સીરમ ઇન્સ્ટિટયૂટના ગ્રૂપ EXIM ડિરેક્ટર પી સી નામ્બિયારે જણાવ્યું હતું કે, દેશમાં નાના બાળકો અને નવજાત શિશુઓ માટેની કોરોના વેક્સિન આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે અને ઓક્ટોબરમાં જ નાના બાળકોને તે આપવાનું શરૂ કરાશે. નવજાત શિશુને પણ જન્મના થોડા સમય પછી આ વેક્સિન આપી શકાશે. નામ્બિયારે કહ્યું હતું કે કોવિશીલ્ડનું ઉત્પાદન એપ્રિલથી દર મહિને ૨૦ કરોડ ડોઝ કરાશે. હાલ તેનું દર મહિને ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરાય છે. તેનું કોર્મિશયલ વેચાણ કરવું કે કેમ તે સરકારના આદેશો મુજબ નક્કી કરાશે.
ભારતમાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી સૌથી ઝડપથી ચાલી રહી છે. ૩૦મીએ સાંજે ૭ વાગ્યા સુધીમાં ૩૭,૦૬,૧૫૭ લોકોને કોરોનાની વેકિસન આપવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ૧૧.૪૦ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. શનિવારે સાંજ સુધીમાં વધુ ૨,૦૬,૧૩૦ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં ૭૧ લોકોને વેક્સિનની આડઅસર થઈ હતી.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૩,૦૫૨ કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૭નાં મોત થયા હતા પરિણામે કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૪,૨૭૪ થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૬૮,૭૮૪ થઈ હતી. દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને ૧,૦૭,૪૬,૧૮૩ થયો છે. જેમાંથી ૧,૦૪,૨૩,૧૨૫ લોકો સાજા થયા છે. આથી રિકવરી રેટ વધીને ૯૬.૯૯ ટકા થયો છે.
VR Sunil Gohil