વાતમાં પણ કોઈ બે મત નથી,જેના ઉદાહરણરૂપ રાધા – કૃષ્ણ આજે જગતભરમાં વિખ્યાત છે.
આ ઉપરાંત એક બાબત જે સામાન્ય રીતે દુનિયાભરમાં પહેલેથી ચાલતી આવે છે એ છે એકત્વ તરફ જતાં પ્રેમમાં આવતી અડચણ. ક્રોંચ વધનું ઉદાહરણ લેવાનો મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્રેમના એકત્વની સાથે સાથે તેમાં આવતી અડચણને પણ સહેલાઈથી વર્ણવી શકાય. જ્યારે બે ક્રોંચ પક્ષીઓ એકત્વમાં લીન હતાં ત્યારે પારધીએ તીર ચલાવી એકની હત્યા કરી નાખી. આ બાબતમાં પારધી અડચણ બન્યો જેણે પ્રેમનાં એકત્વને તોડવાનો પ્રયાસ કર્યો. આપણાં સભ્ય ગણાતાં સમાજમાં આવા ક્રોંચ વધ આજે પણ થતાં રહે છે આવું લેખક શ્રી ગુણવંત શાહ સાહેબે તેમનાં પુસ્તક “માનવતાના મહાકાવ્ય”માં પણ કહ્યું છે. બે આત્મ તત્વને એક થતાં અટકાવવા ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. આપણા સભ્ય સમાજના લોકો મરજી વગરનાં વિવાહને યોગ્ય અને મરજી સહિતના પ્રેમ સંબંધને અયોગ્ય ગણાવે છે,આ એક પ્રકારે ક્રોંચવધ જ છે. વગર સંમતિએ બંધાયેલ સંબંધ કદાચ વર્ષો સુધી ટકી શકે ખરો પણ તેમાં એકત્વ સધાતું નથી, ત્યાં બે ઊર્મિઓનું મિલન ક્યારેય નથી થતું. નિષ્પક્ષ રીતે જોઈએ તો એમ કરાવવું અથવા કરવાં માટે મજબૂર કરવું તે પાપ જ થયું કહેવાય. આમ, એકત્વની દિશામાં વધતાં પ્રેમને ઘણીવાર ક્રોંચવધ જેવી ઘટનાઓનો સામનો કરવો પડે છે.
ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “એકત્વમ્ અનુપશ્યતઃ” એટલે કે સર્વ જીવોમાં રહેલા એકત્વને નિહાળનાર. એવી જ રીતે બે પ્રેમીઓ પણ પ્રણયમાં એકત્વને પામવાની ઝંખના રાખવી જોઈએ. જે પ્રેમનાં ઊર્ધ્વમૂલ વિકાસને પ્રેરે છે.
ધ્રુવ પટેલ ‘અચલ’