“વાહ ઉમંગ વાહ! તારી સ્કેટિંગની કુશળતા પર તો આપણું આખું ટોળું ફિદા છે. હવે તને કોઈ નહીં અટકાવી શકે. જો જે, તું ઝડપથી રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય લેવલ પર પહોંચી જઈશ.”
ઊંઘમાં ધ્રાસકો પડતા, ઉમંગ ચોંકીને ઉઠી ગયો. બે વર્ષ પહેલાં, મિત્ર રાજીવએ કરેલા વખાણ, આજે પણ કાનમાં પડધા પાડી રહ્યા હતા. એણે ગુસ્સામાં દુર્ઘટનાવાળા પગ ઉપર ઘણી બધી વાર મુઠ્ઠી મારી અને રડતા રડતા બૂમો પાડી.
“મારો પીછો કેમ નથી છોડતા? નથી હું કોઈ સ્કેટિંગ ચેમ્પિયન!!”
અવાજ સાંભળીને એના પપ્પા, ઉપેન્દ્ર, દોડીને એના રૂમ પાસે આવ્યા, પણ અંદર દાખલ ન થયા. અતિશય દુઃખ સાથે એના દીકરાને જોઈ રહ્યા. બે વર્ષ પહેલાના ખતરનાક અકસ્માત પછી, ઉમંગની આવી વર્તણૂક અને આ દૃશ્ય એક ટેવ જેવું બની ગયું હતું.
અઢાર વર્ષનો ઉમંગ સ્કેટિંગ ચેમ્પિયન હતો. જ્યારે મેદાનમાં ફરતો, તો માનો હવા સાથે વાતો કરતો હોય. પ્રેક્ષકોની તાળીઓની ગડગડાટ વચ્ચે, બન્ને હાથ ફેલાવીને એવો લહેરાતો, જાણે આખા મેદાન ઉપર ફક્ત એનું જ રાજ હોય.
પણ એક દુર્ઘટનાએ એની જિંદગી તહેસનહેસ કરી નાખી. સર્જરી અને ફિઝિયોથેરપીથી એનો પગ તો સારો થઈ ગયો. પણ મનમાં એક ડર બેસી ગયો અને વર્લ્ડ ચેમ્પિયનના સપના સાથે, હિંમત પણ તૂટી ગઈ.
“આમ નહીં ચાલે. હવે હું મારા દીકરાને આ પીડામાંથી કાઢીને રહીશ. મારે એના જુસ્સાને ફરીથી પ્રજ્વલિત કરવાની અને તેના મનોબળને પહેલા કરતા વધુ મજબૂત બનાવવાની જરૂર છે. અને તે હું કરીને રહીશ.”
ઉપેન્દ્રએ મનોમન આ દૃઢ નિશ્ચય લીધો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા.
બીજા દિવસે સાંજે બન્ને બાપ દીકરા બાલ્કની માં બેઠા બેઠા ચા પી રહ્યા હતા. ત્યારે ઉપેન્દ્રએ હળવેથી વાત શરૂ કરી.
“ઉમંગ, કોલેજ કેવી ચાલે છે?”
“સારી ચાલે છે પપ્પા.”
“તારી આ નવી કોલેજમાં કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી નથી?”
“છે. પણ મને એમાં રસ નથી. મને મારુ ધ્યાન ભણવા પર કેન્દ્રિત રાખવું છે.”
અમુક શાંત મિનિટો પછી, ઉપેન્દ્રએ ફરી વાત આગળ વધારી.
“ઉમંગ, આપણે સ્કેટિંગથી ખાસો લાંબો બ્રેક લઈ લીધો ને? ફરી પ્રેક્ટિસ ક્યારે ચાલુ કરવી છે?”
ઉમંગ ચૂપ થઈ ગયો અને નજર નીચી કરી નાખી.
“ઉમંગ…..?”
“બ્રેક નથી લીધો પપ્પા. હવે હું ક્યારે પણ સ્કેટિંગ નથી કરવાનો. મારા સ્કેટિંગ કરિયર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.”
“કેમ?”
ઉમંગ ચિડાઈ ગયો.
“કેમ શું? હવે હું સ્કેટિંગ નથી કરી શકતો.”
તે ઉભો થઈને અંદર જવા લાગ્યો. ઉપેન્દ્રએ એનો હાથ પકડીને કહ્યું,
“બેસ. હજી મારી વાત પૂરી નથી થઈ.”
ઊંડો નિસાસો ભરતા, ઉમંગ ફરી તેની ખુરશી પર બેસી ગયો.
