દોષ, ડર, ઘબ્રાહટ અને મૂંઝવણથી મારુ માથું ફરી ગયું છે. એક તોફાન છે મારી અંદર. પ્રશ્નોનું વમળ અને વિચારોના વલય એ મને પોતાની ગિરફતમાં એવો જકડી રાખ્યો, કે મારુ સુખ અને શાંતિ છીનવી લીધું.
“શું મેં ખરેખર મારા દોસ્તોની મદદ કરી હતી? શું મેં મારી પ્રતિભાનો ગેરલાભ ઉપાડ્યો હતો? શું મને પૈસાની આટલી ભૂખ હતી?”
આ અને આવા અગણિત શંકાઓ એ મને પરસેવામાં ભીંજવી નાખ્યો.
હું કાર્તિક પરમાર, બારમીમાં અકાઉન્ટ્સનો વિદ્યાર્થી છું, અને કોમ્પ્યુટરમાં નિષ્ણાત. કોઈના પણ અકાઉન્ટ્માં ઘૂસીને, એને હેક કરવું મારા ડાબા હાથનું ખેલ છે. મારી આ જ હોશયારીનો ફાયદો ઉપાડીને, મેં બધા મિત્રોને હજાર હજાર રૂપિયામાં, પ્રશ્નપત્રો લીક કરીને આપ્યા હતા.
જ્યારે આ કાર્ય કરવાનું વિચાર્યું હતું, ત્યારે આ રમત એક મજાક લાગી રહી હતી.
“અરે યાર કાર્તિક, કમ ઓન, તું આટલો ટેલેન્ટેડ થઈને દોસ્તોને કામ ન આવે તો શું ફાયદો?”
રાકેશે ટિપ્પણી કરી હતી, જેની પાછળ મનોજ બોલ્યો, “હાં યાર, કાંઈક કર કાર્તિક. તને અમારા બધાની દુઆ લાગશે અને અમારા બધાનું વર્ષ બચી જશે.”
મેં એની પીઠ પર થપ્પડ મારતા કટાક્ષ કરી હતી,
“મારા નકામાં મિત્રો! આખું વર્ષ તમે આંટા-ટલ્લા મારો, અને પછી પાપ મારી પાસે કરાવડાવો.”
પાણીમાં કંકર માર્યા પછી જે વલય ઉપડે, બસ એટલી જ નાની વાત હતી. પણ મારા સિવાય બધા પકડાય ગયા. હમણાં બધા આચાર્યશ્રીની ઓફિસમાં ઉભા છે, અને હું કોલેજ કમ્પોઉન્ડમાં દોષના વલયમાં ઘેરાયેલો બેઠો છું. બધાની ઉલટ તપાસ થતી હશે. કોઈ ન કોઈ મારુ નામ જરૂર લેશે.
ઊંડો શ્વાસ લેતા, હું ઉભો થયો અને વિચાર્યું,
“કાર્તિક, જ્યારે પાપ કરતા ડર ન લાગી, તો હવે શા માટે? તે ત્યારે હિંમત બતાવી, તો હમણાં પણ બતાવ. જોઈએ, તારામાં કેટલી આત્મા બાકી છે!”
એક નવા નિરાકરણે મને પોતાના વલણમાં ઘેરી લીધો. આચાર્યશ્રીની ઓફીસ સુધી પહોંચતા પહોંચતા, મારો નિશ્ચય વધુ મજબૂત થઈ ગયો.
“જે બધાનું થશે, હું પણ એનો જ હકદાર છું.”
મેં હાથ ઊંચો કરીને ધીમેથી દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો,
“કમ ઇન.”
મેં થોડોક દરવાજો ખોલ્યો અને અંદર પગ મુકતા, આસ્તેથી કહ્યું, “સર, મારે તમને કાંઈક કહેવું છે.”
શમીમ મર્ચન્ટ