“સ્કેટિંગ નથી કરી શકતો, કે નથી કરવા માંગતો? બન્નેમાં જમીન આસમાનનો ફરક છે.”
ઉમંગે એનું મોઢું પોતાના બન્ને હાથમાં છુપાવી લીધું, અને રડી પડ્યો.
“નહીં પપ્પા. હવે મારા ડરએ મારી હિંમત તોડી નાખી છે. હવે મારાથી નહીં થાય.”
ઉપેન્દ્રએ તેના દીકરાને બાથમાં લેતા, એની પીઠ થાબડી.
“દીકરા, સ્કેટિંગ તારી જાન છે, અને તું સ્કેટિંગની શાન છે. બન્ને એકબીજા વગર અધૂરા છો. મારો બહાદુર શેર એક એક્સિડન્ટથી હિંમત હારી ગયો? એ કેમ ચાલે?”
ઉમંગે એના પપ્પા સામે જોયું અને ધીમેથી એના મનનો ડર મોઢે લાવ્યો,
“તે દુઃખદ બનાવ મેદાનમાં સ્કેટિંગ કરતા કરતા જ થયો હતો, જે લાખો લોકોએ નજરે જોયું, અને જેની મીડિયામાં પણ ખૂબ ચર્ચા થઈ હતી. જો ફરી એવું કાંઈક થશે, તો હું તો મરી જ જઈશ પપ્પા.”
આ સાંભળીને ઉપેન્દ્રને આઘાત લાગ્યો. થોડીક વાર માટે બન્ને ચૂપ થઈ ગયા. ઉપેન્દ્રએ ઉમંગનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી શુરું કર્યું.
“હેલેન કેલર નું નામ સાંભયું છે? એક બીમારી પછી, દોઢ વર્ષની ઉંમરથી, મરણ સુધી, એ સ્ત્રી આંધળા અને બહેરા રહ્યા. દેખીતી વાત છે, તેનાથી એમની બોલવાની ક્ષમતા પણ ન રહી. પરંતુ એણે હિંમત ન હારી. તેણે ન ફક્ત પોતાનું ભણતર પૂરું કર્યું, તે સ્ત્રીઓ માટે વકીલ બન્યા, પુસ્તકો લખી અને આખી દુનિયા ફર્યા.”
આ સાંભળીને ઉમંગ દંગ રહી ગયો. આ જોઈ, ઉપેન્દ્રને પ્રોત્સાન મળ્યું અને એણે એના દીકરાને આગળ સમજાવ્યો.
“બેટા, ગૂગલ કરીશ, તો આવી ઘણી બધી મહાન હસ્તીઓના વિષય જાણવા મળશે, જેણે કોઈ પણ પરિસ્થિતિને પોતાના લક્ષય પર પહોંચવાથી અડચણ ન બનવા દીધી. એક દુર્ઘટના તારા વ્યક્તિત્વની વ્યાખ્યા નથી બની શકતી. અકસ્માતને હસવાનો મોકો ન આપ. મનોબળ મજબૂત કરી, દૃઢ નિશ્ચય લે. તારી પ્રતિભા અને મહેનત તને ફરી એકવાર દુનિયાની સામે વિજેતા સાબિત કરશે.”
ઉપેન્દ્રએ હાર ન માની, અને ઉમંગને એકલો ન મુક્યો. સ્કેટિંગમાં કમ બેક માટે, ડગલેને પગલે એની સાથે રહ્યો. કસરત, પ્રેક્ટિસ, કોચિંગ સેશન, બધે ઉપેન્દ્ર એના દીકરાની હિંમત વધારતો રહેતો. અને છેવટે, એક વર્ષ પછી, ઉમંગ ઉપેન્દ્ર કુમાર, ફરી એકવાર સ્કેટિંગના મેદાનમાં ઉતર્યો. જ્યારે એના રાઉન્ડઝ પુરા થયા, તો તાળીઓની ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. મીડિયાવાળા એના ફોટા પાડતા નહોતા થાકી રહ્યા. ઉમંગ ચકાચોંધ થઈ ચારેબાજુ જોતો રહી ગયો. એની અંતરાત્મા ઠરી અને મોઢે મોટું સ્મિત આવ્યું.
પ્રેક્ષકોમાં બેઠા ઉપેન્દ્રને એના દીકરા પર ગર્વ થઈ રહ્યો હતો. દૃઢ નિશ્ચય કરો, તો અસંભવ કંઈ પણ નથી!!
શમીમ મર્ચન્ટ,